પ્રિયંકા-નિક રિલેશનશિપ:બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ લગ્ન પહેલાં નિક જોનસ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો

મુંબઈ6 મહિનો પહેલા
  • પ્રિયંકા તથા નિકે ડેટિંગના બે મહિના બાદ જ સગાઈ કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના સો.મીડિયા અકાઉન્ટના બાયોમાંથી ચોપરા તથા જોનસ સરનેમ દૂર કરી છે. જોનસ સરનેમ દૂર કરતાં જ ચર્ચા થવા લાગી કે પ્રિયંકા તથા નિક ડિવોર્સ લઈ રહ્યાં છે. જોકે, આ માત્ર અફવા જ છે. પ્રિયંકાની માતા મધુ ચોપરાએ પણ ડિવોર્સની વાતને અફવા ગણાવી છે. જ્યારે પ્રિયંકાએ પતિના વર્કઆઉટ વીડિયો પર કમેન્ટ કરીને આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. જોકે, પ્રિયંકા તથા નિકે લગ્ન પહેલાં એક કોન્ટ્રાક્ટ કર્યો હતો અને એ વાતની જાણ બહુ જ ઓછા ચાહકોને હશે.

પ્રિયંકા-નિક વચ્ચે શું ડીલ થઈ હતી?
લગ્ન બાદ એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કોન્ટ્રાક્ટ અંગેની વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે તેણે તથા નિકે સાથે મળીને લગ્ન પહેલાં એક ડીલ કરી હતી. આ ડીલ પ્રમાણે, મહિનામાં એક વાર બંને અચૂકથી એકબીજાને મળશે, પછી ભલે તે ગમે તેટલાં વ્યસ્ત કેમ ના હોય.

પ્રિયંકાએ કહ્યું હતું કે તેઓ મહિનાના દર ત્રીજા અઠવાડિયે એકબીજાને મળે છે. તેઓ દુનિયાના ગમે તે ખૂણામાં કેમ ના હોય, પરંતુ તેઓ એકબીજા સાથે થોડોક સમય પસાર કરે છે. તેમના લગ્નનો આ નિયમ છે અને આ નિયમ તેમણે પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો. પ્રિયંકાના મતે જો તેઓ આ નિયમ ના બનાવે તો તેઓ એટલાં વ્યસ્ત હોય છે કે તેઓ એકબીજાને મળી જ શકે નહીં.

કેવી રીતે નિક-પ્રિયંકાની લવસ્ટોરી શરૂ થઈ?
પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. પ્રિયંકા પતિ કરતાં 10 વર્ષ મોટી છે. પ્રિયંકાએ હોલિવૂડ સિરીઝ 'ક્વોન્ટિકો'માં કામ કર્યું હતું અને તેથી જ તે હોલિવૂડમાં જાણીતી બની હતી. સપ્ટેમ્બર, 2016માં નિકે પ્રિયંકાને સો.મીડિયામાં મેસેજ કર્યો હતો અને પ્રિયંકાએ તે જ દિવસે મેસેજનો રિપ્લાય આપતા એમ કહ્યું હતું કે તેની ટીમ પણ આ મેસેજ વાંચે છે તો તે શા માટે તેને ફોન પર મેસેજ નથી કરતો? આ રીતે બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. બંને વચ્ચે દોઢેક વર્ષ સુધી વાત ચાલી હતી. મે, 2017માં બંને પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. બંને 'મેટ ગાલા' ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર સાથે આવ્યા હતા. બંને રેડ કાર્પેટ પર સાથે આવતા જ અફેરની ચર્ચા થવા લાગી હતી. જોકે, બંનેએ તે સમયે માત્ર સારા મિત્રો હોવાનું કહ્યું હતું.

2018માં પ્રિયંકા-નિકની પહેલી ડેટ
મીડિયા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તે અને નિક પહેલી જ વાર ડેટ પર મે, 2018માં ગયા હતા. પહેલી ડેટ બાદ જૂન, 2018માં નિકે પોતાના કઝિનના લગ્નમાં પ્રિયંકાને આમંત્રણ આપ્યું હતું. ન્યૂ જર્સીમાં યોજાયેલા આ લગ્નમાં પ્રિયંકા હાજર રહી હતી અને બંને એકબીજાને ડેટ કરતાં હોવાની વાત જોરશોરથી થવા લાગી હતી.

બે મહિનામાં જ સગાઈ
ડેટિંગના બે મહિના બાદ જ ગ્રીસમાં નિક જોનસે પ્રિયંકાને પ્રપોઝ કર્યું હતું. પ્રિયંકાનો 18 જુલાઈએ 36મો જન્મદિવસ હતો. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 19 જુલાઈ, 2018માં નિકે ઘૂંટણીયે બેસીને પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પ્રિયંકાએ માત્ર 45 સેકન્ડમાં જ હામાં જવાબ આપી દીધો હતો. નિકે પ્રિયંકાને 2 લાખ ડોલર (અંદાજે બે કરોડ)ની ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. સગાઈના એક મહિના બાદ એટલે કે 18 ઓગસ્ટના રોજ મુંબઈમાં પ્રિયંકા તથા નિકની રોકા સેરેમની યોજવામાં આવી હતી. પ્રિયંકાએ સો.મીડિયામાં આ સેરેમનીની તસવીરો શૅર કરી હતી.

ડિસેમ્બર, 2018માં લગ્ન
પ્રિયંકા તથા નિકે જોધપુરમાં ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. પહેલી ડિસેમ્બરે પ્રિયંકાએ વ્હાઇટ વેડિંગ કર્યાં હતાં અને બીજી ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. મુંબઈમાં પ્રિયંકા તથા નિકે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી. ત્યારબાદ બંનેએ લોસ એન્જલસમાં વેડિંગ પાર્ટી યોજી હતી. લગ્ન બાદ પ્રિયંકા મોટા ભાગનો સમય વિદેશમાં જ પસાર કરે છે. ભારતમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના શૂટિંગ માટે જ આવતી હોય છે.

હાલમાં પ્રિયંકા હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત
પ્રિયંકા હાલમાં વિવિધ હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં કામ કરે છે. હોલિવૂડ ફિલ્મ 'મેટ્રિક્સ' સિરીઝની નવી ફિલ્મ 22 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા છે. પ્રિયંકા હિંદી ફિલ્મ 'જી લે ઝરા'માં કેટરીના કૈફ તથા આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.