જયા બચ્ચનને વેસ્ટર્ન કપડાં પસંદ નથી:કહ્યું, 'આપણે એવું માની લીધું છે કે તે મહિલાઓને મેનપાવર આપે છે'

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન હંમેશાં પોતાના વિચારોને ખુલ્લા મને વ્યક્ત કરે છે. ઘણીવાર તેઓ પોતાના વિચારોને કારણે વિવાદમાં પણ આવે છે. જયા બચ્ચન પોતાને નારીવાદી માને છે અને ખોટાને ખોટું કહેવામાં તે ક્યારેય સંકોચ અનુભવતા નથી. હાલમાં જ નવ્યાના પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'ના લેટેસ્ટ એપિસોડ 'વન ક્રાઉન મેની શૂઝ'માં જયાએ પોતાની દીકરી શ્વેતા બચ્ચન ને દોહિત્રી નવ્યા નવેલી નંદારાને સવાલ કર્યો હતો કે શા માટે ભારતીય મહિલાઓ વેસ્ટર્ન કપડાં વધારે પહેરે છે?

પોડકાસ્ટમાં નવ્યા, શ્વેતા તથા જયા એકબીજા સાથે વાત કરતા હોય છે અને આ વાતચીત દરમિયાન જ જયા બચ્ચને બંનેને સવાલ કર્યો હતો, 'હું મને બંનેને એક સવાલ પૂછવા માગું છું કે ભારતીય મહિલાઓ કેમ વેસ્ટર્ન કપડાં વધારે પહેરે છે?' નવ્યાએ તરત જ રિપ્લાય આપતા કહ્યું હતું કે તેને ખ્યાલ નથી.

શ્વેતાએ પોતાના પક્ષ રજૂ કરતા કહ્યું હતું, 'મને લાગે છે કે આંદોલનને કારણે આમ થયું છે. વેસ્ટર્ન કપડાં પહેરવાથી તમે સરળતાથી ફરી શકો છો. આજે ઘણી મહિલાઓ માત્ર ઘરે બેસતી નથી, પરંતુ તેઓ ઘરની બહાર જાય છે, નોકરી કરે છે. સાડી પહેરવાની તુલનાએ પેન્ટ ને ટી-શર્ટ કે શર્ટ પહેરવો સરળ છે.'

જયા બચ્ચને શું કહ્યું?
આ બંનેના જવાબો સાંભળ્યા બાદ જયા બચ્ચને કહ્યું હતું, 'મને એવું લાગે છે કે આપણે સ્વીકારી લીધું છે કે વેસ્ટર્ન કપડાં મહિલાઓને મેન પાવર આપે છે. હું મહિલાને નારી શક્તિમાં જોવાનું વધુ પસંદ કરીશ. હું એમ નથી કહેતી કે 'જાઓ સાડી પહેરો', પરંતુ વેસ્ટર્નમાં પણ મહિલાઓ સારા કપડાં પહેરતી હતી. ખાસ્સા સમય બાદ તેમણે પેન્ટ પહેરવાનું શરૂ કર્યું હતું.'

શ્વેતાએ કહ્યું હતું, 'ઓદ્યોગિક ક્રાંતિ અને યુદ્ધ દરમિયાન તમામ પુરુષો જંગ લડતા હતા અને મહિલાઓએ ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આથી હેવી મશીન સાથે કામ કરવામાં પેન્ટ સહજ રહેતા હતા.'

આ પહેલાં જયા બચ્ચને પીરિયડ્સ અંગે વાત કરી હતી
નવ્યાએ ફર્સ્ટ પીરિયડ્સના અનુભવ અંગે સવાલ કર્યો હતો. નાની જયાએ કહ્યું હતું, 'હા મને યાદ છે. કામ દરમિયાન ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જયા બચ્ચને પીરિયડ્સ દરમિયાન સેટ પર કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે પણ વાત કરી હતી.

જયા બચ્ચને કહ્યું હતું, 'શૂટિંગ દરમિયાન ઘણા જ ભયાનક અનુભવો થતા હતા. જ્યારે આઉટડોર શૂટ હોય ત્યારે અમારી પાસે વેનિટી વેન પણ નહોતી. અમારે ઝાડની પાછળ સેનિટરી પેડ બદલવા પડતા. ટોઇલેટ્સ પણ પૂરતી સંખ્યામાં ના હોવાને કારણે અમારે ખેતર અથવા તો પર્વતની ટોચ પર જવું પડતું. આ પરિસ્થિતિ મુશ્કેલ હોવાની સાથે સાથે શરમજનક પણ હતી.'

જયાએ વધુમાં કહ્યું હતું, 'અમે જ્યારે પીરિયડ્સમાં હોઈએ ત્યારે પ્લાસ્ટિક બેગ સાથે રાખતા. આ પ્લાસ્ટિક બેગમાં સેનિટિરી પેડ ચેન્જ કરીને મૂકી રાખતા. ત્યારબાદ આ થેલી એક બાસ્કેટમાં મૂકતા. ઘરે જતા સમયે તે બાસ્કેટ ઘરે લઈ જતા અને પછી તેનો નિકાલ કરતા. તમે વિચારી પણ ના શકો કે ચાર ચાર સેનિટરી ટોવેલ સાથે તમારે બેસવાનું છે. આ ઘણું જ અસહજ હતું. જ્યારે હું નાની હતી ત્યારે સેનિટરી ટોવેલનો ઉપયોગ કરતી. અત્યારે આ પ્રકારના સેનિટરી ટોવેલ મળતા નથી. આ ટોવેલ ઘણાં જ ખરાબ રહેતા.'

નવ્યાએ ઘણી મહિલા CEOને સાડી ગમે છે તે અંગે વાત કરી હતી, આ અંગે જવાબ આપતા જયા બચ્ચને કહ્યું હતું કે તેઓ સેલ્ફ મેડ અને તેમની સ્કીન અંગે આત્મવિશ્વાસ ધરાવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જયા બચ્ચન આવતા વર્ષે ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં શબાના આઝમી, આલિયા ભટ્ટ તથા રણવીર સિંહ છે. આ ફિલ્મને કરન જોહરે ડિરેક્ટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...