ચાર વર્ષ બાદ બ્રેકઅપ?:અર્જુન કપૂરથી અલગ થયા બાદ મલાઈકા અરોરા દુઃખી ને ઉદાસ, છ દિવસથી ઘરમાં જ બંધ છે!

મુંબઈ8 દિવસ પહેલા
  • અર્જુન-મલાઈકાના બ્રેકઅપ અંગે એક્ટરે શું કહ્યું?

બોલિવૂડના લવબર્ડ્સ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂરનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા બોલિવૂડમાં જોરશોરથી થઈ રહી છે. બંને છેલ્લાં ચાર વર્ષથી સાથે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મલાઈકા તથા અર્જુને અલગ થવાનું નક્કી કર્યું છે. અર્જુન-મલાઈકાના અફેરની વાતો જે રીતે બી-ટાઉનમાં ચર્ચાતી હતી તે જ રીતે બંનેના બ્રેકઅપની વાતો થઈ રહી છે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, છેલ્લાં છ દિવસથી મલાઈકા અરોરા ઘરની બહાર નીકળી નથી. મલાઈકા હાલમાં આઇસોલેશનમાં છે. કહેવાય છે કે મલાઈકા ઘણી જ ઉદાસ છે અને તેણે થોડો સમય બહારની દુનિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

અર્જુન પણ મલાઈકાને મળ્યો નથી
અર્જુન કપૂર આ દિવસોમાં મલાઈકાને મળ્યો પણ નથી. ખરી રીતે તો અર્જુન ત્રણ દિવસ પહેલાં જ પિતરાઈ બહેન રિયા કપૂરના ઘરે ડિનર માટે ગયો હતો. રિયાનું ઘર મલાઈકાના ઘરની નજીકમાં જ આવેલું છે. અર્જુન બહેનના ઘરે આવ્યો, પરંતુ નજીકમાં જ રહેતી મલાઈકાના ઘરે ગયો નહોતો. સામાન્ય રીતે મલાઈકા અર્જુન કપૂરના પરિવારના ડિનર કે લંચમાં જતી હોય છે. જોકે, આ વખતે તે અર્જુન સાથે જોવા મળી નહોતી.

અર્જુને કહ્યું, અફવાઓને કોઈ સ્થાન નથી
મલાઈકા સાથેના બ્રેકઅપની ચર્ચાએ જોર પકડતાં અર્જુન કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ માત્ર અફવા હોવાનું કહ્યું હતું. મલાઈકા સાથેની તસવીર શૅર કરીને અર્જુને કહ્યું હતું, 'અફવાઓને કોઈ સ્થાન નથી. સલામત રહો. લોકોને શુભેચ્છા. તમામને પ્રેમ.'

મલાઈકાની તબિયત સારી નથી
ગયા અઠવાડિયે મલાઈકા 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2'ની ગ્રાન્ડ ફિનાલેના શૂટિંગમાં હાજર રહી નહોતી. તે સમયે મલાઈકાએ એમ કહ્યું હતું કે તેની તબિયત સારી નથી.

અર્જુનને બીજીવાર કોરોના થયો હતો
ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂરને ડિસેમ્બર, 2021માં કોરોના થયો હતો. અર્જુન કપૂર બહેન અંશુલા સાથે રાજસ્થાન ફરવા ગયો હતો અને પરત ફર્યા બાદ રિપોર્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. અર્જુન તથા અંશુલા હોમ આઇસોલેશનમાં જ હતા. નોંધનીય છે કે અર્જુન કપૂરને સપ્ટેમ્બર, 2020માં પણ કોરોના થયો હતો. એ સમયે મલાઈકાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અર્જુન કપૂરે હાલમાં જ પ્રેમિકા અંગે વાત કરી હતી
અર્જુન કપૂર 36 વર્ષનો છે, જ્યારે મલાઈકા અરોરા 48 વર્ષીય છે. અર્જુન કપૂર તથા મલાઈકા વચ્ચે 12 વર્ષનો એજ ડિફરન્સ છે અને તેથી જ અવારનવાર અર્જુનને ટ્રોલ કરવામાં આવતો હોય છે. આ અંગે અર્જુન કપૂરે વેબ પોર્ટલ 'મસાલા' સાથે વાત કરી હતી અને કહ્યું હતું, 'પહેલી વાત તો એ કે મને લાગે છે કે મીડિયા જ કમેન્ટ્સ પર ધ્યાન આપે છે. અમે તો 90% કમેન્ટ્સ પર ધ્યાન જ આપતા નથી. આથી જ ટ્રોલિંગને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી, કારણ કે આમાં મોટાભાગની ફૅક જ હોય છે.' વધુમાં અર્જુને કહ્યું હતું, 'જે લોકો ટ્રોલ કરે છે, સાચી વાત તો એ છે કે તેમાંથી જ મોટાભાગના લોકો સેલ્ફી લેવા માટે તલપાપડ હોય છે. આથી જ આ રીતની વાત પર વિશ્વાસ કરી શકાય નહીં. હું પર્સનલ લાઇફમાં શું કરું છે એ મારી અંગત બાબત છે. જ્યાં સુધી લોકો મારા કામને નોટિસ કરે છે, ત્યાં સુધી બીજી કોઈ બાબત મહત્ત્વની નથી.'

પ્રેમમાં ઉંમરની વાતો બાલિશ
અર્જુને આગળ કહ્યું હતું, 'તમે આ બધી વાતો અંગે વધુ વિચારી શકો નહીં. પછી કોઈ ઉંમરની વાત કરતું હોય કે બીજી કોઈ. આપણે બસ આપણું જીવન જીવીએ છીએ અને બીજાને જીવવા દઈએ છીએ. મને લાગે છે કે આ બધી વાતો બાલિશ છે કે તમે કોઈ સંબંધમાં એજ ડિફરન્સ પર ધ્યાન આપો છો.'

મલાઈકા 2016માં પતિથી અલગ થઈ
મલાઈકાએ અરબાઝ ખાન સાથે 1998માં લગ્ન કર્યા હતા. બંનેને દીકરો અરહાન પણ છે. જોકે, 2016માં બંને અલગ થઈ ગયા હતા. કોર્ટે દીકરાની કસ્ટડી મલાઈકાને આપી હતી.