કપૂર પરિવારમાં ગુજરાતી વહુ આવશે:રણબીર પહેલાં ફોઈનો દીકરો આદર જૈન એક્ટ્રેસ તારા સુતરિયા સાથે લગ્ન કરશે

મુંબઈ9 દિવસ પહેલા
  • આદર જૈન તથા તારા સુતરિયા આવતા વર્ષે લગ્ન કરશે

બોલિવૂડમાં હાલમાં લગ્નનો માહોલ છે. રાજકુમાર રાવ તથા પત્રલેખાએ 15 નવેમ્બરે લગ્ન કર્યા હતા. કેટરીના કૈફ તથા વિકી કૌશલ આવતા મહિને લગ્ન કરવાના છે. આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના લગ્નની ચાહકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, કપૂર પરિવારમાં રણબીર કપૂરના લગ્નના ઢોલ વાગે તે પહેલાં તેનો ફોઈનો દીકરો આદર જૈન લગ્ન કરવાનું વિચારી રહ્યો છે.

2022માં લગ્ન કરશે
27 વર્ષીય આદર જૈન 26 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયાને લાંબા સમયથી ડેટ કરે છે. બંને 2022ના શરૂઆતના ત્રણ મહિનામાં લગ્ન કરી શકે છે. રણબીર કપૂર તથા આલિયા એપ્રિલ, 2022માં લગ્ન કરવાના છે. સૂત્રોના મતે, તારા તથા આદર બંને એકબીજાને ઘણાં જ પસંદ કરે છે અને બંનેએ એકબીજા સાથે ઘણો જ સમય પસાર કર્યો છે. હવે તે પોતાના સંબંધને આગળ વધારવા માગે છે.

ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી
થોડાં સમય પહેલાં જ તારા તથા આદર ગોવામાં વેકેશન માટે ગયા હતા. અહીંયા જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંને ઓફિશિયલ જાહેરાત કરવામાં થોડો સમય લેશે, પરંતુ આવતા વર્ષે લગ્ન કરવાનું તેમણે વિચાર્યું છે.

રણબીર કપૂર આવતા વર્ષે લગ્ન કરશે
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ વર્ક કમિટમેન્ટ્સને કારણે આવતા વર્ષે એપ્રિલ, 2022માં લગ્ન કરશે. પહેલાં એવી ચર્ચા હતી કે રણબીર તથા આલિયા આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.

કોણ છે તારા સુતરિયા?
19, નવેમ્બર, 1995માં મુંબઈમાં ગુજરાતી પારસી પરિવારમાં જન્મેલી તારા સુતરિયાને ટ્વિન સિસ્ટર પિયા છે. પિયા તથા તારાએ ઇંગ્લેન્ડની સ્કૂલ ઓફ ક્લાસિકલ બેલે એન્ડ વેસ્ટર્ન ડાન્સમાંથી ક્લાસિકલ બેલે તથા લેટિન અમેરિકન ડાન્સ શીખ્યો છે. આ ઉપરાંત તારાએ સાત વર્ષની ઉંમરથી પ્રોફેશનલ સિંગર તરીકે ગાવાની શરૂઆત કરી હતી. તે વિવિધ સ્પર્ધા તથા ઓપેરામાં ગાતી હતી. તારાએ સેન્ટ એન્ડ્ર્યૂ કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ તથા કોમર્સમાંથી બેચરલની ડિગ્રી લીધી છે. તારાએ સિંગર તરીકે ટોક્યો, લંડન, લાવાસા તથા મુંબઈમાં વિવિધ કોન્સર્ટ કર્યા છે.

12 વર્ષની ઉંમરમાં તારાએ 'બિગ બડા બૂમ' શો હોસ્ટ કર્યો હતો. ત્યારબાદ તે 2011માં 'એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા'માં ભઆગ લીધો હતો. ત્યારબાદ તે 'ધ સ્યૂટ લાઇફ ઓફ કરન એન્ડ કબીર', 'ઓયે જસ્સી', 'શેક ઇટ અપ'માં જોવા મળી હતી. 2019માં તારાએ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'મરજાવાં'માં જોવા મળી હતી. હવે તારા 'તડપ', 'એક વિલન રિટર્ન્સ' તથા 'હીરોપંતી 2'માં જોવા મળશે. તારા મ્યૂઝિક વીડિયો 'મસકલી 2' તથા 'હમ હિંદુસ્તાની'માં પણ જોવા મળી હતી.

કપૂર પરિવારનો ભાણેજ છે
સ્વ. રાજકપૂરની દીકરી રીમાએ મનોજ જૈન સાથે લગ્ન કર્યા છે. રીમા-મનોજને બે દીકરા અરમાન જૈન તથા આદાર જૈન છે. અરમાન જૈને ફેબ્રુઆરી, 2020માં અનિશા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં. આદર જૈનનો જન્મ 1994માં 5 ઓગસ્ટે મુંબઈમાં થયો છે. તેણે 'એ દિલ હૈ મુશ્કિલ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મ 'હેલ્લો ચાર્લી' તથા 'ખેલ ખેલ મેં'માં કામ કર્યું છે.