તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈભવી ઠાઠ:બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાના મોંઘા શોખ, ક્યારેક 37 કરોડ તો ક્યારેક 15 કરોડ ખર્ચે છે માત્ર સ્ટાઈલ પાછળ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉર્વશી રાઉતેલા પોતાના મોંઘા આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે
  • ઉર્વશીએ થોડાં સમય પહેલાં 70 લાખ રૂપિયાનું બ્રેસલેટ પહેર્યું હતું

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા પોતાની કરિયર કરતાં કપડાં ને જ્વેલરીને કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્વશીનો પહેલો ઈન્ટરનેશનલ મ્યૂઝિક વીડિયો 'વર્સાચે બેબી' લૉન્ચ થયો હતો. રિલીઝ થતાં જ આ સોંગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. આ સોંગમાં તે ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમદાન સાથે જોવા મળી છે. છ મિનિટના આ ગીતમાં ઉર્વશીના લુકની ઘણી જ ચર્ચા થઈ રહી છે. ઉર્વશીના આ લુક પાછળ 15 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાની ચર્ચા છે. ઉર્વશીએ બ્લેક રંગનું જે ગાઉન પહેર્યું છે તે ઈન્ટરનેશનલ ડિઝાઈનર દોનતિલ્લા વર્સાચેએ ડિઝાઈન કર્યું છે. જોકે, આ પહેલી વાર નથી કે ઉર્વશીએ આઉટફિટ પાછળ આટલા રૂપિયા ખર્ચ કર્યા હોય. આ પહેલાં પણ ઉર્વશી ઘણીવાર કરોડો રૂપિયા ખર્ચ ચૂકી છે.

ભાઈના લગ્નમાં 55 લાખની સાડી પહેરી હતી

ઉર્વશીના કઝિન બ્રધરના લગ્ન 2017માં હતા. ઉત્તરાખંડમાં યોજાયેલા આ લગ્નમાં ઉર્વશીએ 55 લાખ રૂપિયાની સાડી તથા 28 લાખ રૂપિયાની જ્વેલરી પહેરી હતી. એટલે કે ઉર્વશીએ સાડી તથા જ્વેલરી પાછળ એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. ઉર્વશીની બ્રાઉન રંગની સાડીને તૈયાર થતાં 7 મહિના જેટલો સમય થયો હતો. આ સાડીનું ફેબ્રિક નેટ હતું અને તેમાં કિંમતી ગોલ્ડન જરી વર્ક તથા સ્ટોન લગાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં આ સાડીનું વજન 30 કિલોથી પણ વધારે હોવાનું માનવામાં આવે છે. ઉર્વશીએ જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીની ડિઝાઈન કરેલી 28 લાખ રૂપિયાની જ્વેલરી કૅરી કરી હતી.

પ્રોડ્યૂસરના લગ્નમાં 5 લાખની સાડી પહેરી

ઉર્વશી ડિસેમ્બર, 2020માં પ્રોડ્યૂસર રાંઝા વિક્રમ સિંહ તથા સિમરન કૌરના લગ્નમાં ચંદીગઢ ગઈ હતી. રિસેપ્શનમાં ઉર્વશીએ શિફોન સાડી પહેરી હતી અને ડાયમંડ જ્વેલરીથી લુક કમ્પ્લિટ કર્યો હતો. શિફોનની આ સાડી પાંચ લાખ રૂપિયાની હતી. ઉર્વશીની સ્ટાઈલિસ્ટ સાંચી જુનેજાએ આ સાડીની કિંમત અંગે વાત કરી હતી.

37 કરોડનો ડ્રેસ

એપ્રિલ, 2021માં ઉર્વશીએ અરબ ફેશન વીકમાં ભાગ લીધો હતો. અહીંયા તેણે એક શોર્ટ ફિલ્મ રિલીઝ કરી હતી. આ શોર્ટ ફિલ્મમાં ઉર્વશીએ ઈજિપ્તની મહારાણી ક્લિયોપેટ્રાનો રોલ પ્લે કર્યો હતો. આ દરમિયાન ઉર્વશીએ ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની કિંમત 5 મિલિયન અમેરિકન ડોલર (ભારતીય ચલણ પ્રમાણે, 37 કરોડ રૂપિયા) હતી. આ ગોલ્ડન ગાઉન ટ્રાન્સપરન્ટ હતું અને તેને ગોલ્ડન ડિઝાઈનથી કવર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉર્વશીએ ટીકો તથા મોટી વીંટિ પહેરી હતી.

