'અતરંગી રે' ટ્રેલર આઉટ:સારા અલી ખાનના સપનાનો રાજકુમાર અક્ષય કુમાર છે, ધનુષ સાથે લગ્ન થયા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 ડિસેમ્બરે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

અક્ષય કુમાર, સારા અલી ખાન તથા ધનુષની ફિલ્મ 'અતરંગી રે'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સારાએ રિંકુ સૂર્યવંશી નામની યુવતીનું પાત્ર ભજવ્યું છે. રિંકુના લગ્ન તમિળ યુવક વિશુ સાથે જબરજસ્તી કરી દેવામાં આવે છે. વિશુનું પાત્ર ધનુષે ભજવ્યું છે. સારા તથા ધનુષની ફિલ્મમાં કમાલની કેમિસ્ટ્રી જોવા મળી છે. આ ફિલ્મ બિહારમાં થતાં ‘પકડુઆ શાદી’ અથવા ‘જબરીયા શાદી’ લગ્ન પર આધારિત છે. ઉલ્લેખીય છે કે જબરીયા લગ્ન પર આધારિત ફિલ્મ 'જબરીયા જોડી' 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પરિણીતા ચોપરા તથા સિદ્ધાર્થ મલ્હોત્રા હતા.

શું છે ટ્રેલરમાં?
3 મિનિટ 8 સકેન્ડના ટ્રેલરની શરૂઆત મંડપથી થાય છે. મંડપમાં કેટલાંક લોકો વિશુને પકડીને લાવે છે અને તેના લગ્ન રિંકુ સાથે જબરજસ્તી કરાવવામાં આવે છે. રિંકુની એન્ટ્રી કેટલાંક લોકો પર બોટલ ફેંકતી હોય તે રીતે થાય છે. તે જબરીયા લગ્નના વિરોધમાં છે. તે પોતાની મરજીથી લગ્ન કરવા માગે છે, પરંતુ તેના લગ્ન વિશુ સાથે કરી દેવામાં આવે છે. બંને આ લગ્નના વિરોધમાં હોય છે. ટ્રેલરમાં ધનુષ તમિળમાં વાત કરતો જોવા મળે છે. ટ્રેલરમાં રિંકુ, અક્ષય કુમારના પાત્રને પ્રેમ કરતી હોય છે અને તેને પોતાના સપનાનો રાજકુમાર માનતી હોય છે.

અક્ષય કુમાર અલગ અલગ રોલમાં જોવા મળ્યો
ટ્રેલરમાં અક્ષય કુમાર અલગ અલગ લુકમાં જોવા મળ્યો. તે 'ઓહ માય ગોડ'ના અંદાજમાં પણ દેખાયો હતો. ટ્રેલરમાં એક ગીત પણ છે અને આ ગીત સાઉથ તથા ઉત્તર ભારતીય ફિલ્મના સંગીતનું મિક્સઅપ લાગે છે. સારા તથા ધનુષના ડાન્સ મૂવ્સ કમાલના છે. ટ્રેલરમાં સારા તથા ધનુષ એકબીજાને પ્રેમ કરવા લાગે છે, પરંતુ સારા, અક્ષયને પણ પ્રેમ કરતી હોય છે.

ફિલ્મના ગીત ઈર્શાદ કામિલે લખ્યા છે અને સંગીત એ આર રહેમાનનું છે. આનંદ એલ રાયના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 24 ડિસેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ હોટ સ્ટાર પર રિલીઝ થશે.