પાયલ ઘોષની PM મોદીને અપીલ:અનુરાગ કશ્યપ પર દુષ્કર્મનો આક્ષેપ મુકનાર એક્ટ્રેસે લખ્યું- 'માફિયા ગેંગ મને મારી નાખશે અને પછી આને આત્મહત્યા કે કંઈક અલગ સાબિત કરી દેશે'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર દુષ્કર્મનો આક્ષેપ મુકનાર એક્ટ્રેસ પાયલ ઘોષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્મા પાસે મદદ માગી છે. પાયલે પોતાની લેટેસ્ટ ટ્વીટમાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પાયલે આ બંનેને ટેગ કરીને લખ્યું હતું, 'આ મૂવી માફિયા ગેંગ મને મારી નાખશે અને પછી આને આત્મહત્યા કે કંઈક અલગ સાબિત કરી દેવામાં આવશે.'

સુશાંત સાથે પોતાની તુલના કરી
પાયલે ઘોષે અન્ય એક ટ્વીટમાં પોતાની તુલના સુશાંત સિંહ રાજપૂત સાથે કરી હતી. તેણે વડાપ્રધાન કાર્યાલય, PM મોદી, ગૃહમંત્રાલય તથા ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા હતા અને કહ્યું હતું, 'એવું લાગું છે કે તેઓ સુશાંતની જેમ મારા મરવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અને મારું મોત પણ બોલિવૂડના અન્ય એક્ટર્સની જેમ મિસ્ટ્રી બનીને રહી જશે.'

રિચાને પૂછ્યું, કશ્યપ પર આટલો વિશ્વાસ કેમ?
પાયલ ઘોષે પોતાની એક ટ્વીટમાં રિચા ચઢ્ઢાને આડેહાથ લીધી હતી. રિચાએ પોતાની એક ટ્વીટમાં રેખા શર્મા તથા પાયલ ઘોષની મુલાકાતની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આ તસવીર જોઈ રેખા શર્મા મેમ. મને મારી ફરિયાદ (11 સપ્ટેમ્બર, 2020ના રોજ કરી હતી)નો જવાબ અત્યાર સુધી મળ્યો નથી. એક કેસમાં મારું નામ કારણ વગર લેવામાં આવ્યું હતું અને મિસ ઘોષની વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. તમારી ટ્વીટ જોઈને લાગે છે કે મારી ફરિયાદ તેના કરતાં (પાયલ) પહેલા ફાઈલ થઈ હતી.'

રિચાની ટ્વીટ પર પાયલે જવાબ આપતા કહ્યું હતું, 'મિસ ચઢ્ઢા સત્ય સામે આવ્યા વગર તમે કેવી રીતે જાણી લીધું કે તમારું નામ કારણ વગર લેવામાં આવ્યું છે. તમને મિસ્ટર કશ્યપ પર આટલો વિશ્વાસ કેમ છે? મને નવાઈ લાગે છે. રેખા શર્મા પ્લીઝ આ કેસ તરફ ધ્યાન આપો. પૂરી ગેંગ મને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.'

પાયલે કેન્દ્ર ગૃહરાજ્યમંત્રીની મુલાકાત લીધી હતી
આ પહેલા પાયલ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિશન રેડ્ડીને મળી હતી. મુલાકાત બાદ પાયલે ટ્વીટ કરીને કહ્યું હતું, 'શ્રી કિશન રેડ્ડી સાથે મુલાકાત થઈ. તેઓ અમિત શાહજીના MOS તથા કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી છે. તેમની સાથે આ મુદ્દે વાત કરી. આ એવો મુદ્દો છે, જેનો સામનો અનેક લોકોએ કરવો પડે છે. હવે કાર્યવાહીનો સમય છે.'

22 સપ્ટેમ્બરે દુષ્કર્મનો કેસ કર્યો હતો
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ હતો કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશનમાં તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, ખોટા ઈરાદાને રોકવા તથા મહિલાનું અપમાન કરવાની કલમો હેઠળ કેસ કર્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન અનુરાગે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...