અમિતાભના પેટ ડૉગનું અવસાન:સો.મીડિયામાં ભાવુક પોસ્ટ શૅર કરી, ચાહકોએ દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને પ્રાણીઓ પ્રત્યે ઘણો જ લગાવ છે. તેઓ અવાર-નવાર પોતાના પાલતુ પ્રાણીઓના ફોટો શૅર કરતા હોય છે. હાલમાં જ તેમના પાલતુ ડૉગનું મોત થયું હતું. બિગ બીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. અમિતાભ આ વાતથી ઘણાં જ દુઃખી છે.

બિગ બીએ ભાવુક પોસ્ટ શૅર કરી
બિગ બીએ પોતાના પાલતુ ડૉગને યાદ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું, 'અમારો નાનકડો મિત્ર, તે મોટો થાય છે અને પછી એક દિવસ છોડીને જતો રહે છે.' બિગ બીએ એમ પણ કહ્યું હતું કે આઘાતજનક સમાચાર, પરંતુ જ્યારે તે આસપાસ હોય છે તો તે આપણા જીવનની આત્મા હોય છે. જોકે, બિગ બીએ પોતાના ડૉગીનું નામ જાહેર કર્યું નહોતું.

સો.મીડિયા યુઝર્સ પણ ઇમોશનલ થયા
બિગ બીની આ પોસ્ટ જોઈને ચાહકો ઇમોશનલ થયા હતા. એક યુઝરે કમેન્ટ કરી હતી કે પાલતુ જાનવરનો પ્રેમ ઘણો જ કિંમતી હોય છે. અન્ય એકે કહ્યું હતું કે પાલતુ પ્રાણીઓ માલિકોને પવિત્ર પ્રેમ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે બિગ બીએ લેબ્રાડૉર પેટને ખોળામાં લીધો છે. 2013માં બિગ બીના પાલતુ ડૉગ શનૌકનું બીમારીને કારણ મોત થયું હતું.

ચાહકોને મળવા જતા પહેલાં બિગ બી ચંપલ ઉતારે છે
થોડા સમય પહેલાં જ અમિતાભે બ્લોગમાં એક ખાસ વાત કહી હતી. તેમણે બ્લોગમાં સન્ડે મીટની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાંથી એક તસવીરમાં અમિતાભ ચાહકોને મળવા જતાં પહેલાં ચંપલ ઉતારે છે અને પછી ચાહકોને મળે છે. તેમણે ચંપલ કેમ કાઢ્યા, તે વાતનું કારણ આપતા કહ્યું હતું કે ચાહકો પ્રત્યે તેમની આ ભક્તિ છે અને તેથી જ તે આમ કરે છે. ઉલ્લેખનીય છે કે દર રવિવારે અમિતાભ બચ્ચન પોતાના જલસા બંગલાની બહાર ચાહકોને મળતા હોય છે.

ચાહકોની સંખ્યા ઘટી હોવાનું કહ્યું
બિગ બીએ એમ પણ કહ્યું હતું, 'મારા ધ્યાનમાં એ વાત આવી છે કે લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને ઉત્સાહ પણ ઓછો થયો છે. હવે લોકોની ખુશીની ચિચિયારીની જગ્યા મોબાઇલ કેમેરાએ લીધી છે. આ એ વાતનો સંકેત છે કે સમય બદલાઈ ગયો છે અને કંઈ પણ કાયમ રહેતું નથી.'

આ વર્ષે એપ્રિલમાં ફરી વાર સન્ડ મીટ શરૂ થઈ
એપ્રિલ મહિનામાં અમિતાભે એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'લેટેસ્ટ ન્યૂઝ એ છે કે કોરોના અંગે હવે કોઈ પ્રોટોકોલ્સ રહ્યા નથી. આ રાહતના સમાચાર છે. હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પણ રાહત મળી છે. દૂરથી લોકો આવી શકશે અને જઈ શકશે. હવે જલસામાં યોજાનારી સન્ડે મીટ પણ પહેલાંની જેમ શરૂ કરી દેવામાં આવશે. પ્રિકોશન્સ સરકારની ગાઇડલાઇન પ્રમાણે રાખવામાં આવશે અને તેને ફોલો કરવામાં આવશે. હવે ફરી એકવાર જલસામાં યોજાનારી સન્ડે મીટ જોવા માટે ઉત્સુક છું.'

સન્ડે મીટ 37 વર્ષથી ચાલે છે
1982માં 'કુલી'ના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અમિતાભ બચ્ચન અંદાજે બે મહિના હોસ્પિટલમાં રહ્યા હતા અને 2 ઓગસ્ટ, 1982ના રોજ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદથી અમિતાભ બચ્ચન દર રવિવારે મુંબઈમાં હોય ત્યારે જલસામાં ચાહકોને મળતા હોય છે. ઘણીવાર તેમની સાથે દીકરી શ્વેતા, દીકરો અભિષેક, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ હોય છે.

અમિતાભના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે 'કૌન બનેગા કરોડપતિ 14'ને હોસ્ટ કરે છે. આ ઉપરાંત 11 નવેમ્બરના રોજ તેમની ફિલ્મ 'ઊંચાઈ' રિલીઝ થઈ થે આ ફિલ્મમાં ચાર મિત્રોની વાત કરવામાં આવી છે, જેમાં બિગ બી, અનુપમ ખેર, બમન ઈરાની તથા ડેની છે. આ ચારેય માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું નક્કી કરે છે. અમિતાભ 'પ્રોજેક્ટ K', 'બટરફ્લાય', 'ધ ઇન્ટર્ન'માં કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...