CBIએ બિહાર પોલીસની રિક્વેસ્ટ ઉપર ગુરુવારે 6 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને કેસની તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે. CBIએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે કેસ નોંધ્યો છે. તેમા રિયાના પિતા ઈન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, સાથી સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી સામેલ છે.
CBIએ આ કેસ SITને હેન્ડઓવર કરી દીધો છે. આ તે SIT છે, જેણે વિજય માલ્યા અને વીઆઈપી ચોપર કૌભાંડની તપાસ કરી હતી. તપાસ CBIના જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશિધર અને ડીઆઈજી ગગનદીપ ગંભીરની દેખરેખ હેઠળ થશે. બન્ને ગુજરાત કેડરના આઈપીએસ છે. ઈન્વેસ્ટિગેશન ટીમની આગેવાની એસપી નૂપુર પ્રસાદ કરશે.
પટના પોલીસની ટીમ મુંબઈથી પરત ફરી
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની તપાસ કરવા માટે મુંબઈ આવેલી બિહાર પોલીસની ચાર અધિકારીઓની ટીમ બુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ પટના પરત ફરી હતી. એરપોર્ટ પર ટીમે કહ્યું હતું કે ત્યાં કામ કરવું બહુ જ મુશ્કેલ હતું. સીનિયર અધિકારીઓનો સપોર્ટ મળ્યો અને તેને કારણે કામ કરવું શક્ય બન્યું. તેમની તપાસમાં તે વિગતો સામે આવી છે તે CBI તપાસ માટે મહત્ત્વની સાબિત થશે.
મુંબઈ ગયેલી ટીમમાં પોલીસ અધિકારી કેસર, મનોરંજન ભારતી, નિશાંત તથા દુર્ગેશ સામેલ હતા. તેમણે કહ્યું હતું કે આ કેસ હવે CBIની પાસે છે અને તેથી જ તેઓ હાલ તપાસ અંગે કોઈ વાત કરી શકે તેમ નથી. તેમણે ક્ષમતા પ્રમાણે પોલીસ તપાસ કરી હતી. SPને ક્વૉરન્ટીન કર્યા બાદ તેમણે કેવી રીતે પોતાને બચાવ્યા? આ સવાલ પર અધિકારીએ કહ્યું હતું કે પોલીસ ટ્રેનિંગમાં આ બધું શીખવવામાં આવે છે. સીનિયરનો આદેશ મળ્યો અને ત્યારબાદ તેઓ પટના પરત ફર્યાં.
હવે પોલીસ અધિકારી SSP ઉપેન્દ્ર શર્મા તથા IG સંજય સિંહને મળશે. તેઓ મુંબઈમાં કરેલી તપાસનો રિપોર્ટ આપશે. ત્યારબાદ SSP તથા IG પોલીસ કાર્યાલય જઈને DGPને મળશે. પટના પોલીસ મુંબઈમાં કરેલી તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપશે. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસમાં બિહાર સરકારને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ અધિકારી મુંબઈમાં સંતાઈને રહ્યા હતા
પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં સુશાંતના પિતા કેકે સિંહે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પટના પોલીસના ચાર અધિકારી તપાસ માટે મુંબઈ આવ્યા હતા. પછી SP વિનય તિવારીને મોકલવામાં આવ્યા હતા. જોકે, BMCએ તેમને ક્વૉરન્ટીન કરી લીધા હતા. આ ઘટના બાદ પટના પોલીસની ટીમ મુંબઈમાં સંતાઈને કેસની તપાસ કરતી હતી. હવે આ કેસની તપાસ CBI કરશે.
વિનય તિવારીને હાઉસ અરેસ્ટ કરીને રાખ્યાઃ DGP
બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પણ SP વિનય તિવારીને ક્વૉરન્ટીનમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. તેમને હાઉસ અરેસ્ટની જેમ રાખવામાં આવ્યા છે. તેઓ એડવોકેટ જનરલ સાથેની સલાહ બાદ નક્કી કરશે કે આ કેસમાં શું કાર્યવાહી તઈ શકે. આ બાબત તેઓ કોર્ટમાં પણ લઈ જઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.