તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેજેડી કિંગનું નિધન:કેવી રીતે સાયરાબાનોના પ્રેમમાં પડ્યા હતા દિલીપ કુમાર, તેમના જ શબ્દોમાં જાણો

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત જુલાઈના રોજ યુસુફ ખાન ઉર્ફે દિલીપ કુમાર જન્નતનશીન થયા
  • મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

બેમિસાલ બોલિવૂડ એક્ટર અને ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા બનેલા દિલીપ કુમારના અંગત જીવન સાથે સંકળાયેલી અનેક વાતો મીડિયામાં આવી ચૂકી છે, પરંતુ 2014માં ઉદય તારા લિખિત ઓટોબાયોગ્રાફી 'સબસ્ટેન્સ એન્ડ શેડો' પ્રકાશિત થઈ હતી. જીવનના તમામ રંગો જોઈ ચૂકેલા દિલીપ સાહેબે આ જીવનીમાં અનેક રસપ્રદ વાતો કહી છે.

ઓટોબાયોગ્રાફીની શરૂઆત આ શેરથી કરે છે...

મુજે તો હોશ નહીં, આપ હી મશવિરા દીજીએ, કહાં સે છેડું ફસાના કહાં તમામ કરું

આ પેકેજમાં અમે દિલીપ કુમારે લેખિકા (ઉદયતારા નાયર)ને કહેલા મધુબાલાથી લઈ સાયરા અને એક્ટિંગ શરૂઆતથી લઈ અત્યારસુધીના 10 કિસ્સા અંગે જણાવી રહ્યા છીએ.

1. જ્યારે પડ્યો સાયરાના પ્રેમમાં: એ 1966ના 23 ઓગસ્ટની સાંજ હતી. સાયરા પોતાના નવા ઘરના બગીચામાં ઊભી હતી. હું જેવો કારમાંથી ઉતર્યો કે મારી નજર તેના પર સ્થિર થઈ ગઈ. હું ચકિત થઇ ગયો. અત્યારસુધી હું તેને(સાયરા) એક છોકરી માનતો હતો, આથી તેની સાથે ફિલ્મ્સ કરવાથી પણ બચતો હતો, પરંતુ અહીં તો એક ખૂબસૂરત સ્રી ઊભી હતી. તે ખરેખર મારી ધારણા કરતાં પણ વધુ સુંદર લાગતી હતી.

2. પહેલી ફિલ્મ: મારી પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા' હતી. જ્યારે હું આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે હોલમાં પહોંચ્યો ત્યારે મેં પોતાને પડદા પર જોયો. આ સમયે મેં મારી જાતને એક સવાલ કર્યો કે શું ભવિષ્યમાં પણ કામ મળતું રહ્યું તો શું હું આવી જ એક્ટિંગ કરીશ?.જવાબ હતો ના. મને અહેસાસ થયો કે અભિનય કરવો એ સહેલું કામ નથી. જો મારે આ કરિયરને આગળ ચાલુ રાખવું હોય તો પોતાની સ્ટાઈલ બનાવવી પડશે અને પ્રશ્ન ઉપસ્થિત થયો કેવી રીતે?

3. મધુબાલા સાથે પ્રેમ: શું મને મધુબાલા સાથે પ્રેમ હતો, જેમ કે એ સમયના ન્યૂઝપેપર્સ અને મેગેઝિનમાં વારંવાર સમાચાર આવતા. હા, હું તેના તરફ આકર્ષિત હતો. તે નિઃસંદેહ ખૂબ સારી એક્ટ્રેસ હતી. તેનામાં એક મહિલા તરીકે પણ એવી ઘણી ખૂબીઓ હતી, જે ત્યારના સમયમાં મારી પસંદની નજીક હતી. તેના વ્યક્તિત્વમાં એક અદભુત પેશન હતું. તેને કારણે જ હું મારા શરમાળ સ્વભાવમાંથી બહાર આવ્યો હતો.

4. જ્યારે મધુબાલાથી થયો અલગ: જ્યારે અમે 'મુઘલ-એ-આઝમ' માટે પડદા પર અમર પ્રેમ નિભાવી રહ્યા હતા, ત્યારે રિયલ લાઈફમાં અમારા સંબંધો પૂરા થયા હતા. ફિલ્મ અડધી જ બની હતી અને સ્થિતિ તો એવી હતી કે અમે એકબીજા સાથે વાત પણ કરતા નહોતાં. 'મુઘલ-એ-આઝમ'ના એક લવસીનની શ્રેષ્ઠ લવસીનમાં ગણના થાય છે. જ્યારે સલીમના ખોળામાં અનારકલી માથું રાખી સૂતી છે. બેકગ્રાઉન્ડમાં ઉસ્તાદ તાનસેનનો આલાપ ચાલી રહ્યો છે અને સલીમ અનારકલીના ચહેરા પર પીછું ફેરવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અમે એ સમયે વાત કરવી તો દૂરની વાત છે, પણ સૌજન્ય ખાતર દુઆ-સલામ પણ કરતાં નહોતાં.

5. શા માટે નકારી 'મધર ઇન્ડિયા': હું 'મધર ઇન્ડિયા' પહેલાં બે ફિલ્મ્સમાં નરગિસનો હીરો રહી ચૂક્યો હતો, આથી તેના દીકરાનો રોલ કરવાનો પ્રસ્તાવ જામ્યો નહીં. જ્યારે મહેબૂબ ખાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી ત્યારે હું અભિભૂત થઇ ગયો હતો. મને લાગ્યું કે આ ફિલ્મ કોઈપણ કિંમત પર બનવી જોઇએ. ત્યાર બાદ તેમણે મને નરગિસના દીકરાનો રોલ ઓફર કર્યો. મેં તેમને સમજાવ્યા કે 'મેલા' અને 'બાબુલ' ફિલ્મમાં નરગિસ સાથે રોમાન્સ કર્યા બાદ આ યોગ્ય નથી.

