આશુતોષ રાણા 53 વર્ષનો થયો:પહેલી મુલાકાતમાં આશુતોષે રેણુકા શહાણેને લિફ્ટની ઓફર કરી હતી, કવિતા સંભળાવીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

10 નવેમ્બરના રોજ બોલિવૂડ એક્ટર આશુતોષ રાણાનો 53મો જન્મદિવસ છે. આશુતોષની પત્ની રેણુકા શહાણેએ પતિને સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવી છે. આશુતોષની તસવીરોનું કોલાજ શૅર કરીને કહ્યું હતું, તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ. હેપ્પી બર્થડે રાણાજી.

આશુતોષ-રેણુકાની લવ સ્ટોરી ફિલ્મી છે
આશુતોષે 'ધ કપિલ શર્મા શો'માં રેણુકા શહાણે સાથેની પહેલી મુલાકાત અંગે વાત કરી હતી. આશુતોષે કહ્યું હતું, 'હંસલ મહેતાની ફિલ્મ 'જયતે'નો પ્રિવ્યૂ શો સુમિત થિયેટરમાં હતો. હું રાજેશ્વરી સચદેવ તથા તેજસ્વિની કોલ્હાપુરેને સાથે લઈને ગયો હતો. ત્યાં ગયો તો ખબર પડી કે રાજેશ્વરી તથા રેણુકાજી ઘણાં જ સારા મિત્રો હતા અને હું રેણુકાજીનો ફૅન હતો. તે સમયે ટીવી સિરિયલ 'સૈલાબ' આવતી હતી અને તેમની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' પણ આવી ગઈ હતી. તો મને તેમના કામ અંગે ખબર હતી અને હું તેમનાથી પ્રભાવિત હતો. જ્યારે તેમની સાથે મુલાકાત થઈ તો અમે અડધો કલાક વાત કરી હતી. અમારા વિચારો મળતા હતા.'

પહેલી જ મુલાકાતમાં આશુતોષે લિફ્ટની ઓફર કરી હતી
'જ્યારે અમે બહાર નીકળ્યા ત્યારે રાત થઈ ગઈ હતી અને તે દિવસે રવિવાર હતો. મેં તેમને પૂછ્યું કે તમે ક્યા રહો છો? તો તેમણે જવાબ આપ્યો હતો કે તે દાદરમાં રહે છે. તો મેં પાછો સવાલ કર્યો કે તમે કેવી રીતે જશો? તમારી પાસે કાર તો છે નહીં? તો તેમણે કહ્યું કે આજે રવિવાર છે અને અમે આ દિવસે સ્ટાફને રજા આપીએ છીએ. મને ગાડી ચલાવતા આવડતી નથી. તો મેં તરત જ કહ્યું કે હું તમને મૂકી જઉં?'

'તો તેમણે મને એવું પૂછ્યું કે તમે ક્યા રહો છો? તો મેં જવાબ આપ્યો હતો કે હું તો ચેમ્બુરમાં રહું છું. તો તેમણે કહ્યું કે હું તો મુંબઈમાં જ મોટી થઈ છું અને અહીંયા જ મારો જન્મ થયો છે. મેં આજ સુધી એવો કોઈ રસ્તો નથી જોયો કે જે જુહૂથી દાદર થઈને ચેમ્બુર જતો હોય. પછી તેમણે કહ્યું હતું કે તમે હેરાન ના થાવ. આ મારી આદત છે. હું જતી રહીશ. આ સાંભળીને હાજર રહેલા તમામ લોકો હસી પડ્યા હતા.'

દશેરાની શુભેચ્છા આપવા માટે ફોન કર્યો હતો
વધુમાં આશુતોષે કહ્યું હતું કે ડિરેક્ટર રવિ રાય તે સમયે તેમને લઈને એક શો કરવા માગતા હતા. આથી જ આશુતોષે આ તકનો ફાયદો ઉઠાવીને રવિ રાય પાસેથી રેણુકાનો નંબર લીધો હતો. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે રાતના 10 વાગ્યા પછી રેણુકા કોઈના ફોનનો જવાબ આપતી નથી અને કોઈ અજાણ્યો નંબર રીસિવ કરતી નથી. તમારે આન્સરિંગ મશીન પર મેસેજ તથા અન્ય માહિતી આપવાની હોય છે.

આ વાતોનું ધ્યાન રાખીને આશુતોષે આન્સરિંગ મશીન પર એક મેસેજ મૂક્યો હતો અને તેમાં રેણુકાને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. જોકે, આશુતોષે જાણી જોઈને પોતાનો નંબર આપ્યો નહોતો, કારણ કે તે એમ વિચારતો હતો કે જો રેણુકાએ તેની સાથે વાત કરવી હશે તો તે જાતે જ પ્રયાસ કરીને નંબર લેશે.

આશુતોષને તેની બહેને કહ્યું હતું કે રેણુકાનો ફોન આવ્યો હતો અને દશેરાની શુભેચ્છા માટે આભાર માન્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મેસેજ થતા રહેતા હતા. પછી રેણુકાએ આશુતોષને પોતાનો અંગત નંબર આપ્યો હતો.

આશુતોષે કહ્યું હતું, 'મેં તે જ દિવસે રાત્રે 10.30 વાગે તેમને ફોન કરીને કહ્યું હતું, થેંક્યૂ રેણુકાજી, તમે તમારો નંબર આપ્યો.' આ રીતે અમે ત્રણ મહિના ફોન અ ફ્રેન્ડ રમતા રહ્યા હતા.'

રેણુકા માટે કવિતા લખી હતી
આશુતોષને કવિતા ઘણી જ પસંદ હતી અને રેણુકાને ગદ્ય પસંદ હતા. આશુતોષે એ વિચારીને રેણુકા માટે કવિતા લખી હતી કે જો રેણુકાને તેનામાં રસ હશે તો જવાબ આપશે અને ના આપ્યો તો તેમાં રિજેક્શનનો તો કોઈ સવાલ જ નથી.

તે સમયે આશુતોષ હૈદરાબાદમાં શૂટિંગ કરતો હતો અને રેણુકા ગોવામાં હતી. જ્યારે તેણે રેણુકાને કવિતા સંભળાવી તો રેણુકાએ કહ્યું હતું કે તે તેને પ્રેમ કરે છે. આ જવાબ સાંભળીને આશુતોષે કહ્યું હતું, 'તમે પાછા આવો પછી આપણે આ વિષય પર વાત કરીશું.' પછી તો બધાને ખ્યાલ છે કે બંનેએ લગ્ન કર્યા હતા. આશુતોષ તથા રેણુકાને બે દીકરાઓ શૌર્યમન તથા સત્યેન્દ્ર છે.

અન્ય સમાચારો પણ છે...