એક્ટ્રેસનું સીમંત:બિપાશા બાસુનો ગુલાબી બનારસી સાડીમાં પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો, માતાએ દીકરીની નજર ઉતારી

મુંબઈ17 દિવસ પહેલા

થોડા સમય પહેલાં જ એક્ટ્રેસ બિપાશા બાસુએ પોતાની પ્રેગ્નન્સી અંગે વાત કરી હતી. તેણે ત્યાર બાદ સો.મીડિયામાં બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી ઘણી તસવીરો શૅર કરી હતી. હાલમાં જ બિપાશા બાસુનું સીમંત યોજવામાં આવ્યું હતું. બિપાશાએ સો.મીડિયામાં સીમંતની તસવીરો શૅર કરી હતી. આઠ સપ્ટેમ્બરના રોજ બિપાશાના ઘરે જ ફંક્શન યોજવામાં આવ્યું હતું. સીમંત બંગાળી રીતરિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું.

ગુલાબી સાડીમાં બિપાશા
સીમંતમાં બિપાશા બાસુ ઘણી જ સુંદર ને એલિગન્ટ લાગતી હતી. બિપાશાએ ગુલાબી રંગની બનારસી સાડી પહેરી હતી. આ સાથે જ તેણે સોનાનાં ઘરેણાં પહેર્યાં હતાં. સો.મીડિયામાં બિપાશાની આ તસવીરો ઘણી જ વાઇરલ થઈ છે અને ચાહકોને એક્ટ્રેસનો લુક ઘણો જ પસંદ આવ્યો છે. તસવીરોમાં બિપાશાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોઈ શકાય છે.

બિપાશાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
બિપાશાએ સો.મીડિયામાં માતા સાથેની તસવીરો શૅર કરી છે. તસવીરો શૅર કરીને એક્ટ્રેસે કહ્યું હતું, 'હું તમારા જેવી માતા બનવા માગું છું. લવ યુ મા.' અન્ય એક વીડિયોમાં વિધિ દરમિયાન બિપાશાની માતા નજર ઉતારે છે.

યુઝર્સે વખાણ કર્યા
બિપાશા બાસુની તસવીરો વાઇરલ થતાં યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે તમે ઘણાં જ સુંદર છો. તો બીજાએ કહ્યું હતું કે તમે દુનિયાની તમામ ખુશીઓ ડિઝર્વ કરો છો. સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ્સ બોક્સમાં રેડ ઇમોજી પોસ્ટ કરી હતી.

2015માં સાથે કામ કર્યું હતું
બિપાશા તથા કરને 2015માં હોરર ફિલ્મ 'અલોન'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના અફેરની શરૂઆત થઈ હતી. આ સમયે કરન પરિણીત હતો.

2016માં લગ્ન
કરને બીજી પત્ની જેનિફર વિન્ગટેને ડિવોર્સ આપીને બિપાશા સાથે એપ્રિલ, 2016માં લગ્ન કર્યા હતા. કરને 2008માં પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ સાથે કર્યા હતા. આ લગ્ન માંડ 10 મહિના ટક્યા હતા. ત્યાર બાદ તેણે 2012માં ટીવી એક્ટ્રેસ જેનિફર સાથે લગ્ન કર્યા હતા. જેનિફરને 2014માં ડિવોર્સ આપ્યા હતા.

વર્કફ્રન્ટ
કરન સિંહ ગ્રોવરના કામની વાત કરીએ તો તેણે 2004માં ટીવી સિરિયલ 'કિતની મસ્ત હૈ જિંદગી'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે વિવિધ સિરિયલમાં જોવા મળ્યો હતો. 2015માં તેણે ફિલ્મ 'અલોન'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 'હેટ સ્ટોરી 3'માં જોવા મળ્યો હતો. કરન છેલ્લે 2020માં વેબ સિરીઝ 'કુબૂલ હૈ 2.0'માં જોવા મળ્યો હતો. બિપાશા બાસુ છેલ્લે 2015માં ફિલ્મ 'અલોન'માં જોવા મળી હતી. ત્યાર બાદ તે એકપણ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. 2020માં વેબ સિરીઝ 'ડેન્જરસ'થી તેણે ડિજિટલ ડેબ્યુ કર્યું હતું.