મની લોન્ડરિંગ કેસ:EOWએ જેકલિન ફર્નાન્ડિઝની પૂછપરછ શરૂ કરી, ઠગ સુકેશ સાથેની લિંક અંગેના સવાલોનું લિસ્ટ તૈયાર

નવી દિલ્હી20 દિવસ પહેલા

જેકલિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ સતત વધતી જાય છે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલિન આજે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ પોલીસ સામે હાજર થઈ છે.. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ પૂછપરછ માટે બોલાવી છે. જેકલિન સવારે 11.23 વાગ્યે પૂછપરછ માટે ઓફિસ આવી ગઈ હતી.

સવાલોનું લિસ્ટ તૈયાર
દિલ્હી પોલીસે એક્ટ્રેસ માટે સવાલોનું લાંબું લિસ્ટ તૈયાર કરીને રાખ્યું છે. જેકલિનને 200 કરોડથી વધુની ખંડણી માગનારા માસ્ટમાઇન્ડ સુકેશ કેસમાં પૂછપરછ થઈ રહી છે.

દિલ્હી પોલીસ જેકલિનને સુકેશ સાથેના સંબંધો અંગે સવાલ થશે. આ ઉપરાંત સુકેશે એક્ટ્રેસને મોંઘી ગિફ્ટ્સ આપી છે. એ અંગે સવાલો પણ કરવામાં આવશે. જેકલિનને પૂછવામાં આવશે કે તે કેટલીવાર સુકેશને મળી હતી અને કેટલીવાર ફોન પર વાતચીત કરી હતી.

કોણ સવાલ કરી રહ્યું છે?

  • EOWના જોઇન્ટ કમિશનર છાયા શર્મા
  • સ્પેશિયલ કમિશનર રવીન્દ્ર યાદવ
  • આ ઉપરાંત 5-6 ઓફિસર પણ છે.

પિંકી ઇરાનીની પણ પૂછપરછ થશે
જેકલિન ઉપરાંત પિંકી ઇરાનીને પણ EOWએ સમન્સ પાઠવ્યું છે. પિંકીએ જ જેકલિન તથા સુકેશ વચ્ચેની મુલાકાત કરાવી આપી હતી. સૂત્રોના મતે, જેકલિન તથા પિંકીની સામ-સામે બેસીને પૂછપરછ કરવામાં આવી શકે છે.

દિલ્હી પોલીસ જેકલિનની આવતીકાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ પણ પૂછપરછ કરી શકે છે. આ જ કેસમાં દિલ્હી પોલીસે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની 6 કલાકથી પણ વધુ સમય પૂછપરછ કરી હતી.

એક્ટ્રેસનાં ભાઈ-બહેને પણ પૈસા લીધા
પટિયાલા કોર્ટમાં 17 ઓગસ્ટના રોજ ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જેકલિને સુકેશ પાસેથી 5.71 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. EDએ એમ પણ કહ્યું હતું કે સુકેશ પાસેથી ગિફ્ટ લેવાના કેસમાં જેકલિન પોતાને વિક્ટિમ બતાવી રહી છે, જ્યારે તેને સુકેશના કામની ખબર હતી. EDએ જેકલિનને પણ સહ આરોપી ગણાવી છે. ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલિન જ નહીં, પરંતુ તેનાં ભાઈ-બહેનની ટ્રિપના પણ પૈસા આપ્યા હતા. ED પ્રમાણે, સુકેશે જેકલિનની બહેનને એક લાખ અમેરિકન ડૉલર (અંદાજે રૂ. 79,42,000) તથા ભાઈને 26,740 ઓસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે રૂ. 14,79,267) ગિફ્ટમાં આપ્યા હતા.

26 સપ્ટેમ્બરે જેકલિનને કોર્ટમાં હાજર થવું પડશે
બુધવાર, 31 ઓગસ્ટે દિલ્હીની પટિયાલા કોર્ટે એક્ટ્રેસને સમન્સ પાઠવીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું છે. હાલમાં જ EDએ આ કેસમાં જેકલિનને આરોપી બનાવી હતી.

સુકેશે જેક્લિનને 9-9 લાખ રૂપિયાની બિલાડી આપી
EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું.

સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર આપી હતી.