સ્ટાર્સના ગુપચુપ લગ્ન:માત્ર કેટ-વિકીએ જ લગ્ન અંગે સસ્પેન્સ રાખ્યું નથી, વિરાટ-અનુષ્કા સહિતના સેલેબ્સે વેડિંગની વાત છુપાવી

મુંબઈ9 દિવસ પહેલા

વિકી કૌશલ તથા કેટરીના કૈફ હાલમાં પોતાના સિક્રેટ લગ્નને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બંને 7-12 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં લગ્ન કરવાના છે. જોકે, બંનેમાંથી કોઈએ ઓફિશિયલી આ વાતનો સ્વીકાર કર્યો નથી.

આ જ કારણે કેટ-વિકીના લગ્ન અંગે ઘણી જ કન્ફ્યૂઝન જોવા મળી છે. ચાહકોના મનમાં સવાલ છે કે લગ્ન થશે કે નહીં. જોકે, માત્ર વિકી-કેટે જ નહીં, પરંતુ બોલિવૂડના ઘણાં સેલેબ્સે લગ્ન અંગે ઘણી જ ગુપ્તતા જાળવી હતી અને ચાહકોને કાનોકાન ખબર ના પડે તેનો પૂરતો પ્રયાસ કર્યો હતો.

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

મીડિયાથી બચવા માટે વિરાટ તથા અનુષ્કાએ ભારતમાં નહીં, પરંતુ ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. બંનેએ ડિસેમ્બર, 2018માં લગ્ન કર્યાં હતાં અને વેડિંગ બાદ સો.મીડિયામાં તસવીર શૅર કરીને ચાહકોને આ અંગે જાણ કરી હતી.

રાની મુખર્જી-આદિત્ય ચોપરા

રાનીએ 21 એપ્રિલ, 2014માં ઇટલીમાં ફિલ્મમેકર આદિત્ય ચોપરા સાથે સિક્રેટ વેડિંગ કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો સામેલ થયા હતા. આજ સુધી બંનેના લગ્નની એક પણ તસવીર સામે આવી નથી.

જ્હોન અબ્રાહમ-પ્રિયા રૂંચાલ

જ્હોને 2014માં પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કર્યાં હતાં. જ્હોનના સંબંધો બિપાશા બાસુ સાથે હતા અને બંને લિવ ઇનમાં પણ રહ્યા હતા. જોકે, બ્રેકઅપ બાદ અચાનક જ જ્હોને પ્રિયા સાથે લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. આ લગ્નની એક પણ તસવીર મીડિયામાં આવી નથી.

જૂહી ચાવલા-જય મહેતા​​​​​​

ડિસેમ્બર, 1997માં જૂહીએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ લાંબા સમય સુધી આ લગ્નને છુપાવીને રાખ્યા હતા. જૂહી જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેણે લગ્ન કર્યા હોવાની વાત ચાહકો સાથે શૅર કરી હતી.

પ્રિટી ઝિન્ટા-જીન ગુડઇનફ

પ્રિટીએ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિટિઝન જીન ગુડઇનફ સાથે 29 ફેબ્રુઆરી, 2016માં લગ્ન કર્યા હતા. લોસ એન્જલસમાં યોજાયેલા આ લગ્નમાં પરિવાર તથા મિત્રો હાજર રહ્યા હતા. લગ્નના છ મહિના બાદ વેડિંગ પિક્સ સામે આવ્યા હતા.

સના ખાન-અનસ સૈય્યદ​​​​​​​

​​​​​​​સનાએ ઓક્ટોબર, 2020માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કર્યા બાદ સુરતના મુફ્તી અનસ સૈય્યદ સાથે લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.