રિચા ચઢ્ઢાની GALWAN SAYS HI પોસ્ટ પર વિવાદ:આર્મીની મજાક ઉડાવતા યુઝર્સે ટ્રોલ કરી, ભાજપે કહ્યું- શરમજનક, એક્ટ્રેસે માફી માગી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાની ગલવાન પોસ્ટ અંગે ખાસ્સો હોબાળો થયો હતો. હવે એક્ટ્રેસે તે પોસ્ટ ડિલિટ કરીને માફી માગી છે. રિચાએ કહ્યું હતું કે તે સેનાનું અપમાન કરવા માગતી નહોતી અને તેનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેને ખ્યાલ નહોતો કે તેના ત્રણ શબ્દોને કારણે આ રીતનો વિવાદ ઊભો થશે. રિચા હાલમાં દેહરાદૂનમાં અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

હાલમાં જ સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે જો સરકાર આદેશ આપશે તો તે PoK (પાકિસ્તાન ઓક્યુપાઇન્ડ કાશ્મીર) પરત લેવા માટે તૈયાર છે. આ પોસ્ટ પર રિચાએ કમેન્ટ કરતા કહ્યું હતું, 'ગલવાન હાઇ..' આ પોસ્ટ પર ખાસ્સો વિવાદ થયો હતો. એક્ટ્રેસ પર ભારતીય સેનાનું અપમાન કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

રિચા ચઢ્ઢાએ સો.મીડિયામાં માફી માગી

રિચાએ વિવાદ વધતા સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી હતી. એક્ટ્રેસે કહ્યું હતું, 'મારો ઈરાદો ક્યારેય કોઈનું પણ અપમાન કરવાનો નહોતો. મને મારા કહેલા ત્રણ શબ્દોને કારણે વિવાદમાં ખેંચવામાં આવી છે. જાણે-અજાણે મેં કહેલા શબ્દોથી જો મારા ફૌજી ભાઈઓની ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. આ સાથે હું એ પણ કહેવા માગું છું કે સેનામાં મારા નાનાજી હતા. તેઓ લેફ્ટનન્ટ કર્નલ હતા. 1960માં ભારત-ચીનના યુદ્ધ સમયે તેમને પગમાં ગોળી વાગી હતી. મારા મામાજી પેરાટ્રૂપર હતા. દેશભક્તિ મારા લોહીમાં છે. દેશને બચાવવા માટે જ્યારે એક દીકરો શહીદ થાય છે ત્યારે પરિવાર ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જો કોઈ ફૌજી ઘાયલ થાય છે તો પણ કેવી અસર થાય છે. આ વાત મને સારી રીતે ખબર છે. મારા માટે આ ભાવનાત્મક મુદ્દો છે.'

અક્ષય કુમારે રિચા ચઢ્ઢાની પોસ્ટનો સ્ક્રીન શોટ શૅર કરીને કહ્યું હતું, આ જોઈને દુઃખ થાય છે. કોઈએ પણ આપણી આર્મી પ્રત્યે આ રીતની વાત કરવી જોઈએ નહીં. તે છે તો આપણે છીએ.

સુપ્રીમ કોર્ટના વકીલે રિચા વિરુદ્ધ ફરિયાદ કરી
રિચાની પોસ્ટ બાદ શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ રિચા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. એક્ટ્રેસની પોસ્ટ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે અને રિચા વિરુદ્ધ FIR દાખલ કરવાની માગણી કરી છે.

ભાજના નેતાએ રિચાને થર્ડ ગ્રેડ એક્ટ્રેસ કહી
ભાજપના નેતા મનજિંદર સિંહે રિચાની પોસ્ટ આપત્તિજનક તથા અપમાનિત ગણાવી હતી. તેમણે વીડિયો શૅર કરીને રિચાને થર્ડ ગ્રેડ એક્ટ્રેસ કહી હતી અને મુંબઈ પોલીસને એક્ટ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

કેમ વિવાદ થયો?
ઉત્તરી સેનાના કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ 22 નવેમ્બરના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે તે સરકારના આદેશ પર કંઈ પણ કરવા માટે તૈયાર છે. જો પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું તે જડબાતોડ જવાબ મળશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન હસ્તક કાશ્મીર અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે જો સરકાર પરવાનગી આપે છે તો તેને પરત લેવા તૈયાર છે. આ પોસ્ટ પર રિચાએ 'ગલવાન હાઇ' કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2020માં ભારત તથા ચીનના સૈન્ય જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં દેશના 20 જવાનો શહીદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...