ડ્રગ્સ કેસ:બોલિવૂડ એક્ટર ફરદીન ખાનના વકીલે કહ્યું, આર્યન ખાનના કેસમાં આ 'ભૂલ' ભારે પડી

મુંબઈ3 મહિનો પહેલા
  • આર્યન ખાન 2 ઓક્ટોબરથી જેલમાં બંધ છે, હાલમાં આર્થર રોડ જેલમાં છે

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હાલમાં આર્થર રોડ જેલમાં છે. 20 ઓક્ટોબરે સેશન્સ કોર્ટ જામીન અંગે ચુકાદો આપશે. આ દરમિયાન ડ્રગ્સ કેસમાં ફરદીન ખાન તથા ભારતી સિંહનો કેસ લડનારા વકીલ અયાઝ ખાને આર્યન ખાનના કેસ અંગે વાત કરી હતી. અયાઝ ખાને કહ્યું હતું કે તેમણે કેવી રીતે ભારતી સિંહ તથા ફરદીન ખાનના કેસ હેન્ડલ કર્યા હતા અને કેવી રીતે તેમના ક્લાયન્ટને જામીન મળી ગયા હતાં. આ સાથે જ અયાઝ ખાને કહ્યું હતું કે આર્યનના કેસમાં ક્યાં મુશ્કેલી અને કયા એક પોઇન્ટ પર મોડું થઈ ગયું.

2001માં કોકેન ખરીદતા ફરદીન ખાન પકડાયો હતો
ઉલ્લેખનીય છે કે ફરદીન ખાન 2001માં ડ્રગ્સ કેસમાં ફસાયો હતો. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ મુંબઈના જુહૂ વિસ્તારમાંથી ફરદીનને કોકેન ખરીદતા પકડ્યો હતો.

ફરદીન ખાન વકીલ અયાઝ સાથે
ફરદીન ખાન વકીલ અયાઝ સાથે

ફરદીનના વકીલે શું કહ્યું?
'ઇ ટાઇમ્સ' સાથેની વાતચીતમાં ફરદીનના વકીલ અયાઝ ખાને કહ્યું હતું, 'જ્યારે મને પહેલી જ વાર ફરદીન ખાન અંગે કહેવામાં આવ્યું તો મેં સૌ પહેલાં ફેક્ટ્સ જોયા હતા. ફરદીન સાથે લીગલ ઇન્ટરવ્યૂ દરમિયાન મને જે વાત ખ્યાલ આવી એ હતી કે ફરિયાદ પક્ષનો આરોપ હતો કે તે એક ગ્રામ કોકેન ખરીદવાનો પ્રયાસ કરતો હતો અને નાસિર શેખ નામના પેડલર પાસે વધુ માત્રામાં કોકેન હતું. ફરદીને એક ગ્રામ કોકેન ખરીદવા માટે બેંકના ATM (ઓટોમેટેડ ટેલર મશીન)માંથી 3500 રૂપિયા કાઢ્યા હતા. જોકે, કાર્ડ મશીનમાં ફસાઈ જતાં પૈસા નીકળી શક્યા નહોતા.'

જામીન માટે આ રીતે તૈયારી કરી હતી
અયાઝે આગળ કહ્યું હતું, 'ATMમાંથી પૈસા ના નીકળ્યા તે જ તેમના માટે મુખ્ય મુદ્દો હતો અને આના પર જ તેમણે કામ કર્યું હતું. ફરદીનના પિતા ફિરોઝ ખાને મને સ્પેશિયલી કહ્યું હતું કે આપણે કોઈ ખોટો બચાવ કરવો નથી. આ જ રીતે અમે તે પોઇન્ટ પર ડિફેન્સમાં આગળ વધ્યા હતા. જોકે, કેસમાં બહુ ઓછી માત્રા હતી, પરંતુ ફરદીનની ભૂમિકા ઉપયોગ લેવાના પ્રયાસમાં હતી અને તે પણ માત્ર એક ગ્રામ અને તે જામીનપાત્ર છે. એક ગ્રામ બહુ ઓછી માત્રા છે. તે દિવસે આટલી માત્રા માટે છ મહિનાની સજા કે પછી 10 હજારનો દંડ અથવા એક દિવસથી લઈ 6 મહિના સુધીની સજા હતી. તે એક નાનો ગુનો હતો. તે સમયે 2 ગ્રામ સુધીની માત્રા થોડી માત્ર માનવામાં આવી હતી.'

ફરદીન તથા અયાઝ
ફરદીન તથા અયાઝ

વધુમાં અયાઝ ખાને કહ્યું હતું, 'અમે કેસની પરિસ્થિતિ જોઈને ડિફેન્સમાં કહ્યું હતું કે ફરદીન એક ગ્રામ કોકેન લેતો હતો અને તે થોડી માત્રા હતી. અમે આવા કેસમાં જામીન ઈચ્છીએ છીએ અને તમે તેને જેલમાં રાખી શકો નહીં. જોકે, ફરિયાદી પક્ષે દલીલ આપી હતી કે ફરદીન લાંબા સમયથી ડ્રગ્સ લે છે, પરંતુ મારો તર્ક હતો કે જો તે લાંબા સમયથી ડ્રગ્સ લે છે તો પણ તે એક ઉપભોક્તા જ છે. તે સમયે ફરદી 2 કે 3 દિવસ NCBની કસ્ટડીમાં રહ્યો હતો.'

