વર્ષ 2016માં ચર્ચા હતી કે ફિલ્મમેકર આદિત્ય ધર 'રાત બાકી' ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન જોવા મળશે. જોકે, ભારત તથા પાકિસ્તાનના બગડતા સંબંધોને કારણે આ ફિલ્મ બની શકી નહીં. હવે આદિત્ય ધર કલાકારો બદલીને બીજીવાર ફિલ્મ ફ્લોર પર લઈ જવાની તૈયારીમાં છે.
બોલિવૂડ હંગામાના અહેવાલ પ્રમાણે, વર્ષ 2016માં આદિત્યે ફવાદ ખાન તથા કેટરીના કૈફ સાથે ફિલ્મની તૈયારી કરી હતી. જોકે, ભારત-પાકિસ્તાનની વચ્ચે વધતા પૉલિટિકલ સ્ટ્રેસની વચ્ચે ફિલ્મની સ્ક્રિપ્ટ પર આગળ કામ કરવામાં આવ્યું નહોતું.
હવે આદિત્ય આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી તથા યામી ગૌતમને લેવામાં આવશે. આદિત્ય માટે આ ફિલ્મ ઘણી જ મહત્ત્વની છે. આ ફિલ્મને રોની સ્ક્રૂવાલા સાથે મળીને પ્રોડ્યૂસ કરશે. ફિલ્મને કોણ ડિરેક્ટ કરશે, તેનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ફિલ્મનું ટાઇટલ બદલાશે
રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની સ્ટાર કાસ્ટ બદલતા હવે ફિલ્મનું ટાઇટલ પણ ચેન્જ કરવામાં આવશે. ફિલ્મની કાસ્ટ, ટાઇટલની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલમાં આદિત્ય અપકમિંગ ફિલ્મ 'અશ્વત્થામા'માં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂરી થયા બાદ આદિત્ય 'રાત બાકી' પર ફોકસ કરશે. હાલમાં જ આદિત્યે યામી ગૌતમ સાથે લગ્ન કર્યાં હતાં.
પ્રતીક ગાંધી 'સ્કેમ 1992'ને કારણે દેશભરમાં લોકપ્રિય થયો છે. પ્રતીક પાસે હાલમાં 'રાવણ લીલા', 'અતિથી ભૂતો ભવ' તથા 'વો લડકી હૈ કૌન' જેવી હિંદી ફિલ્મ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.