સોમીએ ઐશ્વર્યાના વખાણ કર્યા:સલમાનની EX ગર્લફ્રેન્ડ સોમીએ કહ્યું, 'એશે રિલેશનશિપમાં થયેલી મારામારી વિરુદ્ધ અવાજ ઉઠાવીને સાહસનું કામ કર્યું હતું'

મુંબઈ2 મહિનો પહેલા
  • સોમી અલી તથા સલમાન વચ્ચે આઠ વર્ષ સુધી સંબંધો રહ્યા હતા
  • સોમીથી અલગ થયા બાદ સલમાનના સંબંધો ઐશ્વર્યા રાય સાથે હતા

બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલીએ એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાય બચ્ચનના વખાણ કર્યા છે. તેણે કહ્યું હતું કે ઐશ્વર્યા રાય રિલેશનશિપમાં હતી અને તેણે પોતાના પાર્ટનર વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની પોલીસ ફરિયાદ કરીને બહાદુરીનું કામ કર્યું હતું. સોમીએ વધુમાં કહ્યું હતું કે ઐશ્વર્યાએ તે દરમિયાન આવું કરીને એક ઉદાહરણ રજૂ કર્યું છે અને ડોમેસ્ટિક વાયોલન્સ વિરુદ્ધ સ્ટેન્ડ લઈને સાહસ બતાવ્યું હતું.

ઐશ્વર્યા રાયના સંબંધો સલમાન સાથે હતા
1999માં ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં કામ કરતી વખતે સલમાન તથા ઐશ્વર્યા એકબીજાની નિકટ આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન, ઐશ્વર્યા અંગે ઘણો જ પઝેસિવ હતો અને અનેકવાર ફિલ્મના સેટ તથા એક્ટ્રેસના ઘરની બહાર હંગામો કરતો જોવા મળ્યો હતો. અંતે કંટાળીને ઐશ્વર્યાએ સલમાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

સોમી સાથે સંબંધો હતા
એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે, ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, 'જ્યારે હું ટીનેજર હતી, ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્રને માત્ર ફિલ્મમાં કામ કર્યું.' 1999માં સલમાનની નિકટતા 'હમ દિલ દે ચૂક સનમ'ના સેટ પર ઐશ્વર્યા તથા સલમાનની નિકટતાને કારણે સોમી સાથેના સંબંધો તૂટ્યાં હતાં.

2007માં સોમીએ સંસ્થા શરૂ કરી
સોમી અલીએ અન્ય એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના સંબંધો સારા રહ્યા નહોતા. તે માત્ર 9 ધોરણ ભણીને ભારત આવી ગઈ હતી. આથી તેણે ફ્લોરિડા જઈને સૌ પહેલાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. સોમીએ અમેરિકા જઈને સાયકોલોજીમાં બેચલર ડિગ્રી લીધી હતી. ત્યારબાદ બ્રોડકાસ્ટ જર્નલિઝમમાં માસ્ટર્સ કરીને સોશિયલ વર્ક સાથે જોડાઈ હતી. 2007માં સોમીએ સ્વૈચ્છિક સંસ્થા 'નો મોર ટિયર' શરૂ કરી હતી. સંસ્થા ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલા લોકોની મદદ કરે છે.

ઘણાં વર્ષોથી સલમાન સાથે વાત કરી નથી
સોમી અલીએ કહ્યું હતું કે તેણે ઘણાં વર્ષોથી સલમાન સાથે વાત કરી નથી. તેના મતે તે જીવનમાં આગળ વધી ગઈ છે અને સલમાન પણ આગળ વધી ગયો છે. તેને ખ્યાલ નથી કે ડિસેમ્બર, 1999માં તેણે સલમાનને છોડ્યો પછી તેની કેટલી ગર્લફ્રેન્ડ છે. તે હંમેશાં સલમાનને શુભેચ્છા પાઠવે છે. તેને સલમાનની સ્વૈચ્છિક સંસ્થા બીઇંગ હ્યુમન અંગે ખ્યાલ છે અને તે કમાલનું કામ કરે છે. તે માને છે કે તે સલમાનના સંપર્કમાં ના રહે તે તેના માટે સારું છું. સલમાન હવે સારી જગ્યાએ છે અને ઘણો જ ખુશ છે. બે વર્ષ પહેલાં સલમાનની માતા સલમા ખાનને સોમી અલી અમેરિકામાં મળી હતી.

સલમાન-સોમી વચ્ચે આઠ વર્ષ સુધી સંબંધો રહ્યા હતા
1991-1997ની વચ્ચે તેણે 'અંત', 'કિશન અવતાર', 'તીસરા કૌન', 'આંદોલન', 'અગ્નિચક્ર' જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે. સોમીએ સૈફ અલી ખાન, મિથુન ચક્રવર્તી તથા સુનીલ શેટ્ટી સહિતના સ્ટાર્સ સાથે કામ કર્યું છે. સોમી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેણે સલમાનની 'મૈંને પ્યાર કિયા' જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. સલમાન સાથે લગ્ન કરવાની ઈચ્છાએ સોમી મુંબઈ આવી. અહીંયા આવીને તે કામ શોધવા લાગી. આ દરમિયાન એક સ્ટૂડિયોમાં સોમીની મુલાકાત સલમાન સાથે થઈ હતી. 8 વર્ષ સુધી સોમી તથા સલમાન રિલેશનશિપમાં રહ્યા હતા. સોમી અલીએ કહ્યું હતું કે સલમાને પોતાનું હોમ પ્રોડક્શન નવું નવું શરૂ કર્યું હતું. તે ફિલ્મમાં મેઇન લીડ એક્ટ્રેસ શોધતો હતો. આ ફિલ્મનું નામ 'બુલંદ' હતું. તેઓ શૂટિંગ માટે કાઠમંડુ પણ ગયા હતા. જોકે, ત્યારે તે ઘણી જ યુવાન હતી અને ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. કેટલાંક પ્રોડ્યૂસર્સને ફિલ્મ સામે વાંધો પડ્યો હતો અને અંતે આ ફિલ્મ ક્યારેય બની નહીં.