દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખે હાલમાં જ ગોવામાં આયોજિત 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. અહીંયા આશા પારેખે યુવતીઓ વેસ્ટર્નાઇઝ વધુ પડતી થઈ રહી છે અને ટ્રેડિશનલ આઉટફિટ્સ ઓછા પહેરે છે તે અંગે વાત કરી હતી. આશા પારેખના મતે યુવતીઓ આજકાલ સલવાર કમીઝ, ઘાઘરા-ચોલીને બદલે ગાઉન પહેરે છે. આ વાતથી તેઓ દુઃખી છે. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં જયા બચ્ચને પણ આ જ રીતની વાત કરી હતી.
શું કહ્યું આશા પારેખે?
આશા પારેખે કહ્યું હતું, 'બધું જ બદલાઈ ગયું છે. ફિલ્મ હવે અલગ પ્રકારની બને છે. મને ખ્યાલ નથી, પરંતુ આપણે વધુ પડતા વેસ્ટર્નાઇઝ બની ગયા છે. છોકરીઓ ગાઉન પહેરીને લગ્નમાં આવે છે. અરે ભાઈ, આપણી પાસે ઘાઘરા ચોલી, સાડી તથા સલવાર કમીઝ છે, તે પહેરો ને. તમે એ કેમ પહેરતા નથી?'
વધુમાં તેમણે ઉમેર્યું હતું, 'તેઓ માત્ર સ્ક્રિન પર હિરોઈનને જુએ છે અને તેમની નકલ કરવા માગે છે. સ્ક્રિન પર જે રીતના કપડાં જુએ છે તે રીતના કપડાં તેઓ પહેરે છે. જાડા હોય કે જે પણ, તે પણ આવા જ કપડાં પહેરશે. આ વેસ્ટર્નાઇઝ જોઈને મને દુઃખ થાય છે.'
નવ્યાના પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'ના લેટેસ્ટ એપિસોડ 'વન ક્રાઉન મેની શૂઝ'માં જયાએ પોતાની દીકરી શ્વેતા બચ્ચન ને દોહિત્રી નવ્યા નવેલી નંદાને સવાલ કર્યો હતો કે શા માટે ભારતીય મહિલાઓ વેસ્ટર્ન કપડાં વધારે પહેરે છે? જયા બચ્ચને કહ્યું હતું, 'મને એવું લાગે છે કે આપણે સ્વીકારી લીધું છે કે વેસ્ટર્ન કપડાં મહિલાઓને મેન પાવર આપે છે. હું મહિલાને નારી શક્તિમાં જોવાનું વધુ પસંદ કરીશ. હું એમ નથી કહેતી કે 'જાઓ સાડી પહેરો', પરંતુ વેસ્ટર્નમાં પણ મહિલાઓ સારા કપડાં પહેરતી હતી. ખાસ્સા સમય બાદ તેમણે પેન્ટ પહેરવાનું શરૂ કર્યું હતું.'
આશા પારેખે કહ્યું, ઘણીવાર આખો આખો દિવસ બાથરૂમ ગયા વગર બેસી રહેવું પડતું
આશા પારેખે આ સેશનમાં કહ્યું હતું, 'આજે આપણી પાસે છે, તેવી જ ટેકનિકલ બેસ્ટ સપોર્ટ અમારા સમયમાં હોત તો સારું હોત, જેમ કે મને યાદ છે કે તે સમયે વેનિટી વેનનો કોન્સેપ્ટ જ નહોતો. જ્યારે અમે શૂટિંગ પર જતા તો સ્ટૂડિયોમાં બાથરૂમની પણ સુવિધા રહેતી નહીં. અમે આખો-આખો દિવસ બાથરૂમ ગયા વગર જ બેસી રહ્યા. ભગવાનનો આભાર કે મને કોઈ જાતની કિડનીની બીમારી નથી.' આશા પારેખે એમ પણ કહ્યું હતું, 'ઘણીવાર અમે ઝાડની પાછળ કપડાં બદલતા હતા.'
જયા બચ્ચને પણ થોડાં સમય પહેલાં આ જ વાત કરી હતી. તેમણે દૌહિત્રીના પોડકાસ્ટમાં આ અંગે પોતાનો અનુભવ શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'શૂટિંગ દરમિયાન ઘણા જ ભયાનક અનુભવો થતા હતા. જ્યારે આઉટડોર શૂટ હોય ત્યારે અમારી પાસે વેનિટી વેન પણ નહોતી. અમારે ઝાડની પાછળ સેનિટરી પેડ બદલવા પડતા. ટોઇલેટ્સ પણ પૂરતી સંખ્યામાં ના હોવાને કારણે અમારે ખેતર અથવા તો પર્વતની ટોચ પર જવું પડતું. આ પરિસ્થિતિ મુશ્કેલ હોવાની સાથે સાથે શરમજનક પણ હતી.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.