તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ખાસ:બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયી કહે છે- સંઘર્ષ જીવનભર ચાલે છે, હાર ના માનો

મુંબઈ25 દિવસ પહેલાલેખક: શોમા ચૌધરી
  • કૉપી લિંક
  • મને વારંવાર રિજેક્ટ કરાયો, પરંતુ હું મારી જાતને સુધારવા વધુને વધુ મહેનત કરતો હતો, એટલે મને સફળતા મળી: મનોજ વાજપેયી
  • મારી પાસે ક્યારેક ભોજન, કપડાં માટે પૈસા ન હતા, જીવનમાં સંઘર્ષ જરૂરી છે, ત્યારે જ માણસની કદર થાય છે

આપણામાં બહુ બધા લોકો એવા છે, જેમને મરજી મુજબનું કામ કરવા નથી મળતું. અમુક જ લોકો એવા હોય છે, જેમને મનગમતું કામ કરવાના આશીર્વાદ મળ્યા હોય છે. આ સંઘર્ષ જીવનભર ચાલે છે, પરંતુ આપણે હાર ના માનવી જોઈએ. આ શબ્દો છે, વિખ્યાત અભિનેતા મનોજ વાજપેયીના. હાલમાં જ તેમની વેબ સિરીઝ ‘ફેમિલી મેન’નો બીજો ભાગ રિલીઝ થયો છે. આ પ્રસંગે તેમને અસ્વીકૃતિ, પડકારો, આધ્યાત્મિકતા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહારી હોવાના નાતે આવેલી મુશ્કેલીઓ અને પોતાનું સ્થાન બનાવવા કરેલી મહેનત વિશે મીડિયા પ્લેટફોર્મ ‘ઈન્ક્વાયરી’ સાથે ખાસ વાતચીત કરી.

અસ્વીકૃતિ સામે સંઘર્ષ: 20-21 વર્ષનો હતો, જ્યારે હું ગામ છોડીને આવ્યો હતો. બહુ પ્રયાસ કર્યા પણ દરેક વખતે અસ્વીકૃતિ મળતી. ખાસ કરીને મારા જેવી વ્યક્તિ કે જેની પાસે ‘પ્લાન બી’ ના હોય તેના માટે તે અઘરું હતું. દિલ્હી યુનિ.માં હતો ત્યારે ત્રણેય વર્ષે છેલ્લા મહિને જ અભ્યાસ પૂરો કર્યો કારણ કે, મારું બધું જ ધ્યાન નાટકો, અભિનય પર હતું. એનએસડીમાં પ્રવેશ લેવા બહુ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળતા મળી. તમે રિજેક્ટ થાઓ, ત્યારે કશું જ ખબર નથી પડતી, શું કરીશું?, ક્યાં જઈશું? પરંતુ વારંવાર રિજેક્ટ થયા પછી હું જાત પર વધુ મહેનત કરતો. આ પ્રક્રિયા અટકતી નથી અને અટકવી પણ ના જોઈએ.

જીદ કાયમ રાખવી: અનેક નિષ્ફળતાઓ પછી પણ મેં માર્ગ ના બદલ્યો. હું વધુને વધુ થિયેટર કરવા લાગ્યો. અનેકવાર ઘરથી મંડી હાઉસ જવાના પૈસા ન હતા. સાત-આઠ કિ.મી.ની સફરમાં પાત્રો વિશે વિચારતો, સંવાદો યાદ કરતો અને ક્યારેક બાળકોની જેમ જાત સાથે અંગ્રેજીમાં વાત કરતો. ભોજનના પૈસા પણ નહોતા અને કપડાં માટે પણ દોસ્તો પર નિર્ભર રહેવું પડતું. ઠીક છે, આ બધું પણ જરૂરી છે. જ્યારે તમે જાત પર મહેનત કરો છો, ત્યારે તેના પરિણામો મળે જ છે. તમારી કદર થાય છે.

ઈન્ડસ્ટ્રીમાં સ્થાન: હું બહારનો હતો. મારી ઘણી ટીકા થતી, પરંતુ મેં તેને મારી તાકાત બનાવી દીધી. મેં સતત જાત પર કામ કર્યું. જ્યાં સુધી આપણે જાત પ્રત્યે કડક ના થઈએ, ત્યાં સુધી સારા પરિણામો નથી મળતા. મેં મારી ટીકા કરાઈ હોય એ બધા જ રિવ્યૂના કટિંગ સાચવીને રાખ્યા છે. ઈન્ડસ્ટ્રીના લોકો મારા રંગ, દેખાવ પર વ્યંગ કરતા. એ જ બાબતોથી હું સંઘર્ષ કરવા પ્રેરાયો.

નાયક હોવાનો અહેસાસ: આ ભાવના અંદરથી આવે છે. તમે નવમા કે વીસમા માળેથી કૂદવા ઈચ્છો છો, તો તમારા પાસે કૌશલ્ય હોવું જોઈએ, જેથી ઈજા ના થાય. મને એ વાતનો અહેસાસ હતો કે, હું કંઈક કરી શકું છું. એટલે ક્યારેય મેં મારામાં લઘુતાગ્રંથિ સર્જાવા ના દીધી. આવી તૈયારી જ તમને મજબૂત બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...