બોલિવૂડના બે દિગ્ગજ કલાકારોએ હાલમાં જ દુનિયાને અલવિદા કહ્યું હતું. 18 નવેમ્બરના રોજ એક્ટ્રેસ તબસ્સુમનું અવસાન થયું હતું. આઠ દિવસ પછી એટલે કે 26 નવેમ્બરના રોજ વિક્રમ ગોખલેનું અવસાન થયું હતું. બંનેના અવસાનથી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને તબસ્સુમ તથા વિક્રમ ગોખલેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બંનેના જવાથી બધું સૂનું થઈ ગયું
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં બંને સ્ટાર્સને યાદ કરીને કહ્યું હતું, 'દિવસ દુઃખદાયક છે. મિત્રો તથા સાથીઓ, મહાન કલાકાર રોજે રોજ આપણને છોડીને જઈ રહ્યા છે અને આપણે માત્ર સાંભળીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. તે આપણા જીવનમાં આવ્યા અને તેમણે પોતાની ભૂમિકા ભજવી અને તેમના જવાથી સ્ટેજ સૂનો થઈ ગયો.'
અમિતાભ બચ્ચને વિક્રમ ગોખલેને ઘર લઈ આપ્યું હતું
કરિયરના શરૂઆતના દિવસોમાં વિક્રમ ગોખલેએ મુંબઈમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. તેમની પાસે રહેવા માટે કોઈ ઘર નહોતું. આ વાતની જાણ જ્યારે અમિતાભ બચ્ચનને થઈ તો તેમણે તત્કાલીન મુખ્યમંત્રી મનોહર જોષીને વિક્રમ ગોખલેને ઘર મળે તે માટે ચિઠ્ઠી લખી હતી. તે ચિઠ્ઠીના આધારે વિક્રમ ગોખલેને મુંબઈમાં સરકારી ઘર મળ્યું હતું. વિક્રમ ગોખલે એક્ટર અમિતાભનું આ અહેસાન ક્યારેય ભૂલ્યા નહોતા. વિક્રમ ગોખલે જ્યારે પણ પોતાના સંઘર્ષની વાત કરે ત્યારે અચૂકથી આ વાત કરતા હતા.
દુનિયાએ અમિતાભની સફળતા જોઈ છે, મેં તેમનો સંઘર્ષ જોયો છેઃ વિક્રમ ગોખલે
વિક્રમ ગોખલેએ મિત્ર અમિતાભ બચ્ચન અંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના ઉત્તમ કલાકાર છે. જ્યારે તેઓ તેમના વખાણ કરે છે, ત્યારે તેમની પાસે શબ્દો હોતા નથી. તેઓ એકબીજાને છેલ્લે 55 વર્ષથી ઓળખે છે. તે એટલું કહી શકે તે એક જેન્ટલમેન છે. તે માને છે કે લોકોએ અમિતાભ બચ્ચનની સફળતા જોઈ છે, પરંતુ તેમણે તેમનો સંઘર્ષ જોયો છે. જો લોકો જાણવા માગે કે એક્ટિંગ શું છે, તો તેમણે અમિતાભની ફિલ્મ જોવી જોઈએ.
ભારતના લોકપ્રિય ટૉક શો હોસ્ટ, ઇન્ટરવ્યૂઅર 78 વર્ષીય તબસ્સુમ ગોવિલનું 18 નવેમ્બરના રોજ કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તબસ્સુમે 'રામાયણ'માં શ્રીરામનો રોલ ભજવનાર અરૂણ ગોવિલના ભાઈ વિજય સાથે લગ્ન કર્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દીકરા હોશાંગે કહ્યું હતું કે તેની માતાની ઈચ્છા હતી કે અંતિમ સંસ્કાર પહેલાં કોઈને પણ તેમના મોતના સમાચાર આપવામાં આવે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.