'લોલીપોપ લાગેલૂ...' ગીત ગાનાર લોકપ્રિય ભોજપુરી સિંગર ને એક્ટર પવન સિંહના ઉત્તર પ્રદેશના બલિયામાં યોજાયેલા એક કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. સોમવાર, છ માર્ચના રોજ યોજાયેલ ઇવેન્ટમાં ભીડમાં કોઈએ પવનસિંહ પર પથ્થર માર્યો હતો અને તે ગાલ પર વાગ્યો હતો. આ ઘટના બાદ ઇવેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તોડફોડમાં ખુરશીઓ તૂટી ગઈ હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
માનવામાં આવે છે કે એક દર્શકે પવનસિંહને ચોક્કસ ગીત ગાવાની ફરમાઈશ કરી હતી. આ ગીત કોઈ જાતિ સાથે જોડાયેલું હતું અને પવનસિંહે તે ગીત ગાવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ પવનસિંહ પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો.
આ ઘટના બલિયાના નગરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નિકાસી ગામની છે. અહીંયાં વેડિંગ રિસેપ્શન હતું, જેમાં પવનસિંહ, શિલ્પી રાજ તથા અંજનાસિંહ સામેલ થયાં હતાં. પવનને સાંભળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડ્યા હતા. આયોજકોએ પરમિશન પણ લીધી હતી. સુરક્ષા માટે પોલીસ ફોર્સ તથા PAC પણ હતા.
પથ્થર વાગ્યા બાદ પવનસિંહે કહ્યું, સામે આવીને બતાવો, છુપાઈને વાર ના કરો
પથ્થર વાગ્યા બાદ પવનસિંહ ગુસ્સામાં આવી ગયો હતો. તેણે કહ્યું હતું, 'ભીડમાં રહીને પથ્થર મારનાર આ વ્યક્તિ કોણ છે? મને પથ્થર મારનાર આ દુશ્મન આખરે કોણ છે? ભીડમાં તો મારા ચાહકો આવ્યા છે તો પછી મારું દુશ્મન કોણ છે? જો તારી અંદર તાકાત છે તો સામે આવીને બતાવ. ભીડમાં છુપાઈને વાર ના કરીશ. એક પથ્થર પવનને રોકી શકશે નહીં. આજ સુધી કોઈ રોકી શક્યું નથી.'
પથ્થરમારો ને ખુરશીઓ તોડવામાં આવી
પવનસિંહે સ્ટેજ પર આ વાત કહી પછી હોબાળો મચી ગયો હતો. ભીડે ખુરશીઓ તોડવાની શરૂ કરી દીધી હતી. પથ્થરમારો પણ કર્યો હતો. સ્થિતિ વણસતા પોલીસ તથા PACએ લાઠીચાર્જ કર્યો હતો. થોડા કલાકમાં શાંતિ છવાતા સિંગર શિલ્પી રાજ સ્ટેજ પર આવી હતી અને ભીડને શાંત કરી હતી. જોકે, પવનસિંહ બીજીવાર સ્ટેજ પર આવ્યો નહોતો.
પોલીસે કહ્યું હતું કે આ કેસમાં હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પથ્થરમારો કરનાર વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. વીડિયો ફૂટેજ ચેક કરવામાં આવશે.
પવનસિંહે 80થી વધુ ફિલ્મમાં કામ કર્યું
પવનસિંહ બિહારના આરા જિલ્લાનો છે. તેણે અત્યાર સુધી 80થી વધુ ભોજપુરી ફિલ્મ તથા 200થી વધુ ભોજપુરી મ્યુઝિક આલ્બમ કર્યા છે. પવનસિંહે 2008માં રિલીઝ થયેલું ગીત 'લોલી પોપ લાગેલૂ...' સુપરડુપર હિટ રહ્યું હતું. ભોજપુરી ફિલ્મ 'ક્રેક ફાઇટર' માટે પવનસિંહે એક કરોડ રૂપિયા ફી લીધી હોવાની ચર્ચા છે.
પહેલી પત્નીએ આત્મહત્યા કરી, બીજી પત્ની પાસેથી ડિવોર્સ માગ્યા
પવનસિંહની પત્ની નીલમસિંહે 8 માર્ચ, 2018ના રોજ મુંબઈ સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. પછી પવનસિંહે બલિયાની જ્યોતિસિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે, 2021માં પવનસિંહે બિહારના આરા જિલ્લાની ફેમિલી કોર્ટમાં ડિવોર્સ ફાઇલ કર્યા છે. પત્નીએ પણ પવનસિંહ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.