વિવાદ પર રિએક્શન:બોલિવૂડ ફોટોગ્રાફરે સિદ્ધાર્થનો બોયકોટ કરવાની જાહેરાત કરી, હવે સાઈના નેહવાલની પ્રતિક્રિયા સામે આવી

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલ પર સેક્સિસ્ટ કમેન્ટ કર્યા બાદ એક્ટર સિદ્ધાર્થનો બોલિવૂડ ફોટોગ્રાફર્સે બોયકોટ કરવાની જાહેરાત કરી છે. ફોટોગ્રાફર માનવ મંગલાણીએ કહ્યું હતું, 'હવે હું સિદ્ધાર્થને મારા કોઈ પણ પ્લેટફોર્મ પર કવર કરીશ નહીં.' ત્યારબાદ સાઈનાએ માનવનો આભાર માન્યો હતો. સો.મીડિયામાં સિદ્ધાર્થ પોતાની પોસ્ટને કારણે ઘણો જ ટ્રોલ થયો હતો. તેણે પછી ચોખવટ કરતાં કહ્યું હતું કે તેની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. જોકે, સિદ્ધાર્થને રાષ્ટ્રીય મહિલા પંચે નોટિસ ફટકારી છે.

શું કહ્યું ફોટોગ્રાફરે?
માનવ મંગલાણીએ સો.મીડિયામાં ન્યૂઝની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આ તેમનો ઉછેર તથા ગંદી માનસિક સ્થિતિ દર્શાવે છે. મેં નક્કી કર્યું છે કે હવે હું સિદ્ધાર્થને મારા કોઈ પણ પ્લેટફોર્મ પર કવર કરીશ નહીં. ગેટ વેલ સૂન.' માનવે આ પોસ્ટ પર સિદ્ધાર્થને પણ ટૅગ કર્યો હતો. માનવની આ પોસ્ટને રિશૅર કરીને સાઈનાએ આભાર માનતી 'હાથ જોડતી' ઇમોજી શૅર કરી હતી.

સાઈનાએ કહ્યું, એક્ટર તરીકે તે ગમે છે
મીડિયા સાથેની વાતચીતમાં સાઈનાએ કહ્યું હતું, 'મને ખ્યાલ નથી તેનો કહેવાનો અર્થ શું હતું. મને તે એક્ટર તરીકે ગમે છે, પરંતુ આ યોગ્ય નહોતું. તે સારા શબ્દોથી પોતાના વિચારો વ્યક્ત કરી શક્યો હોત, પરંતુ આ ટ્વિટર છે અને આવા શબ્દો તથા કમેન્ટ્સથી તરત જ બીજાનું ધ્યાન તમારી પર જશે.' વધુમાં સાઈનાએ કહ્યું હતું, 'જો દેશના વડાપ્રધાન જ સલામત ના હોય તો મને નથી લાગતું કે દેશમાં કોઈ પણ સલમાત હોય.'

શું છે સમ્રગ બાબત?
સાઈનાએ સો.મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના ફિરોઝપુર ખાતે થયેલી સુરક્ષામાં ચૂક થઈ એની નિંદા કરી હતી. સાઈનાએ કહ્યું હતું, 'કોઈ પણ રાષ્ટ્રના વડાપ્રધાનની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવે તો તે રાષ્ટ્ર ક્યારેય પોતાને સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં. હું કડક શબ્દોમાં અરાજકતાવાદીઓએ વડાપ્રધાન મોદી પર કરેલા કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું.'

સાઈનાની આ પોસ્ટ પર એક્ટર સિદ્ધાર્થે ચેમ્પિયન માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું, 'ભગવાનનો આભાર છે કે આપણી પાસે ભારતના રક્ષક છે. ધિક્કાર છે તમારી પર.' આ લાઇન્સની સાથે સિદ્ધાર્થે હેશટૅગમાં રિહાન્ના શબ્દનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...