આલિયા-રણબીર દીકરીનું નામ શું પાડશે?:રિશી કપૂર સાથે સ્પેશિયલ કનેક્શન હશે, નીતુ સિંહ ભાવુક થયાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી જ કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દાદી નીતુ કપૂરને પૌત્રી સૌથી ક્યૂટેસ્ટ લાગે છે. રણબીરે જ્યારે દીકરીને પહેલી જ વાર હાથમાં લીધી ત્યારે તે પોતાની લાગણી પર કાબૂ ના રાખી શક્યો અને રડી પડ્યો હતો. રણબીરને ભાવુક થતાં જોઈને ભટ્ટ અને કપૂર પરિવારના સભ્યોની પણ આંખો ઊભરાઈ આવી હતી. ચાહકો આલિયા-રણબીરની દીકરીની એક ઝલક અને તેના નામ અંગે જાણવા ઉત્સુક છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે આલિયા તથા રણબીર સ્વ. રિશી કપૂરના નામ સાથે કનેક્શન હોય એ રીતે દીકરીનું નામ પાડવાના છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર તથા આલિયાએ નક્કી કર્યું છે કે તેઓ સ્વર્ગીય રિશી કપૂરને ટ્રિબ્યૂટ આપીને દીકરીનું નામ તેમની સાથે કનેક્શન રહે તે રીતે પાડશે. જ્યારે નીતુ સિંહને આ વાતની જાણ થઈ તો તે ઘણાં જ ઇમોશનલ થઈ ગયા હતા. તેઓ પણ પૌત્રીનું નામ દુનિયાને જણાવવા માટે ઉત્સુક છે.

માતા બન્યાં બાદ પહેલી સો.મીડિયા પોસ્ટ
હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ આલિયાએ સો.મીડિયામાં પહેલી પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં આલિયાના હાથમાં ઓરેન્જ કપ છે અને તેની પર મમ્મા લખેલું છે. આ તસવીરમાં આલિયાએ પોતાનો ચહેરો બ્લર કરી દીધો છે.

દીકરીને મળવા માટે રણબીર-આલિયાના કડક નિયમો
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, આલિયા-રણબીરે દીકરીને મળવા માટે કડક ગાઇડલાઇન બનાવી છે. આ ગાઇડલાઇન તમામે તમામ લોકોએ ફરજિયાત અનુસરવી પડશે. બેબીને હેલ્ધી માહોલ આપવા માટે કપલે નક્કી કર્યું છે કે જે પણ બેબીને મળવા માટે ઘરે આવે તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. રિપોર્ટ નેગેટિવ આવે પછી તેઓ દીકરીને મળી શકશે. વાસ્તવમાં નવજાત બાળકોને બીમારી તથા ઇન્ફેક્શનનું જોખમ સૌથી વધુ હોય છે. આથી જ તેઓ કોઈ જોખમ લેવા માગતા નથી.

ફોન લઈ જવાની પરવાનગી નથી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આલિયા-રણબીર દીકરીનો ચહેરો હાલમાં રિવીલ કરશે નહીં. આથી જ તેમણે નક્કી કર્યું છે કે દીકરીને મળવા આવનાર તમામ મહેમાનો ફોન લઈને આવી શકશે નહીં. આથી હવે રણબીર-આલિયાની દીકરીની તસવીરો લીક થવાની શક્યતા નહિવત છે.

6 નવેમ્બરે દીકરીનો જન્મ થયો
આલિયાએ 6 નવેમ્બરના રોજ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છીએ. પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા તથા રણબીર.'

14 એપ્રિલે લગ્ન કર્યાં ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો. આલિયાએ પ્રેગ્નન્સીમાં સતત કામ કર્યું હતું. પહેલાં તેણે 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે 'ડાર્લિંગ્સ' તથા 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. આલિયાએ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું પણ શૂટિંગ કર્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નીતુ સિંહ ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળ્યાં હતાં. આલિયા તથા રણબીર 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળ્યાં હતાં. આલિયા હવે હોલિવૂડ પ્રોજેક્ટ તથા હિંદી ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. રણબીર કપૂર ફિલ્મ 'એનિમલ' તથા લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે કામ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...