ભાસ્કર એક્સપ્લેનર:સેન્સરમાં પાસ થયેલા ફિલ્મ પર પણ સરકારની તલવાર, બાળકો સાથે થિયેટરમાં ગયા તો ઉંમરનું સર્ટિફિકેટ સાથે રાખવું પડી શકે છે

મુંબઈ4 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
 • સેન્સર સર્ટિફિકેશન પછી કોઈ પણ ફિલ્મની ફરિયાદ થઈ તો રિવ્યૂ કરવા માટે સિનેમેટોગ્રાફ એક્ટમાં ફેરફાર થઈ રહ્યો છે

સિનેમેટોગ્રાફ એક્ટ 2021થી બોલિવૂડ સહિત આખા ભારતના ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ છે. આ એક્ટનો અર્થ એ છે કે કોઈ ફિલ્મને એકવાર સેન્સર સર્ટિફિકેટ મળી જાય તો પણ પ્રોડ્યૂસર રાહતનો શ્વાસ લઈ શકશે નહીં. ફિલ્મ પર ભવિષ્યમાં પણ સેન્સર તથા પ્રતિબંધનું જોખમ હંમેશાં રહેશે.

આ માત્ર ફિલ્મમેકર્સ માટે નથી, પરંતુ ફિલ્મ જોનારા માટે પણ છે. ફિલ્મ સર્ટિફિકેશનની નવી જોગવાઈ પ્રમાણે, ફિલ્મ સેન્સરશિપની ત્રણ નવી કેટેગરી હશે, જેમાં 7+, 13+ તથા 16+ કેટેગરી. એટલે કે આ એજ ગ્રુપના લોકો જે-તે ફિલ્મ જોઈ શકશે. જો થિયેટરમાં કોઈને બાળકની ઉંમર પર શંકા ગઈ તો તમારે બાળકની ઉંમરનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.

શું છે આ પૂરો વિવાદ? સરળ સવાલ-જવાબમાં સમજીએ

આ એક્ટ તથા અમેન્ડમેન્ટ શું છે?
સરકાર સિનેમેટોગ્રાફ એક્ટ 1952માં ફેરફાર કરી રહી છે. આ બિલને સિનેમેટોગ્રાફ એક્ટ 2021 કહેવામાં આવે છે.

એક્ટની કઈ બાબત પર વિવાદ છે?
સરકાર સિનેમેટોગ્રાફ એક્ટ 1952ના સેક્શન 6માં સુધારો કરે છે. નવા કાયદા પ્રમાણે, કોઈ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળી જાય, ત્યારબાદ પણ જો સરકારને કોઈ ફરિયાદ મળી તો ફિલ્મની પુનઃસમીક્ષા માટે તેને સેન્સર બોર્ડના ચેરમેન પાસે પાછી મોકલવામાં આવશે.

સરકારને કરવામાં આવશે એવી કઈ ફરિયાદો હશે?
જો સરકારને કહેવામાં આવે કે ફિલ્મથી ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ, વિદેશી રાષ્ટ્રો સાથે સંબંધ, સાર્વજનિક શાંતિ, શિષ્ટતા, નૈતિકતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અથવા કોઈની બદનામી થઈ રહી છે, કોર્ટનું અપમાન થઈ રહ્યું છે અથવા કોઈને ઉશ્કેરવાનું અથવા ભડકાવવાનું કામ કરે છે તો સરકાર બોર્ડને તે ફિલ્મ અંગે ફરીવાર વિચાર કરવાનું કહી શકે છે.

સરકારને ફરિયાદ મળી તો શું થશે?
જો કોઈ ફિલ્મ રિલીઝ થઈ અને તેના બે મહિના પછી કોઈએ આ તમામ વાતોની ફરિયાદ કરી તો સરકાર અપીલ માની લેશે અને ફિલ્મની પુનઃ સમીક્ષા કરવા મોકલે તો બની શકે કે પછી ફિલ્મ પર પ્રતિબંધ જ મૂકાઈ જાય અથવા કોઈ સીન, ગીત કે સંવાદ એડિટ કરવો પડે.

આમ થાય છે તો ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર, તેના સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ લેનાર પ્રોડ્યૂસરને કરોડોનું નુકસાન થઈ શકે છે.

