પહેલી ઝલક:બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે દીકરાની પહેલી તસવીર શૅર કરી, 'દેવ્યાન' નામ પાડ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • શ્રેયાએ સો.મીડિયામાં દીકરાની પહેલી ઝલક શૅર કરી

બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે 22 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરીના 11 દિવસ બાદ શ્રેયાએ સો.મીડિયામાં દીકરાની પહેલી તસવીર તથા તેના નામની જાહેરાત કરી છે. શ્રેયાએ પોતાના દીકરાનું નામ દેવ્યાન પાડ્યું છે. દેવ્યાનનો અર્થ દેવતાઓની સેવા અથવા દેવતાઓનો રથ એવો થાય છે.

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી

શ્રેયા ઘોષાલના હાથમાં દીકરો છે અને સાથે તેનો પતિ શિલાદિત્ય ઊભો છે. તસવીર શૅર કરીને શ્રેયાએ કહ્યું હતું, 'દેવ્યાન મુખોપાધ્યાય. તે 22 મેના રોજ આવ્યો અને અમારું જીવન હંમેશાંના માટે બદલાઈ ગયું. તેના જન્મની સાથે જ તેની પહેલી ઝલકે અમારા હૃદય પ્રેમથી ભરી દીધા. માત્ર એક માતા તથા એક પિતા પોતાના બાળક માટે આ અનુભવી શકે છે.' જોકે, શ્રેયાએ દીકરાનો ચહેરો બતાવ્યો નથી.

37 વર્ષની શ્રેયાએ જાતે જ આ ખુશખબરી સોશિયલ મીડિયા પર શૅર કરી છે. એણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘ઇશ્વરે આજે બપોરે અમને એક અણમોલ દીકરા રૂપી આશીર્વાદ આપ્યા છે. આવું ઇમોશન અમે અગાઉ ક્યારેય અનુભવ્યું નથી. શિલાદિત્ય અને હું અમારા પરિવાર સાથે અત્યંત ખુશ છીએ. અમારી ખુશીઓના આ નાનકડા મહેમાન માટે આપની અગણિત દુઆઓ માટે આભાર.’

માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
શ્રેયા ઘોષાલે માર્ચ મહિનામાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શિલાદિત્ય અને મને તમારી સાથે આ ન્યૂઝ શૅર કરતાં અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. આપ સૌના પ્રેમ અને આશીર્વાદની અમને ખૂબ જ જરૂર છે. કારણ કે અમે અમારા જીવનના આ નવા પ્રકરણ માટે તૈયાર છીએ.’ સોશિયલ મીડિયા યુઝર્સ પણ શ્રેયાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

2015માં ચૂપચાપ લગ્ન કર્યા હતા
શ્રેયા ઘોષાલે પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે 5 ફેબ્રુઆરી, 2015ના રોજ ગુપચુપ લગ્ન કરી લીધેલાં. આ વિધિમાં બંને પક્ષના પરિવારના સભ્યો અને અમુક ગણ્યા ગાંઠ્યા મિત્રોએ જ હાજરી આપી હતી. લગ્નના બીજા દિવસે શ્રેયાએ પોતે પોતાનાં લગ્નની માહિતી ફેન્સને આપી હતી.

‘દેવદાસ’થી ફિલ્મી કરિયરની શરૂઆત થયેલી
શ્રેયાએ શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ‘દેવદાસ’થી પોતાની પ્લેબેક સિંગિંગની કરિયરની શરૂઆત કરેલી. 75મા ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ શોમાં તેનું પર્ફોર્મન્સ જોઇને સંજય લીલા ભણસાલીએ તેને પોતાની ફિલ્મમાં ગાવાની તક આપી હતી.

એ પછી તો શ્રેયાએ 'ઝહર', 'પરિણીતા', 'રબ ને બના દી જોડી', 'ધ કિલર', 'હોલિડે', 'ઓમ શાંતિ ઓમ', 'જબ વી મેટ', '3 ઇડિયટ્સ', 'ધ ડર્ટી પિક્ચર', 'બોલ બચ્ચન', 'પીકે', 'કલંક', 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર' જેવી અનેક ફિલ્મમાં એકથી એક ચડિયાતાં ગીતો ગાયાં છે. શ્રેયા અત્યાર સુધીમાં 4 નેશનલ અવોર્ડ્સ અને 16 ફિલ્મફેર અવોર્ડ્સ (10 સાઉથ ફિલ્મફેર સહિત) જીતી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...