આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવૉર્ડ:પહેલી જ વાર કોઈ ગુજરાતીને આ સન્માન મળ્યું, 69 વર્ષની કરિયરમાં 95થી વધુ ફિલ્મ કરી

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ એવૉર્ડ છે. આ એવૉર્ડ એક્ટ્રેસને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા પોતાના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. આશા પારેખનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો છે.

2019માં રજનીકાંતને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો
79 વર્ષીય આશા પારેખને 68મા નેશનલ ફિલ્મ એવૉર્ડ દરમિયાન દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. છેલ્લે, 2019માં સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

22 વર્ષ બાદ મહિલાને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ મળ્યો
22 વર્ષ બાદ પહેલી જ વાર દાદાસાહેબ ફાળકે એવૉર્ડ એક મહિલાને આપવામાં આવ્યો છે. વર્ષ 2000માં સિંગર આશા ભોસલેને આ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

53 વર્ષમાં સાત મહિલા દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત
આશા પારેખ પહેલાં આશા ભોસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, રુબી મેયર્સ, દેવિકા રાનીને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1969માં દેવિકા રાની આ સન્માન મેળવારનારાં પ્રથમ હિરોઈન હતાં.

આશા પારેખની ફિલ્મી સફર
2 ઓક્ટોબર, 1942માં જન્મેલાં આશા પારેખ હાલમાં મુંબઈમાં ડાન્સ એકેડમી 'કારા ભવન' ચલાવે છે. આ ઉપરાંત સાંતાક્રૂઝ, મુંબઈમાં 'બીસીજે હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર' પણ ચાલે છે.

10 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું
આશાએ 10 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ 'આસમાન'માં ચાઇલ્ડ આર્ટિસ્ટનો રોલ ભજવ્યો હતો. ત્યાર બાદ બિમલ રોયની ફિલ્મ 'બાપ બેટી'માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ ફ્લોપ જતાં તેમણે ફિલ્મમાં કામ ના કરવાનો નિર્ણય કર્યો હતો.

16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કમબેક કરવાનો નિર્ણય લીધો
આશાએ 16 વર્ષની ઉંમરમાં બોલિવૂડમાં કમબેક કરવાનો નિર્ણય લીધો હતો. 'ગુંજ ઊઠી શહનાઇ'માં તેઓ કામ કરવા માગતાં હતાં, પરંતુ ડિરેક્ટરે એમ કહીને ના પાડી કે તે સ્ટાર મટિરિયલ નથી. જોકે બીજા જ દિવસે પ્રોડ્યુસર સુબોધ મુખર્જી અને ડિરેક્ટર નાસિર હુસૈને ફિલ્મ 'દિલ દેકે દેખો' માટે સાઇન કર્યા હતા. આ ફિલ્મમાં શમ્મી કપૂર હતા. ફિલ્મ સુપરડુપર હિટ રહી અને આશા પારેખ રાતોરાત સુપરસ્ટાર બની ગયાં. આ ફિલ્મ બાદ હુસૈને આશાને છ ફિલ્મ માટે સાઇન કર્યા હતા, જેમાં 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'ફિર વહી દિલ લાયા હૂ', 'તીસરી મંજિલ', 'બહારો કે સપનેં', 'પ્યાર કા મૌસમ' તથા 'કારવાં' સામેલ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આશા પારેખે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

લાઇફટાઇમ અચિવમેન્ટ તથા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં
આશા પારેખે 95 જેટલી હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. 1999માં 'સર આંખો પર' તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આશાને 11વાર લાઇફટાઇમ અચિવમેન્ટ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1992માં ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...