સેલેબ્સ અને રાજકારણ:રજનીકાંત પહેલાં અમિતાભ બચ્ચન, રેખા-હેમા સહિત ઘણાં સેલેબ્સે રાજકારણમાં નસીબ અજમાવ્યું, કોઈ સફળ તો કોઈ નિષ્ફળ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે ત્રણ ડિસેમ્બરના રોજ જાન્યુઆરીમાં પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. ઓફિશિયલ જાહેરાત 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. જોકે, રજનીકાંત પહેલાં ઘણાં બોલિવૂડ સેલેબ્સ રાજકારણમાં આવ્યા છે, જેમાંથી કેટલાંક સફળ તો કેટલાંક નિષ્ફળ સાબિત થયા છે.

આ સ્ટાર્સની રાજકીય કરિયર પૂરી
અમિતાભ બચ્ચન

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન 80ના દાયકામાં ગાંધી પરિવારની નિકટ હતા. આ દરમિયાન અમિતાભે અલ્હાબાદ (આજનું પ્રયાગરાજ) લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. જોકે, થોડાં સમય બાદ અમિતાભને રાજકારણમાં રસ ના રહ્યો અને તેમણે હંમેશાં માટે રાજકારણ છોડી દીધું હતું.

ગોવિંદા

ગોવિંદાએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાઈને મુંબઈની લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. રાજકારણ દરમિયાન ગોવિંદા ક્યારેક ઉંમરના નકલી સર્ટિફિકેટ માટે તો ક્યારેક ખોટા નિર્ણયને કારણે ચર્ચામાં રહ્યો હતો. ધીમે ધીમે ગોવિંદાને રાજકારણમાંથી રસ જતો રહ્યો હતો અને 2008માં હંમેશાં માટે અલવિદા કહી દીધું હતું.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રે 2004માં બિકાનેર લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. થોડાં સમય બાદ જ ધર્મેન્દ્રે રાજીનામું આપીને માત્ર એક્ટિંગ પર જ ફોકસ કરવાનો નિર્ણય લીધો હતો.

રેખા

રેખાએ 2012માં રાજ્યસભામાં સાંસદ બનાવ્યા હતા. ત્યારથી લઈ આજ સુધી તેઓ રાજકારણમાં એક્ટિવ છે. જોકે, રાજકારણમાં રસ ના હોવાથી તે રાજ્યસભામાં ભાગ્યે જ જોવા મળે છે.

ઉર્મિલા માતોંડકર

'રંગીલા ગર્લ' તરીકે લોકપ્રિય ઉર્મિલાએ 2019માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ઉર્મિલાએ કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે, તે ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સામે હારી ગઈ હતી. થોડાં દિવસ બાદ ઉર્મિલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલમાં જ ઉર્મિલા શિવસેનામાં સામેલ થઈ છે.

આ સ્ટાર્સ રાજકારણમાં સફળ

હેમા માલિની

'ડ્રીમ ગર્લ' હેમા માલિની 2003માં રાજ્યસભાના સાંસદ હતા. છેલ્લાં 13 વર્ષથી રાજકારણમાં સક્રિય હેમા હાલમાં મથુરા લોકસભા સીટના સાંસદ છે.

રાજ બબ્બર​​​​​​

એક્ટર રાજ બબ્બર UPના જાણીતા નેતા છે. એક્ટર UPના કોંગ્રેસ અધ્યક્ષ તથા રાજ્યસભા સાંસદ છે. એક્ટર બેવાર રાજ્યસભા સાંસદ તથા ત્રણવાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે.

જયાપ્રદા

રાજકારણમાં ચર્ચિત નામ જયાપ્રદાનું છે. સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. જયાપ્રદાએ એનટી રામારાવની તેલુગુ દેશમ પાર્ટીથી રાજકીય સફર શરૂ કરી હતી. વર્ષ 1996માં એક્ટ્રેસ પહેલી જ વાર રાજ્યસભાના સાંસદ બન્યાં હતાં. થોડાં વર્ષ પહેલાં એક્ટ્રેસે દક્ષિણ ભારત છોડીને ઉત્તર ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.

શત્રુધ્ન સિંહા

30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા શત્રુધ્ન સિંહા હવે કોંગ્રેસમાં છે. શત્રુધ્ન સિંહાને ટિકિટ ના મળતા તેઓ ભાજપથી નારાજ હતા અને કોંગ્રેસમાં જવાનો નિર્ણય લીધો હતો. શત્રુધ્ન સિંહાએ રાજેશ ખન્નાની સામે ચૂંટણી લડીને રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. જોકે, તેઓ ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ એક્ટર બેવાર સાંસદ બન્યા હતા. 2002માં અટલ બિહારી વાજપેઈની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર પણ હતા.

જયા બચ્ચન

અનેક બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કરનાર જયા બચ્ચન 2004થી સતત રાજ્યસભાના સાંસદ રહ્યાં છે. તેઓ સમાજવાદી પાર્ટીના નેતા છે. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યાં છે.

આ ઉપરાંત પ્રકાશ રાજે અપક્ષ ઉમેદવાર તરીકે બેંગલુરુ સેન્ટ્રલ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ સાથે જ પરેશ રાવલ, સની દેઓલ, મિથુન ચક્રવર્તી, શબાના આઝમી પણ રાજકારણમાં સક્રિય છે. દિવંગત એક્ટર સુનીલ દત્ત તથા વિનોદ ખન્ના પણ રાજકારણના જાણીતા ચહેરા હતા.

અન્ય સમાચારો પણ છે...