સુપરસ્ટાર દિલીપ કુમારની આજે એટલે કે 11 ડિસેમ્બરના રોજ 100મી બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે હેરિટેજ ફાઉન્ડેશને 'હીરો ઑફ હીરોઝ' ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. દિલીપ કુમારની ફિલ્મનું બીજીવાર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં સાયરા બાનો સહિત બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. આ ઇવેન્ટનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સાયરા બાનો સ્વ. પતિ દિલીપ કુમારનું પોસ્ટર જોઈને ઇમોશનલ થઈ જાય છે.
સ્ક્રીનિંગ અડધો કલાક મોડું શરૂ થયું
PVR જુહૂમાં ફિલ્મ સ્ક્રીનિંગ 10 ડિસેમ્બરના રોજ સાંજે છ વાગ્યે રાખવામાં આવ્યું હતું, પરંતુ સાયરા બાનો રસ્તામાં હતાં એટલે સ્ક્રીનિંગ અડધો કલાક મોડું શરૂ કરવામાં આવ્યું હતું. સાયરા બાનોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિ તેમને પ્રેમ કરે છે અને તેમણે હંમેશાં ચાહકોને સારી ફિલ્મ આપી છે. તેમનું કામ શાનદાર છે.
ફેસ્ટિવલ હજી વધુ સમય ચાલવો જોઈએ
સાયરા બાનોએ દિલીપ કુમારના ફિલ્મ ફેસ્ટિવલ અંગે વાત કરતા કહ્યું હતું કે દિલીપ સાહબની બર્થ એનિવર્સરી પર આ રીતના પ્રોગ્રામનું આયોજન થતાં તે ખુશ છે. જૂની ફિલ્મને બીજીવાર આ રીતે બતાવવાની જરૂર છે. તેમણે પ્રોગ્રામનું આયોજન કરનાર શિવિન ડુંગરપુરનો આભાર માન્યો હતો. સાયરા બાનોએ એમ પણ કહ્યું હતું કે ફિલ્મ ફેસ્ટિવલનો સમય થોડો વધુ રાખવાની જરૂર હતી.
પોસ્ટર જોઈને ઇમોશનલ થયા
સાયરા બાનો દીવાલ પર ટીંગાડવામાં આવેલી દિલીપ કુમારની તસવીર જોઈને ઇમોશનલ થઈ ગયા હતા. પહેલાં તેમણે દિલીપ કુમારના પોસ્ટરને સ્પર્શ કર્યો હતો અને પછી તેમને આંખો ભરાઈ આવી હતી.
ફેસ્ટિવલમાં કોણ કોણ આવ્યું?
મુંબઈમાં શનિવાર, 10 ડિસેમ્બરના રોજ બે દિવસ માટે આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. આ ઇવેન્ટમાં વહીદા રહમાન, આશા પારેખ, દિવ્યા દત્તા, રમેશ સિપ્પી, પ્રેમ ચોપરા સહિતના સેલેબ્સ સામેલ થયા હતા. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 'આન', 'દેવદાસ', 'રામ ઔર શ્યામ', 'શક્તિ' જેવી લોકપ્રિય ફિલ્મ દેશભરના 20 શહેરના 30થી વધુ થિયેટરમાં બતાવવામાં આવશે.
યુઝર્સે સાયરાને સ્ટ્રોંગ રહેવાની અપીલ કરી
સાયરા બાનોનો વીડિયો વાઇરલ થતાં ચાહકોએ એક્ટ્રેસને સ્ટ્રોંગ રહેવાની અપીલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે સાચો પ્રેમ ક્યારેય શબ્દોમાં વ્યક્ત થઈ શકે નહીં. અન્ય એકે કહ્યું હતું કે સાચો પ્રેમ.
ગયા વર્ષે દિલીપ કુમારનું અવસાન થયું
સાયરા બાનોએ 1961માં ફિલ્મ 'જંગલી' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે 'બ્લફ માસ્ટર', 'ઝુક ગયા આસમાન', 'આઈ મિલન કી બેલા', 'પ્યાર મહોબ્બત', 'વિક્ટોરિયા નંબર 203', 'આદમી ઔર ઈન્સાન' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. સાયરા તથા દિલીપની જોડીએ 'બૈરાગ', 'ગોપી', 'સગીના મહાતો', 'જ્વાર ભાટા' જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ગયા વર્ષે 7 જુલાઈ, 2021ના રોજ દિલીપ કુમારનું અવસાન થયું હતું.
દિલીપ કુમાર કરતાં 22 વર્ષ નાના
દિલીપ કુમાર તથા સાયરા બાનોના લગ્ન થયા ત્યારે સાયરા બાનો 22ના તથા દિલીપ કુમાર 44 વર્ષના હતા. દિલીપ કુમારના અવસાન બાદ સાયરા બાનોને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તે સમયે તેમની હાલત ઘણી જ સીરિયસ હતી. તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારના અવસાન બાદ સાયરાબાનો ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.