તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈદ પર ભાઈજાનનો દબદબો:'રાધે' પહેલાં સલમાનની 'વોન્ટેડ'થી લઈ 'ભારત' સુધીની ફિલ્મ થઈ હતી રિલીઝ, કોણે કરી કેટલી કમાણી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'રાધે' સલમાનની ઈદ પર રિલીઝ થયેલી અત્યાર સુધીની સૌથી ટૂંકી ફિલ્મ
  • 'વોન્ટેડ'થી સલમાન ખાન ઈદ પર ફિલ્મ રિલીઝ કરવા લાગ્યો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આ વર્ષે ઈદ પર એક્શન થ્રીલર 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ' રિલીઝ થવાની છે. આમ તો આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના તથા લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ વર્ષે પણ ભારતના અનેક રાજ્યોમાં લૉકડાઉન હોવાથી 'રાધે' ગણ્યાં ગાંઠ્યા થિયેટરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. સલમાનની આ ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ઈદ પર જ્યારે પણ સલમાનની ફિલ્મ રિલીઝ થાય ત્યારે નવા નવા રેકોર્ડ સર્જતી હોય છે. આ વખતે 'રાધે' નવો રેકોર્ડ બનાવે છે કે કેમ એ તો 13 મેએ જ ખબર પડશે. અત્યાર સુધીમાં ઈદ પર સલમાનની રિલીઝ થયેલી ફિલ્મે કેવી કમાણી કરી તેના પર એક નજર કરીએ...

વોન્ટેડ
રિલીઝ ડેટઃ 18 સપ્ટેમ્બર, 2009
રન ટાઈમઃ 2 કલાક 34 મિનિટ
ડિરેક્ટરઃ પ્રભુદેવા

2009માં ઈદ પર રિલીઝ થનારી સલમાનની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મના સિટી માર સંવાદો, મનગમતું સંગીત તથા ધમાકેદાર એક્શન ચાહકોને ગમી ગઈ હતી. આ ફિલ્મ 35 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મે ભારતમાં 61 કરોડ અને વર્લ્ડવાઈડ 100 કરોડની કમાણી કરી હતી. 2009ની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મમાંથી એક 'વોન્ટેડ' હતી. ફિલ્મમાં સલમાનની સાથે આયેશા ટાકિયા હતા. આ ફિલ્મની સાથે જ રાની મુખર્જી-શાહિદ કપૂરની ફિલ્મ 'દિલ બોલે હડિપ્પા' રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. 'વોન્ટેડ'નો ડાયલોગ 'એક બાર જો મૈંને કમિટમેન્ટ કરદી તો ફિર મૈં અપને આપ કી ભી નહીં સુનતા' ઘણો જ લોકપ્રિય થયો હતો. ફિલ્મ 'રાધે'માં ફરી એકવાર સલમાન આ ડાયલોગ બોલે છે.

દબંગ
રિલીઝ ડેટઃ 10, સપ્ટેમ્બર, 2010
રન ટાઈમઃ 2 કલાક 6 મિનિટ
ડિરેક્ટરઃ અભિનવ કશ્યપ

અભિનવ કશ્યપની ફિલ્મ 'દબંગ'માં સલમાન ખાન પોલીસના રોલમાં જોવા મળ્યો હતો. ચુલબુલ પાંડે તરીકે સલમાન ખાન ચાહકોના મનમાં છવાઈ ગયો હતો. 42 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર ભારતમાં 140 કરોડની કમાણી કરી હતી. વર્લ્ડવાઈડ આ ફિલ્મે 220 કરોડ કમાયા હતા. આ ફિલ્મના ગીતો આજે પણ ચાહકોને યાદ છે. સોનાક્ષી સિંહાએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

બોડીગાર્ડ
રિલીઝ ડેટઃ 31 ઓગસ્ટ, 2011
રન ટાઈમઃ 2 કલાક 10 મિનિટ
ડિરેક્ટરઃ સિદ્દીકી

'મુઝ પર એક અહસાન કરના કી મુઝ પર કોઈ અહેસાન ના કરના' બોડીગાર્ડ લવલી સિંહના આ ડાયલોગ પર ચાહકોએ થિયેટરમાં સિટી ને તાળીઓ પાડી હતી. સલમાન ખાન-કરીના કપૂરની આ ફિલ્મ 60 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ ભારતમાં 148.86 કરોડની અને વર્લ્ડવાઈડ 250 કરોડનીક માણી કરી હતી. બોલિવૂડની આ પહેલી ફિલ્મ હતી, જેણે પહેલાં અઠવાડિયે 100 કરોડની કમાણી કરી હતી.

એક થા ટાઈગર
રિલીઝ ડેટઃ 15 ઓગસ્ટ, 2012
રન ટાઈમઃ 2 કલાક 12 મિનિટ
ડિરેક્ટરઃ કબીર ખાન

'બોડીગાર્ડ'એ માત્ર 7 દિવસની અંદર બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી હતી. 'એક થા ટાઈગર' બોલિવૂડની એવી પહેલી ફિલ્મ હતી, જેણે માત્ર પાંચ દિવસની અંદર 100 કરોડની કમાણી કરી હતી. કેટરીના તથા સલમાન ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. સલમાન તથા ડિરેક્ટર કબીર ખાને પહેલી જ વાર યશરાજ બેનર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 75 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે ભારતમાં 199 તથા વર્લ્ડવાઈડ 334 કરોડની કમાણી કરી હતી.

