લોકાયુક્તે BMCને ખખડાવ્યું:અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલાની દીવાલ તોડવામાં મોડું થતાં કહ્યું- વાહિયાત બહાના આપવાનું બંધ કરો

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત પ્રતીક્ષા બંગલાની દીવાલ પાડવામાં BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ મોડું કરતાં લોકાયુક્ત ગુસ્સે થયું છે. મહારાષ્ટ્ર લોકાયુક્ત જસ્ટિસ વીએમ કનાડેએ કહ્યું હતું કે આ કેસમાં મોડું થવા અંગે BMCએ ઘણાં જ વાહિયાત નિવેદનો આપ્યો છે. વાસ્તવમાં પ્રતીક્ષાની દીવાલ રસ્તો પહોળા કરવામાં અડચણરૂપ છે. આથી જ દીવાલને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ કેસમાં ફરિયાદકર્તા ટ્યૂલિપ મિરાન્ડાએ કહ્યું હતું કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દબાણ કરે છે તો BMC તરત જ તોડી પાડે છે, પરંતુ અમિતાભ બચ્ચનના બંગલા પર કાર્યવાહીમાં BMCને કોઈ રસ નથી.

BMCનું સ્પષ્ટીકરણ કે વાહિયાત બહાનાઓ

  • અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષા સાથે જોડાયેલો સંત જ્ઞાનેશ્વર રોડને પહોળો કરવાની કાર્યવાહી 2017થી થઈ રહી છે, પરંતુ હજી સુધી પૂરી થઈ નથી. ફરિયાદ અંગે લોકાયુક્તે કહ્યું હતું કે અમિતાભના બંગલાની દીવાલ પર કાર્યવાહી ના કરવા અંગે BMCએ જે પણ કારણો આપ્યા તે વાજબી નથી. BMCએ કહ્યું હતું કે જ્યારે રસ્તો પહોળો કરવાનો હશે ત્યારે આ કાર્યવાહી કરવામાં આવશે.
  • BMC જાણી જોઈને આ કેસમાં બેદરકારી દાખવી રહી છે. 30 મે બાદ વરસાદને કારણે આ કામ પૂરું થઈ શક્યું નહીં અને આ વાત તમામને ખબર છે. જોકે, આગામી એક વર્ષ સુધી આ કામને અટકાવી રાખવામાં આવ્યું અને તે સંપૂર્ણ રીતે ખોટું છે.
  • અધિકારીઓ તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે બચ્ચન પાસેથી હજી સુધી જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું નથી. જોકે, પ્રતીક્ષા બંગલાની આસપાસના અન્ય બંગલામાં કાર્યવાહી થઈ ગઈ છે. BMCએ એમ પણ કહ્યું કે રસ્તો પહોળો કરવા માટે જ્યારે કોન્ટ્રાક્ટર લેવામાં આવશે ત્યારે અમિતાભ બચ્ચન પાસેથી જમીન પરત લેવામાં આવશે. આથી જ પ્રતીક્ષા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું નથી. ​​​​​​નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલાની દીવાલને એકદમ અડીને રસ્તો છે. આ રસ્તો પહોળો કરવા માટે દીવાલ તોડવી પડશે. દીવાલ તોડીને 40 ફૂટના રસ્તાને 60 ફૂટનો કરવામાં આવશે.