કેન્સર સામે જંગ:48 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર, અનુભવ શૅર કરતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડી

મુંબઈ17 દિવસ પહેલા
  • અનુપમ ખેરે વીડિયો શૅર કરીને 'હીરો' કહી
  • મહિમાએ વીડિયોમાં પોતાની કેન્સર જર્ની અંગે વિગતે વાત કરી

48 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયું હતું. હાલમાં જ અનુપમ ખેરે સો.મીડિયામાં આ અંગેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મહિમાએ કહ્યું હતું કે અનુપમ ખેરે તેને ફિલ્મ માટે ફોન કર્યો હતો અને પછી તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. વીડિયોમાં વાત કરતા સમયે મહિમા એકદમ ભાવુક થઈ જાય છે અને તેની આંખમાં આંસુ આવી જાય છે. અનુપમ ખેરે આ વીડિયો શૅર કરીને મહિમાને હીરો ગણાવી હતી.

મહિમાને બ્રેસ્ટ કેન્સર
અનુપમ ખેરે સો.મીડિયામાં મહિમાનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'એક મહિના પહેલાં મેં મારી 525મી ફિલ્મ 'ધ સિગ્નેચર'માં મહત્ત્વના રોલ માટે અમેરિકાથી મહિમાને ફોન કર્યો હતો. અમારી વાતચીત થતી હતી અને ત્યારે જ મને ખબર પડી કે મહિમાને બ્રેસ્ટ કેન્સર છે. તેના જીવન જીવવાની રીત તથા તેનો એટિટ્યૂડ અનેક મહિલાઓને પ્રેરણા આપી શકે છે.

મહિમા કમબેક માટે તૈયાર
અનુપમે કહ્યું હતું, 'તે ઈચ્છતી હતી કે હું તેની આ જર્ની તમામ લોકોની સામે રજૂ કરું. તે જ્યારે લોકોને જાણ કરે ત્યારે હું તેનો હિસ્સો બનું. તેણે મારાં વખાણ કર્યાં, પરંતુ હું કહેવા માગીશ કે 'મહિમા તું મારો હીરો છે.' મિત્રો, તેને તમારો પ્રેમ, શુભકામના, પ્રાર્થના તથા આશીર્વાદ આપજો. હવે તે સેટ પર પરત ફરી છે. તે બીજીવાર ઊડવા માટે તૈયાર છે. તમામ પ્રોડ્યુસર્સ તથા ડિરેક્ટર્સ પાસે બ્રિલિયન્સને લેવાની તક છે. જય હો.' મહિમાએ આ વીડિયો પોતાના સો.મીડિયામાં રિપોસ્ટ કરીને કહ્યું હતું, 'તમારા પ્રેમ ને સપોર્ટ માટે આભાર, અનુપમ ખેર.'

સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ કરી
જેનેલિયા ડિસોઝાએ કમેન્ટમાં કહ્યું હતું કે મહિમા, તું વધુ સ્ટ્રોંગ બન. આ સાથે જ જેનેલિયાએ અનુપમ ખેરનાં વખાણ કર્યા હતા. ચાહકોએ મહિમાની હિંમતનાં વખાણ કર્યા હતા.

મહિમાએ વીડિયોમાં શું કહ્યું?
મહિમાએ વીડિયોમાં કહ્યું હતું, 'જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે અનુપમ ખેરનો ફોન આવ્યો હતો. અનુપમ ખેર અમેરિકામાં હતા એ વાતની મને ખબર હતી. આ વાતચીતમાં મેં તેમને કેન્સર હોવાની વાત કહી હતી. મને વેબ સિરીઝ ને ફિલ્મ માટે ઘણા ફોન આવતા હતા. જોકે વાળ ના હોવાથી મેં તમામ ઑફર્સ રિજેક્ટ કરી હતી. મેં અનુપમ ખેરને હું સેટ પર વિગ સાથે આવીશ એમ કહ્યું હતું. અનુપમ ખેરે સામે એવો સવાલ કર્યો હતો કે વિગ સાથે કેમ આવીશ? તો મેં એમ કહ્યું હતું કે ટ્રીટમેન્ટમાં મારા વાળ જતા રહ્યા છે.'

રૂટિન ચેકઅપમાં કેન્સર હોવાની વાત સામે
મહિમાએ કહ્યું હતું, 'હું દર વર્ષે ઍન્યુઅલ ચેકઅપ કરાવું છું, એમાં સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ વગેરે થતા હોય છે. આ ટેસ્ટમાં બ્રેસ્ટમાં પ્રી-કેન્સર સેલ હોવાની જાણ થઈ હતી. આ સેલ ક્યારેક કેન્સરમાં કન્વર્ટ થાય છે તો ક્યારેક થતા નથી, આથી જ ડૉક્ટરે મને બાયોપ્સી કરાવવાનું કહ્યું હતું. તે નેગેટિવ આવી હતી. જોકે, મેં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ એ તમામ સેલ્સની બાયોપ્સી કરવામાં આવી હતી અને એમાંથી એક નાના સેલમાં કેન્સર હોવાની જાણ થઈ હતી. ડૉક્ટરે જ્યારે કેન્સર હોવાની વાત કહી ત્યારે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ડૉક્ટરે સાંત્વના આપતાં કહ્યું હતું કે આની ટ્રીટમેન્ટ 100% શક્ય છે. મારી બહેન પણ મને કહેવા લાગી, 'તું 70ના દાયકાની મહિલાની જેમ કેમ રડે છે'. કેન્સર શબ્દ જ ભયાનક છે. ડૉક્ટરે કિમોથેરપી માટે બૉડીમાં ગળા નીચે પોર્ટ મૂક્યું હતું.'

પેરેન્ટ્સને કેન્સર હોવાની જાણ કરી નહોતી
તેણે વધુમાં કહ્યું હતું કે તેણે ઘરે પેરેન્ટ્સને કેન્સર હોવાની વાત કહી નહોતી. તેની માતા છેલ્લાં બે વર્ષથી બીમાર હતી. તેણે એમ કહ્યું હતું કે બ્રેસ્ટમાં ગાંઠ છે અને એ 10 દિવસ મળશે નહીં, આ વાત સાંભળીને તેની માતાનું બ્લડપ્રેશર વધઘટ થવા લાગ્યું હતું અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે આ સારવાર દરમિયાન તે સહેજ પણ સ્ટ્રોંગ રહી શકી નહોતી. તે રડતી હતી, પરંતુ તેની બહેન, ભાઈ, પરિવાર તથા ફ્રેન્ડ્સે હિંમત આપી હતી. વીડિયોના અંતે મહિમાએ કહ્યું હતું કે તે હવે એકદમ ઠીક છે.

1997થી કરિયરની શરૂઆત કરી હતી
મહિમાનો જન્મ 13 સપ્ટેમ્બર, 1973માં દાર્જીંલિંગમાં થયો છે. મહિમાએ 1997માં શાહરુખ સાથે ફિલ્મ 'પરદેશ'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે 'દિલ ક્યા કરે', 'પ્યાર કોઈ ખેલ નહીં', 'સરહદ પાર', 'ગુમનામઃ ધ મિસ્ટ્રી' જેવી વિવિધ ફિલ્મમાં જોવા મળી હતી. મહિમા છેલ્લે 2016માં 'ડાર્ક ચોકલેટ'માં જોવા મળી હતી. મહિમાએ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંને 2013માં અલગ થઈ હતાં. તેમને દીકરી એરિયાના છે. દીકરીની કસ્ટડી મહિમા પાસે છે.