6. અમારી પંજાબી અને તેમની બંગાળી: મને 'મધુમતિ' ફિલ્મના આઉટડોર શૂટિંગનો એક કિસ્સો યાદ આવી રહ્યો છે. એ સમયે હું, પ્રાણ, જોની વોકર, ડિરેક્ટર બિમલ રોય અને તેમના આસિસ્ટન્ટ ઋષિકેશ મુખર્જી હાજર હતા. કોઇપણ દિવસે પેક-અપ પછી જ અસલ મજા(મસ્તી) ચાલુ થતી. હું અને પ્રાણ પંજાબીમાં વાત કરવા લાગતા ત્યારે બિમલ રોય અને ઋષિદા બંગાળીમાં વાતો કરવા લાગતા હતા. વચ્ચે વચ્ચે કિસ્સા અને શાયરીનો પણ દોર ચાલતો હતો. તો બીજી તરફ રસોઇયો અમારા માટે ઉમદા પકવાન બનાવવામાં મશગૂલ રહેતો. હું પ્રાણ સાહેબને દાદ આપવા માગીશ. શૂટિંગ બાદની આ યારી કામ વખતે જોવા મળતી નહીં. ફિલ્મમાં તેઓ ઉગ્ર નારાયણનો રોલ ભજવતા હતા, જે ગ્રે શેડનો હતો.

7. હું શા માટે રિહર્સલ કરતો: દેવિકા રાનીએ જ્યારે મારા સહિત અન્ય એક્ટર્સને બોમ્બે ટોકીઝમાં નોકરી આપી ત્યારે સમજાવ્યું કે રિહર્સલ કરવું કેટલું જરૂરી છે. તેમના માનવા પ્રમાણે, ઓછામાં ઓછા લેવલના પર્ફેક્શન મેળવવા માટે પણ રિહર્સલ બેહદ જરૂરી છે. તેમની આ શિખામણ શરૂઆતનાં વર્ષો સુધી જ નહીં, પરંતુ ઘણા સમય સાથે રહી. ત્યાર બાદ હું માનસિક તૈયારીઓ સાથે જ શોટ આપવા માટે જતો હતો. હું સામાન્ય સીન પણ રિહર્સલ અને વારંવાર ટેક લીધા બાદ કરવા માટે કુખ્યાત હતો.

8. બહેને આપ્યો મારા વાળંદને ઠપકો: મને મારા વાળથી મુશ્કેલી પડતી હતી. એની હંમેશાં એક જ ફરિયાદ રહેતી કે આ (વાળ) ખરેખર કંઇક વધારે જ ઝડપથી વધે છે, આથી દર 15 દિવસે વાળ કપાવવા પડતા હતા. તેઓ વારંવાર વાળને ઓળતો પણ વાળ પોતાની જગ્યાએ રહેતા નહોતા. એક કિસ્સો યાદ આવી રહ્યો છે. એકવાર વાળંદ વાળ કાપવા માટે ઘરે આવ્યો. હું શૂટિંગમાં વ્યસ્ત હતો. મેં તેમને કહ્યું હતું કે જો હું ઘરે ન હોઉં તો મારી રાહ જોજે. જ્યારે હું પાછો આવ્યો ત્યારે જોયું તો કંઈક અલગ જ નજારો હતો. તે સાહેબ મારા ડ્રોઇંગરૂમમાં બેઠા હતા. આ વાત મારી મોટી બહેનને ગમી નહીં અને તે હજામને ઠપકો આપવા લાગી. ત્યાર બાદ તરત જ મેં આ બાબતે મારા હજામની માફી માગી. ત્યાર બાદ મારી મોટી બહેન સાથે આ બાબતને લઈ બોલાચાલી પણ થઈ.

9. સિતાર વગાડતા ક્યારે શીખ્યો: 1960માં મારી 'કોહિનૂર' ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મારા માટે ખાસ હતી, કારણ કે મેં એક્ટિંગ સિવાય પણ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી. હું સિતાર શીખવા માટે કલાકો સુધી અભ્યાસ કરતો હતો. આ દરમિયાન મારી મીના કુમારી સાથેની મિત્રતા મજબૂત થઈ. અમે બન્ને સ્ક્રીન પર ઇમોશનલ ડ્રામા માટે પ્રખ્યાત હતાં, પરંતુ આ ફિલ્મમાં અમે બન્ને કોમેડી કરી રહ્યાં હતાં.

10. અમિતાભ દિલીપ સાહેબનો ક્યો સીન જોતા: થોડા સમય પહેલા હું અને અમિતાભ વાતચીત કરતા હતા, ત્યારે તેમણે મને આ કિસ્સો સંભળાવ્યો હતો. જ્યારે તે (અમિતાભ) અલાહાબાદમાં ભણતા હતા ત્યારે મારી ફિલ્મ 'ગંગા જમુના' વારંવાર જોતા હતા. આ વાત તેને સ્પર્શી ગઈ કે એક પઠાણ યુપીના એક યુવાનનો રોલ કેટલી સહજતાથી નિભાવી રહ્યો છે. ત્યાંની બોલી કેટલી વિશ્વસનીયતાથી બોલી રહ્યો છે.