બોલિવૂડ એક્ટર ચંદ્રચૂડ સિંહ ટૂંક સમયમાં રાજકારણ જોઇન કરશે. તે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં બરૌલી વિધાનસભાથી ચૂંટણી લડી શકે છે. તેની વાત રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના જયંત ચૌધરી સાથે ચાલે છે. જોકે, પાર્ટી હજી સુધી આ અંગે કોઈ વાત કરી નથી, પરંતુ પાર્ટી સતત ચંદ્રચૂડના સંપર્કમાં છે.
જયંત ચૌધરી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ અલીગઢમાં વિધાનસભા ચૂંટણી માટે ચંદ્રચૂડનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.
ચંદ્રચૂડના પિતા અલીગઢના ધારાસભ્ય
ચંદ્રચૂડ મૂળ અલીગઢનો છે. તે જમીનદાર પરિવારમાંથી આવે છે. તેની માતા પૂર્વ મહારાજાની દીકરી હતાં તો પિતા કેપ્ટન બલદેવ સિંહ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.1985માં અલીગઢ શહેરની વિધાનસભા ચૂંટણી પરથી જીત મેળવી હતી. તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી ખ્વાજા હલીમને હરાવ્યા હતા. ચંદ્રચૂડના લગ્ન 1999માં અવંતિકા કુમારી સાથે થઈ હતી. અવંતિકાના પિતા ઠાકુર અજય સિંહ હિમાચલ પ્રદેશના જાણીતા બિઝનેસમેન તથા રાજકીય નેતા છે.
1996માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
ચંદ્રચૂડ સિંહે 'તેરે મેરે સપને'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'તેરે મેરે સપને', 'દાગ ધ ફાયર', 'જોશ', 'માચિસ', 'ક્યા કહના', 'આમદની અઠન્ની ખર્ચા રુપૈયા', 'જિલા ગાઝિયાબાદ', 'આ ગયા હીરો'માં જોવા મળ્યો હતો. 'માચિસ'નું ગીત 'ચપ્પા ચપ્પા ચરખા ચલે'થી ચંદ્રચૂડ સિંહ ઘણો જ લોકપ્રિય થયો હતો. વેબ સિરીઝ 'આર્યા'થી ચંદ્રચૂડે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું.
રાષ્ટ્રીય લોકદળ પાર્ટી પાસે અલીગઢની ત્રણ સીટ
સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળને અલીગઢની ત્રણ સીટ મળી છે. રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ સચિવ તથા જિલ્લાના વિધાનસભા ચૂંટણી પ્રભારી નીરજ શર્માએ કહ્યું હતું કે પાર્ટી અલીગઢની ઈગલાસ, ખૈર તથા બરૌલી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર ઊભા રાખશે. તો શહર, કોલ, અતરૌલી તથા છર્રા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બોલિવૂડ એક્ટર ચંદ્રચૂડ સિંહ ચૂંટણી લડી શકે છે, પરંતુ પાર્ટી હાઇકમાને હજી સુધી આ ફાઇનલ કર્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.