કિક
રિલીઝ ડેટઃ 25 જુલાઈ, 2014
રન ટાઈમઃ 2 કલાક 26 મિનિટ
ડિરેક્ટરઃ સાજીદ નડિયાદવાલા

આ ફિલ્મથી સાજીદ નડિયાદવાલાએ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં સલમાન ખાન ખાને દેવી લાલ સિંહનો રોલ પ્લે કર્યો હતો. સલમાન ગ્રે શૅડમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 140 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે ભારતમાં 233 તથા વર્લ્ડવાઈડ 388 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મના ગીતો 'જુમ્મે કી રાત', 'હેંગ ઓવર' તથા 'યાર ના મિલે' તે સમયે ઘણાં જ લોકપ્રિય થયા હતા. સલમાન-જેક્લીન ફર્નાન્ડિઝે પહેલી જ વાર સાથે કામ કર્યું હતું. 'કિક' સલમાનની પહેલી ફિલ્મ હતી, જેણે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુની કમાણી કરી હોય.

બજરંગી ભાઈજાન
રિલીઝ ડેટઃ 17 જુલાઈ, 2015
રન ટાઈમઃ 2 કલાક 43 મિનિટ
ડિરેક્ટરઃ કબીર ખાન

90 કરોડના બજેટમાં બનેલી 'બજંરગી ભાઈજાન'માં સલમાન ખાન એકદમ માસૂમ ને ભોળો જોવા મળ્યો હતો. કરીના કપૂર-સલમાન ખાનની આ ફિલ્મે ભારતમાં 321 કરોડ તો વર્લ્ડવાઈડ 733 કરોડની કમાણી કરી કરી હતી. ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટર હર્ષાલી મલ્હોત્રા દર્શકોને ઘણી જ પસંદ આવી હતી.

સુલ્તાન
રિલીઝ ડેટઃ 6 જુલાઈ, 2016
રન ટાઈમઃ 2 કલાક 50 મિનિટ
ડિરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર
​​​​​​​

યશરાજ બેનરની 'સુલ્તાન'માં સલમાન ખાને પહેલી જ વાર અનુષ્કા શર્મા સાથે કામ કર્યું હતું. 90 કરોડની પ્રોડક્શન કોસ્ટ સાથએ બનેલી ફિલ્મે ભારતમાં 300 તથા વર્લ્ડવાઈડ 614 કરોડની કરોડની કમાણી કરી હતી. સલમાનની આ પહેલી ફિલ્મ હતી, જે 300 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.

ટ્યૂબલાઈટ
રિલીઝ ડેટઃ 23 જૂન, 2017
રન ટાઈમઃ 2 કલાક 51 મિનિટ
ડિરેક્ટરઃ કબીર ખાન

કબીર ખાન તથા સલમાન ત્રીજીવાર આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ રહી હતી. સલમાનની ફિલ્મે ભારતમાં 120 તથા વર્લ્ડવાઈડ 211 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં 80-90 કરોડના બજેટમાં તૈયાર થઈ હતી. આ ફિલ્મમાં સલમાને પહેલી જ વાર ચાઈનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો પણ હતો. જોકે, સલમાન પોતાની આ ફિલ્મને હિટ કરાવી શક્યો નહીં. આ ફિલ્મની ક્રિટિક્સ તથા દર્શકોએ ઘણી જ ટીકા કરી હતી.

રેસ 3
રિલીઝ ડેટઃ 15 જૂન, 2018
રન ટાઈમઃ 2 કલાક 40 મિનિટ
ડિરેક્ટરઃ રેમો ડિસોઝા
​​​​​​​

દરેક ચળકતી વસ્તુ સોનુ નથી, તે વાત સલમાનની 'રેસ 3' માટે સાચી પુરવાર થઈ હતી. સલમાનની સૌથી બકવાસ ફિલ્મમાંથી એક 'રેસ 3' છે. આ ફિલ્મે માત્ર 3 દિવસની અંદર 100 કરોડની કમાણી કરી હતી. 150 કરોડના તોતિંગ બજેટમાં બનેલી આ ફિલ્મ પાસેથી ચાહકોને અનેક અપેક્ષાઓ હતી. રેમો ડિસોઝાની આ ફિલ્મ ચાહકોની એક પણ અપેક્ષા પૂરી કરી શકી નહીં. ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર, બોબી દેઓલ, જેક્લિન ફર્નાન્ડિઝ, સાકિબ સલીમ, ડેઈઝી શાહ જેવા કલાકારો હોવા છતાંય દર્શકોએ ફિલ્મના અનેક મીમ્સ વાઈરલ કર્યા હતા. 'રેસ' તથા 'રેસ 2'ની તુલનાએ 'રેસ 3' સાવ નબળી ફિલ્મ હતી. સલમાનને કારણે આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી હોવા છતાંય આ ફિલ્મને સલમાનની ફ્લોપ ફિલ્મની કેટેગરીમાં મૂકવામાં આવે છે.

ભારત
રિલીઝ ડેટઃ 5 જૂન, 2019
રન ટાઈમઃ 2 કલાક 35 મિનિટ
ડિરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર
​​​​​​​

'ટ્યૂબલાઈટ' ફ્લોપ જવાને કારણે સલમાન 'ભારત' અંગે ઘણો જ સચેત હતો. સલમાન-કેટરીનાની આ ફિલ્મ 100 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી. સલમાનની આ ફિલ્મ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રિલીઝ થઈ હોવા છતાંય પહેલાં જ દિવસે 42.30 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે ભારતમાં 211 તથા વર્લ્ડવાઈડ 325 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં સલમાન ખાનનું કેરેક્ટર યુવાનથી લઈ વૃદ્ધ સુધીનું જોવા મળ્યું હતું. ફિલ્મને મિક્સ્ડ રિવ્યૂ મળ્યા હોવા છતાંય દર્શકોને આ ફિલ્મ ઘણી જ ગમી હતી.