બોલિવૂડમાં કોરોનાનો કહેર:59 વર્ષીય અનિતા રાજ બે મહિના બાદ ફરીથી પોઝિટિવ, બિગ બીના ઘરનો એક કર્મચારી પણ સંક્રમિત

મુંબઈ12 દિવસ પહેલા
અનિતા રાજ, અમિતાભ બચ્ચનઃ ફાઇલ તસવીર.
  • ટીવી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝનો રિપોર્ટ પોઝિટિવ
  • સોનુ નિગમ, પત્ની મધુરિમા તથા દીકરો નિવાન પોઝિટિવ

અમિતાભ બચ્ચન 79 વર્ષની ઉંમરમાં પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને બ્લોગમાં કોરોના અંગે વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ઘરમાં તેઓ કોવિડ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનના ઘરના સ્ટાફમાંથી એક વ્યક્તિ પોઝિટિવ છે. સિંગર સોનુ નિગમનો પરિવાર, ટીવી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ, બોલિવૂડ-ટીવી એક્ટ્રેસ અનિતા રાજને પણ કોરોના થયો છે. અનિતા રાજને ગયા વર્ષે ઓક્ટોબરમાં જ કોરોના થયો હતો. બે મહિનામાં જ અનિતા રાજનો રિપોર્ટ બીજીવાર પોઝિટિવ આવ્યો છે.

રવિવારે સ્ટાફનો કોરોના ટેસ્ટ થયો હતો
રવિવાર, 2 જાન્યુઆરીના રોજ અમિતાભ બચ્ચનના ઘરે કામ કરતા 31 સ્ટાફ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાંથી એક કર્મચારી પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન, આરાધ્યા, અભિષેક તથા ઐશ્વર્યાને જુલાઈ, 2020માં કોરોના થયો હતો. આ ચારેયને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

બિગ બીની પોસ્ટ.
બિગ બીની પોસ્ટ.

બચ્ચન પરિવાર જલસામાં
અમિતાભ બચ્ચનના પરિવાર સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે એક્ટર તથા તેમનો પૂરો પરિવાર સુરક્ષિત છે. તમામ લોકો જલસામાં જ છે. તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ કર્મચારી સાથે બચ્ચન પરિવારનો કોઈ સીધો સંપર્ક થયો નહોતો.

અનિતા રાજ હોમ આઇસોલેશનમાં
બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ અનિતા રાજને ફરીથી કોરોના થયો છે. હાલમાં અનિતા હોમ આઇસોલેશનમાં છે. અનિતા રાજ ટીવી સિરિયલ 'છોટી સરદારની'માં કુલવંત કૌરનું પાત્ર ભજવે છે. અનિતા રાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિરિયલના તમામ કલાકારો તથા ક્રૂ મેમ્બર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને સેટને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો.

અનિતા રાજ.
અનિતા રાજ.

સિરિયલ સાથે જોડાયેલા એક સભ્યે કહ્યું હતું કે તમામ પ્રોટોકોલ તથા સાવચેતી બાદ પણ એક સભ્યને કોરોના થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ ઓક્ટોબર મહિનામાં અનિતા રાજને કોરોના થયો હતો. તે સમયે પણ અનિતા હોમ આઇસોલેશનમાં રહી હતી. 59 વર્ષની ઉંમરમાં પણ અનિતા રાજ જિમમાં નિયમિત વર્કઆઉટ કરે છે.

સોનુ નિગમને પણ કોરોના
સિંગર સોનુ નિગમ હાલમાં દુબઈમાં છે. સોનુ નિગમ, પત્ની મધુરિમા તથા દીકરો નિવાન પોઝિટિવ છે. આ ત્રણેય દુબઈમાં હોમ આઇસોલેશનમાં છે.

એરિકા ફર્નાન્ડિઝને પણ કોરોના
ટીવી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ તથા તેની માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એરિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમારું ધ્યાન દોરવા માગું છું કે જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે જ ખ્યાલ હતો કે આપણે તેના સંપર્કમાં વહેલા કે મોડા આવીશું જ. કમનસીબે મારો તથા મારી મમ્મીનો રિપોર્ટ પોઝિટિવ છે. એક સલાહ પણ આપીશ કે હોમ ટેસ્ટ કિટ પર ક્યારેય વિશ્વાસ ના કરો. 2 જાન્યુઆરીના રોજ મને કફ તથા ગળામાં ખારાશ જેવું લાગતું હતું. મેં ઘરે જ હોમ કિટની મદદથી ટેસ્ટ કર્યો હતો. મને ગળામાં સોજો રહેતો હતો અને તેથી જ મને કફ થયો હશે એમ મને લાગ્યું હતું. જોકે, ફરીવાર ટેસ્ટ કર્યો. ત્રણેયવાર રિપોર્ટ નેગેટિવ આવ્યો. મારી મમ્મીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો, પરંતુ મને ગળામાં ઠીક નહોતું અને તેથી જ મેં લેબ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. લેબ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. મને તથા મમ્મીને માથામાં દુખાવો, શરદી, બૉડી પેઇન, માથામાં દુખાવો તથા ધ્રુજારી સાથે ચઢઉતરનો તાવ આવે છે. અમે આઇસોલેટ છીએ અને દવા લઈ રહ્યા છીએ. હું વિનંતી કરું છું કે છેલ્લાં એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવી લે.'

પ્રેમ ચોપરા-ઉમા ચોપરાને રજા આપવામાં આવી
મંગળવાર, 4 જાન્યુઆરીના રોજ 86 વર્ષીય બોલિવૂડ એક્ટર પ્રેમ ચોપરા તથા પત્ની ઉમા ચોપરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બંનેને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. બંનેને મોનોક્લોનલ એન્ટીબૉડી કોકટેલ આપવામાં આવ્યું હતું. બંને કોવિડ પોઝિટિવ હતા.

15 દિવસમાં અનેક સેલેબ્સને ચેપ લાગ્યો
ટીવી એક્ટ્રેસ દૃષ્ટિ ધામી-સુમોના ચક્રવર્તી, જ્હોન અબ્રાહમ-પ્રિયા રુંચાલ, એકતા કપૂર, ટીવી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાની, નકુલ મહેતાની પત્ની જાનકી-દીકરો સૂફીને કોરોના હોવાની વાત સામે આવી હતી. પ્રેમ ચોપરા તથા ઉમા ચોપરાને હાલમાં લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. નકુલ મહેતાનો દીકરો સૂફી પણ હોસ્પિટલમાં એડમિટ હતો.

હાલમાં જ નોરા ફતેહી, શિલ્પા શિરોડકર, રાહુલ રવૈલ, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બૂલાની, મૃણાલ ઠાકુર, ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોષી બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની તથા રણવીર શૌરીનો 10 વર્ષીય દીકરો હારુનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીવી એક્ટર અર્જુન બિજલાણી તથા તેની 70 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ હતાં. આ પહેલાં અલાયા એફ, કરીના કપૂર, સીમા ખાન, મહિપ કપૂર, અમૃતા અરોરા, શનાયા કપૂર, ઉર્મિલા માતોંડકર, તનિષા મુખર્જી, કમલ હાસનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.