'પદ્માવત' યાદ છે ને? આવો વિવાદ વધુ થશે
'પદ્માવત' ફિલ્મ અંગે જે વિવાદ થયો ત્યારે એ તર્ક આપવામાં આવ્યો હતો કે સેન્સર બોર્ડે ફિલ્મને પાસ કરી દીધો છે તો સરકારની ફરજ છે કે તે ફિલ્મ શાંતિપૂર્ણ રીતે થિયેટરમાં રિલીઝ થાય તે વાત જુએ.

જો નવા કાયદામાં આ ફેરફાર થાય છે તો પછી આ તર્ક કામ આવશે નહીં. ફરિયાદ તો આવતી જ રહેશે અને સરકારને જરૂરી લાગશે તો ફિલ્મની સમીક્ષા થશે. આ વાતનો કોઈ અંત જ નહીં હોય.

સરકારને અભિવ્યક્તિની આઝાદની પરવા નથી?

 • સરકારે પોતાના બચાવમાં જે તર્ક રજૂ કર્યા છે, તે માટે થોડા બેકગ્રાઉન્ડમાં જવું પડશે.
 • સિનેમેટોગ્રાફ એક્ટના સેક્શન 6 પ્રમાણે, સરકાર કોઈ ફિલ્મને સર્ટિફિકેટ આપાવની કાર્યવાહીના તમામ રેકોર્ડ રજૂ કરવાનું કહી શકે છે.
 • સરકાર પહેલાં એ માનીના ચાલતી હતી કે તે સેન્સરબોર્ડના નિર્ણયોની સમીક્ષા કરી શકે છે.
 • આ વાતમાં ત્યારે ટ્વિસ્ટ આવ્યો જ્યારે કર્ણાટક હાઇકોર્ટે કે એમ શંકરપ્પા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના દાવામાં ચુકાદો આપ્યો કે એકવાર સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપી દીધું પછી સરકારને ફિલ્મની સમીક્ષા કરવાનો કોઈ અધિકાર નથી.
 • ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ સિવિલ અપીલ 3106 ઓફ 1991માં 28 જાન્યુઆરી, 2020ના રોજ કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
 • સુપ્રીમ કોર્ટે એટલું જરૂર કહ્યું હતું કે કોઈ પણ કોર્ટના આદેશને બદલવાનો અથવા તેને રદ કરવા માટે કાયદો બનાવવાનો રસ્તો સરકારની પાસે જ છે.

સરકારને નવા કાયદાનો વિચાર આવ્યો

 • સરકારને યાદ આવ્યું કે પોતાના દેશમાં અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર છે, પરંતુ તે અબાધિત નથી. આના પર અંકુશ મૂકી શકાય છે.
 • બંધારણના સેક્શન 19(2) કહે છે કે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ, વિદેશી રાષ્ટ્રો સાથેના સંબંધો, સાર્વજનિક શાંતિ, નૈતિકતા, શિષ્ટતા, અદાલતનું અપમાન, કોઈની માનહાનિ અથવા કોઈને ઉશ્કેરના કેસમાં અભિવ્યક્તિના અધિકાર પર અંકુશ મૂકી શકાય છે.

સરકારે શું રસ્તો કાઢ્યો?
સામાન્ય જનતાની ભાષામાં બંધારણના સેક્શન 19(2)માં જે કહેવામાં આવ્યું છે, તેને લગભગ કૉપી-પેસ્ટ કરીને સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ના આર્ટિકલ 5 (B)માં નાખવામાં આવ્યું છે.
સિનેમેટોગ્રાફ એક્ટના આર્ટિકલ 5 (B) (1)માં કહેવામાં આવ્યું છે કે કોઈ ફિલ્મમાં અભિવ્યક્તિની આઝાદીનું કારણ આપીને કંઈ પણ બતાવી શકો નહીં અને કહી શકો નહીં. દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ, સાર્વજનિક શાંતિ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

સરકારના ભાથામાં તીર આવી ગયું

 • બંધારણના સેક્શન 19 (B) તથા સિનેમેટોગ્રાફ એક્ટની કલમ 5 (B)ની મદદ લઈને સરકાર તીર ચલાવી રહી છે.
 • સરકાર કહે છે કે ફિલ્મને ભલે સેન્સર સર્ટિફિકેટ મળી જાય, પરંતુ પછી અમારી પાસે કોઈ ફરિયાદ આવશે તો પણ સમીક્ષા તો થશે જ.
 • આ અધિકારને કાયદા તરીકે મેળવવા માટે સરકારે સિનેમેટોગ્રાફ બિલ 2021 બનાવ્યું છે અને સેક્શન 6માં આ સુધારો કરવાની ભલામણ આપી છે.