અયાઝે આગળ વાત કરતાં કહ્યું હતું, 'ફરિયાદી પક્ષનો આરોપ હતો કે તે તપાસ કરવા માગે છે કે ક્યાંક ષડયંત્ર તો નથી થયું ને, કારણ કે પેડલર નાસિર પાસે અંદાજે 9 ગ્રામ જેટલો પ્રતિબંધિત પદાર્થ મળ્યો હતો. જોકે, જજનો નિષ્કર્ષ એ હતો કે જો નિવેદનમાં લખ્યું છે કે ફરદીન તે પદાર્શનું સેવન કરતો હતો તે ઓછી માત્રામાં કેસ ચલાવવો જોઈએ. અમે ફરદીનને ત્રણ દિવસમાં જામીન પર છોડાવી લીધો હતો. અમે ફરિયાદી પક્ષને કેસમાં આગળ વધવાની તક આપી નહોતી. જ્યારે તેમણે કહ્યું કે નાસિર તથા ફરદીન વાત કરતા હતા તો મારું સ્પષ્ટ સ્ટેન્ડ હતું કે જો તે એક ઉપભોક્તા છે અને પેડલર સાથે વાત કરે છે તો તે માત્ર ઉપયોગ માટે તેની સાથે વાત કરે છે. આ વાતને કારણે અમારા કેસને મદદ મળી હતી.'

આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ અટકાયત કરવામાં આવી હતી
આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ અટકાયત કરવામાં આવી હતી

આર્યનના કેસમાં ક્યાં ભૂલ થઈ?
અયાઝ ખાને આર્યન ખાનના કેસમાં સૌથી મોટો વાંધો શું છે, તે અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'આર્યનના કેસમાં સમસ્યા છે કે NCBએ શરૂઆતમાં આર્યન વિરુદ્ધ ઉપયોગનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આર્યન પર 27, 28 તથા 29 લગાવી છે. કલમ 28 ઉપયોગનો પ્રયાસ, કલમ 29 ષડયંત્ર કરવું તથા કલમ 27 ઉપયોગ માટે છે. જોકે, ચાર્જિસ પ્રમાણે, સજા માત્ર ઉપયોગ માટે આપી શકાય છે. 28 તથા 29 કલમમાં કોઈ કેસ નથી. NCBને ત્યારે તક મળી જ્યારે તેમણે આર્યન ખાનનું વ્હોટ્સએપ તથા અન્ય બાબતોની તપાસ કરી હતી. મને લાગે છે કે આ કેસમાં સાક્ષીઓ પણ છે.'

NCBને તક એટલા માટે પણ મળી, કારણ કે આર્યન કસ્ટડીમાં રહ્યો
અયાઝ ખાને વધુમાં કહ્યું હતું, 'NCBને કેસમાં તપાસ ચાલુ રાખવાની તક એટલા પણ મળી, કારણ કે તે છ દિવસ સુધી કસ્ટડીમાં રહ્યો. NCBને ખાસ્સો સમય મળ્યો અને હવે તો તેઓ કોર્ટમાં કહે છે કે આર્યન વિદેશમાં હતો ત્યારે તે કેટલાંક પેડલર્સ સાથે વાત કરતો હતો. આ વાત એના પર આધાર રાખે છે કે આર્યને પોતાના નિવેદનમાં શું કહ્યું છે અથવા NCBએ તેની પાસે શું બોલાવડાવ્યું છે. આ નિવેદન કોર્ટમાં સ્વીકાર્ય નથી, પરંતુ NCBને તપાસનો અધિકાર મળે છે.'

હર્ષ તથા ભારતી સિંહ
હર્ષ તથા ભારતી સિંહ

અયાઝે કહ્યું હતું કે આર્યન તથા ફરદીનના કેસની તુલના કરતાં એ વાત ધ્યાનમાં આવી કે તેઓ જામીન માટે ઝડપથી આગળ વધ્યા હતા. ફરદીનને પહેલાં દિવસે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે જ તેમણે જામીન અરજી કરી હતી. આર્યનના કેસમાં આમ થયું નહોતું. તેમણે જામીન માટે અરજી કરી અને બીજા દિવસે સુનાવણી થઈ. જ્યારે તેમના કેસમાં NCBને જવાબ દાખલ કર્યો, તેમણે તર્ક આપ્યો અને તેઓ બહાર નીકળી ગયા.

ભારતી સિંહ-હર્ષને NCB કસ્ટડી મળે તેમ નહોતો ઈચ્છતો
અયાઝ ખાને ભારતી સિંહ તથા હર્ષ લિમ્બાચિયાના કેસ અંગે કહ્યું હતું, 'ભારતી સિંહ તથા હર્ષના કેસમાં NCBને ઓફિસ તથા ઘરમાંથી 80 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. આ માત્ર અરબાઝ મર્ચન્ટ પાસેથી મળેલી માત્રા કરતાં ઘણી જ વધારે હતી. મેં આ કેસમાં એમ કર્યું કે NCBને ભારતી-હર્ષની કસ્ટડી ના મળે તે માટેનો પ્રયાસ કર્યો હતો. તેમને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મેં તરત જ જેલ કસ્ટડી માટે અરજી કરી હતી. NCB કસ્ટડી ઈચ્છતી હતી, પરંતુ તેઓ ભારતી નહીં, પરંતુ હર્ષની કસ્ટડી પર ભાર આપતા હતા. તેઓ હર્ષની પૂછપરછ કરીને તપાસ કરવા માગતા હતા. આથી જ મારો પહેલાં દિવસથી જ એ પ્રયાસ હતો કે તેમને જેલની કસ્ટડી મળે. જ્યૂડિશિયલ કસ્ટડી મળે એટલે તમને બીજા જ દિવસે જામીન મળી જાય. હવે આ કેસ પેન્ડિંગ છે.'