ડ્રાઈવિંગની મજા ભારે પડી:લૉકડાઉન હોવા છતાંય ટાઈગર શ્રોફ લેડી લવ દિશા પટની સાથે ડ્રાઈવિંગ પર નીકળ્યો, મુંબઈ પોલીસે અટકાવ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • જીમ સેશન પૂરું કર્યા બાદ ટાઈગર તથા દિશા કાર ડ્રાઈવિંગ પર નીકળ્યાં હતાં

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તથા દિશા પટની મંગળવાર, પહેલી જૂનના રોજ મુંબઈ શહેરમાં લૉકડાઉન હોવા છતાંય બહાર ફરવા નીકળ્યા હતા. આ સમયે પોલીસે તેમને અટકાવ્યા હતા.

જીમ સેશન બાદ ડ્રાઈવિંગ પર નીકળ્યા
ઈ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ટાઈગર શ્રોફ તથા દિશા પટની બાંદ્રામાં કાર ડ્રાઈવિંગ એન્જોય કરતાં હતા તે સમયે બંનેને પોલીસે અટકાવ્યા હતા. સૂત્રોના મતે, બંને મુંબઈના બેન્ડસ્ટેન્ડ આગળ ડ્રાઈવિંગની મજા માણતા હતા. જીમ સેશન પૂરું કર્યા બાદ ટાઈગર તથા દિશા કાર ડ્રાઈવ પર નીકળ્યા હતા.

ટાઈગર બેક સીટમાં તથા દિશા ફ્રન્ટ સીટમાં હતી. પોલીસે આધાર કાર્ડ, લાઇસન્સ તથા અન્ય કાગળિયા ચેક કરીને તેમને જવા દીધા હતા.

દિશા હાલમાં સલમાન સાથે ફિલ્મ 'રાધે'માં જોવા મળી
દિશા પટનીના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો દિશા ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટવોન્ટેડ ભાઈ'માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સલમાન-દિશા ઉપરાંત રણદીપ હુડ્ડા તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં હતાં. દિશાએ આ પહેલાં ફિલ્મ 'ભારત'માં સલમાન સાથે કામ કર્યું હતું.

દિશા પ્રોડ્યસૂર એકતા કપૂરની ફિલ્મ 'કેટીના', 'એક વિલન 2'માં જોવા મળશે. ટાઈગરની વાત કરીએ તો તે 'હીરોપંતી 2', 'ગણપત' તથા 'બાગી 4'માં કામ કરી રહ્યો છે. ટાઈગર છેલ્લે 'બાગી 3'માં જોવા મળ્યો હતો. તે પહેલાં તે રીતિક રોશન સાથે ફિલ્મ 'વૉર'માં જોવા મળ્યો હતો. યશરાજ બેનરની આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

ટાઈગર-દિશાના સંબંધો
ટાઈગર તથા દિશા બંને એકબીજાને સારા મિત્રો જ ગણાવે છે. જોકે, બંને વચ્ચે અફેર હોવાનું માનવામાં આવે છે. બંને આ વર્ષે પણ માલદીવ્સમાં વેકેશન મનાવવા ગયા હતા. ગયા વર્ષે પણ બંને સાથે વેકેશન મનાવવા માલદીવ્સ ગયા હતા. બંને વર્કઆઉટ, ડિનરડેટ પર ઘણીવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં દિશા પટનીની પોસ્ટ પર ટાઈગરની માતા આયેશા શ્રોફ તથા બહેન ક્રિષ્ના શ્રોફ અવાર-નવાર કમેન્ટ્સ કરતાં રહે છે. દિશાને શ્રોફ પરિવાર સાથે ઘણું જ સારું બને છે.

અન્ય સમાચારો પણ છે...