શું ફિલ્મ જોવા માટે બાળકોના ઉંમરનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે?

 • સિનેમેટોગ્રાફ એક્ટર 2021માં એક નવી જોગવાઈ પણ કરવામાં આવી રહી છે
 • અત્યારે કેટલીક ફિલ્મને માત્ર U/A સર્ટિફિકેટ મળે છે. હવે તેમાં U/A 7 પ્લસ, 13 પ્લસ તથા 16 પ્લસ, એવી ત્રણ સબ કેટેગરી હશે.
 • U/A-7 પ્લસનો અર્થ સાતથી વધુ ઉંમરના બાળકો માટે આ ફિલ્મ જોવા લાયક છે. એ જ રીતે 13+ તથા 16+ કેટેગરીમાં થશે.
 • આની અસર એ હશે કે થિયેટર સ્ટાફને શંકા ગઈ તો બાળકની ઉંમરનો કોઈ દસ્તાવેજ બતાવવો પડશે. ઘરમાંથી નીકળ્યા બાદ એ વાત સુનિશ્ચિત કરવી પડશે કે ફિલ્મનું સર્ટિફિકેશન શું છે અને બાળકને બતાવવી છે કે નહીં.

પાયરસી પૂરી કરવાને બહાને સેન્સરશિપ પર સપોર્ટ
સરકારે સિનેમેટોગ્રાફ એક્ટના સેક્શન 7માં સુધારો કરીને ફિલ્મની અનાધિકૃત રેકેર્ડિંગ તથા ટ્રાન્સમિશન કરવા પર ત્રણ મહિનાથી લઈ 3 વર્ષ સુધીની જેલ અને 3 લાખ રૂપિયા અથવા ફિલ્મના નુકસાનની 50% રકમના દંડની જોગવાઈ કરી છે.
સરકારને ખ્યાલ છે કે તમામ ફિલ્મ ઉદ્યોગ પાયરસીનો ખાત્મો બોલાવવાના નામ પર આ બિલને સપોર્ટ કરશે.

અત્યારે શું સ્ટેટસ છે?
અત્યારે તો સરકારે ડ્રાફ્ટ બનાવ્યો છે. 18 જૂનના રોજ આને જાહેર કરી દીધો છે. સરકારે આ અંગે કોઈ પણ સૂચનો આપવાની છેલ્લી તારીખ 2 જુલાઈ નક્કી કરી છે.

સૂચનો ક્યાં મોકલી શકશો?
કોઈને પણ આ બિલ અંગે વાંધો હોય તો તે પોતાની વાત 2 જુલાઈ સુધી ડિરેક્ટર (ફિલ્મ્સ) માહિતી તથા પ્રસારણ મંત્રાલય, રૂમ નંબર 122, સીએ વિંગ, શાસ્ત્રી ભવન, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, ન્યૂ દિલ્હી મોકલી શકે છે અથવા dhanpreet.kaur@ips.gov.in પર મેલ કરી શકે છે.

શું સેન્સરબોર્ડનો નિર્ણય સર્વોપરિ હતો?
એક ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલ અસ્તિત્વમાં હતી. કોઈ પ્રોડ્યૂસર જો સેન્સર બોર્ડના નિર્ણય સાથે સહમત નથી તો તે ટ્રિબ્યૂનલમાં જઈ શકતો હતો. ત્યાંથી તેને રાહત મળવાની વધુ શક્યતા હતા, પરંતુ સરકારે ગયા વર્ષે એપ્રિલમાં આવી 8 ટ્રિબ્યૂનલ્સને વ્યર્થ ગણાવીને રદ્દ કરી હતી.