દુલ્હન કરતાં ઉર્વશીનો ડ્રેસ મોંઘો

ઓક્ટોબર, 2020માં બોલિવૂડ સિંગર નેહા કક્કરે દિલ્હીમાં સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ઉર્વશી પણ હાજર રહી હતી. જોકે, નવાઈની વાત એ છે કે લગ્નમાં ઉર્વશીએ દુલ્હન નેહા કક્કર કરતાં મોઘાં કપડાં પહેર્યા હતા. ઉર્વશીએ ફેશન ડિઝાઈનર રેણુ ટંડને ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. જ્યારે અર્ચના અગ્રવાલે ડિઝાઈન કરેલી જ્વેલરી પહેરી હતી. ઉર્વશીની સ્ટાઈલિસ્ટ સાંચી જુનેજાના મતે, જ્વેલરી તથા લહેંગાની કિંમત 55 લાખ રૂપિયા હતી. માનવામાં આવે છે કે નેહાના વેડિંગ લુક કરતાં ઉર્વશીનો લુક 10 ગણો મોંઘો હતો.

ફોટોશૂટ દરમિયાન પહેર્યા 52 લાખના આઉટફિટ

ઉર્વશી રાઉતેલાએ વર્ષની શરૂઆતમાં વર્સાચે (ઈટાલિયન લક્ઝૂરિયસ ફેશન બ્રાન્ડ) માટે એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરમિયાન ઉર્વશીએ સી-બ્લૂ રંગનું ગાઉન પહેર્યું હતું. બ્રાન્ડ લેબલ અમાતો કોચરનું આ ગાઉન 45 લાખ રૂપિયાનું હતું. આ સાથે જ તેણે 7 લાખ રૂપિયાની જ્વેલરી પહેરી હતી. ઓવરઓલ ઉર્વશીનો લુક 52 લાખ રૂપિયાનો હતો.

ન્યૂ પાર્ટીમાં 32 લાખનું ગાઉન પહેર્યું હતું

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઉર્વશી ન્યૂ યર ઈવેન્ટમાં હાજર રહી હતી. આ ઈવેન્ટમાં ઉર્વશીએ બેકલેસ રેડ કલરનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની કિંમત 45 હજાર અમેરિકન ડોલર (ભારતીય ચલમ પ્રમાણે 32,88,427.10) હતી. આ ગાઉનને તૈયાર કરતાં 150 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ગાઉનને ઈન્ટરનેશનલ ફેશન ડિઝાઈનર માઈકલ સિનકોએ તૈયાર કર્યું હતું. ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં માઈકલ સિનકોએ ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેરીને રેડ કાર્પેટ પર વૉક કરતી હોય છે.

અવોર્ડ શોમાં ઉર્વશીનો લુક 35 લાખનો

​​​​​​​

માર્ચ, 2021માં 66મો ફિલ્મફેર અવોર્ડ યોજવામાં આવ્યો હતો. આ અવોર્ડ શોમાં ઉર્વશીએ મોનિશા જયસિંગે ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની કિંમત 69,999 રૂપિયા હતી. જ્યારે ઉર્વશીએ પહેરલી જ્વેલરીની કિંમત 34 લાખ રૂપિયા હતી. ઉર્વશીના હાથમાં રહેલાં ક્લચની કિંમત 30 હજાર રૂપિયા હતી. આ રીતે ઉર્વશીનો આખો લુક 35 લાખ રૂપિયાનો હતો. ઉર્વશીને સ્ટાઈલિસ્ટ તુષાર કપૂરે તૈયાર કરી હતી.

25 લાખનો ડ્રેસ પહેરીને રણમાં ફોટોશૂટ કરાવ્યું​​​​​​​

ઉર્વશી પહેલી ભારતીય એક્ટ્રેસ છે, જેણે અરબ દેશના મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હોય. ઉર્વશીએ ઈરાકના મેગેઝિન માટે કવર ફોટોશૂટ કરાવ્યું હતું. મેગેઝિનના એડિટર ઈન ચીફ સુલ્તાન અબુ ટાયરે કહ્યું હતું કે ઉર્વશીએ ફોટોશૂટ દરમિયાન જે ઓરેન્જ રંગના આઉટફિટ પહેર્યા હતા, તેની કિંમત 25 લાખ રૂપિયા હતી.

70 લાખ રૂપિયાનું બ્રેસલેટ​​​​​​​

થોડાં મહિના પહેલાં ઉર્વશીએ સો.મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઉર્વશીએ જે બ્રેસલેટ પહેર્યું, તેની કિંમત 70 લાખ રૂપિયા હતી. આ બ્રેસલેટ કાર્ટિયર ફ્રેન્ચ લેબલનું હતું.

2013માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું​​​​​​​

25 ફેબ્રુઆરી, 1994માં જન્મેલી ઉર્વશી 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં જોવા મળી હતી. આ સ્પર્ધામાં તે મિસ દિવા યુનિવર્સ 2015નો ખિતાબ જીત્યો હતો. ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'હેટ સ્ટોરી 4', 'પાગલપંતી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશીએ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. ઉર્વશી રાઉતેલા તમિળ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશીને પોતાની પહેલી તમિળ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ જ કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગઈ છે. ઉર્વશી પહેલી એક્ટ્રેસ છે, જેને સાઉથમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ઉર્વશી ફિલ્મ 'બ્લેક રોઝ' ફિલ્મમાં કામ કરી રહી છે.