જિયા ખાન સુસાઇડ કેસમાં હાઇકોર્ટનો ચુકાદો:માતા રાબિયા ખાનની કેસ રી-ઓપન કરવાની અરજી ફગાવી દીધી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિયા ખાનનું મોત રહસ્યમય બનીને રહી ગયું છે. હાલમાં જ એક્ટ્રેસની માતા રાબિયા ખાનની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. રાબિયા ખાને બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે જિયા ખાન સુસાઇડ કેસ રી-ઓપન કરવામાં આવે અને નવેસરથી તપાસ કરવામાં આવે.

રાબિયાએ સૂરજ પંચોલી પર આક્ષેપો કર્યા
જિયા ખાન 3 જૂન, 2013ના રોજ મુંબઈ સ્થિત ફ્લેટમાં મૃત મળી આવી હતી. જિયા ખાનના મોતને સુસાઇડ હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એક્ટ્રેસની માતાએ સુસાઇડ માનવાની ના પાડી દીધી હતી. રાબિયા ખાને જિયાના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ આ અંગે તપાસ ચાલી હતી. જોકે, હજી સુધી તપાસમાં કોઈ વાત સામે આવી નથી.

કોર્ટે અરજી ફગાવી
રાબિયા ખાને દીકરી જિયાના મોત પાછળ સૂરજ પંચોલી હોવાનું કહીને કેસને રી ઓપન કરવાની અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરી હતી. રાબિયાએ દાવો કર્યો હતો કે તપાસમાં અનેક ભૂલ હતી અને આ જ કારણે તે કેસની નવેસરથી તપાસ ઈચ્છે છે. જોકે, બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં રાબિયાની અરજી ફગાવી દીધી હતી.

કોર્ટને CBI તપાસ પર વિશ્વાસ છે
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે, જજ એ એસ ગડકરી તથા એમ એન જાધવે રાબિયાની અરજીને ફગાવતા કહ્યું હતું કે કોર્ટને CBIની તપાસ પર પૂરો વિશ્વાસ છે. આ સાથે જ CBIના વકીલ સંદેશ પાટિલને કહ્યું હતું કે CBIએ આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરી છે, આ જ કારણે બીજીવાર તપાસ કરવાની જરૂર નથી.

રાબિયાએ બીજીવાર તપાસની માગણી કરી
જિયા ખાન સુસાઇડ કેસ ખાસ્સા સમયથી ચર્ચામાં રહ્યો છે. શરૂઆતની તપાસ દરમિયાન રાબિયા ખાને અપીલ કરી હતી કે કેસની નવેસરથી તપાસ કરવામાં આવે, આથી જ આ કેસની જવાબદારી કોઈ સ્પેશિયલ એજન્સીને આપવામાં આવે. ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનની મદદ લેવામાં આવી હતી. રાબિયાના વકીલ શેખર જગતાપ તથા સારુચિતા ચૌધરીએ કહ્યું હતું કે મુંબઈ પોલીસે પ્રાથમિક તપાસમાં ઘણી ભૂલો કરી હતી અને પછી હાઇકોર્ટમાં અરજી કરી હતી. 2014માં આ કેસ CBIને આપવામાં આવ્યો હતો. રાબિયાના વકીલ પ્રમાણે, CBIએ પણ તપાસ યોગ્ય રીતે કરી નહોતી. આથી જ આ કેસની સ્વતંત્ર રીતે તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...