ટીવી એક્ટ્રેસના પ્રેમમાં હતો:કેટરીના પહેલાં વિકી કૌશલના સંબંધો હરલીન સેઠી સાથે હતા, 'ઉરી' સફળ થતાં જ સંબંધોનો અંત આવ્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • વિકી કૌશલે હરલીન સાથેના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો

વિકી કૌશલ તથા કેટરીના કૈફ આવતા મહિને 7થી 12 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં લગ્ન કરશે તેવી ચર્ચા જોરશોરથી થઈ રહી છે. લગ્ન સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના એક કિલ્લામાં યોજાશે. આ ફોર્ટનું નામ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા છે. કેટરીના કૈફ તથા વિકી કૌશલ વચ્ચે અફેર હોવાની પુષ્ટિ અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધને કરી હતી. જોકે, કેટરીના પહેલાં વિકી કૌશલના સંબંધો બે એક્ટ્રેસિસ સાથે રહી ચૂક્યા છે.

હરલીન સેઠી સાથે સંબંધો હતા
વિકી કૌશલે કરન જોહર તથા નેહા ધૂપિયાના શોમાં હરલીન સેઠી સાથે સંબંધો હોવાનો સ્વીકાર કર્યો હતો. બંને વચ્ચે 2018-19ના દરમિયાન સંબંધો રહ્યા હતા. બંનેએ સો.મીડિયામાં એકબીજાની તસવીર પણ શૅર કરી હતી. તે સમયે બંનેના લગ્નની પણ ચર્ચા થતી હતી. એક ઇન્ટરવ્યૂમાં વિકી કૌશલે કહ્યું હતું કે એક પાર્ટીમાં તેની મુલાકાત હરલીન સેઠી સાથે થઈ હતી. અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી. વિકીએ એમ પણ કહ્યું હતું કે પહેલી જ વાર પાર્ટીમાં હરલીનને જોઈ તો તે જોતો જ રહી ગયો હતો. તે જ્યારે હરલીન સાથે હોય છે તો તે સમયને ઘણો જ એન્જોય કરે છે.

અચાનક જ સંબંધ તૂટી ગયો
2019માં વિકી કૌશલની ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ વિકી કૌશલ તદ્દન બદલાઈ ગયો હોવાનો દાવો હરલીને કર્યો હતો. આ ફિલ્મ રિલીઝ થયા બાદ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે ફિલ્મ રિલીઝ થયા બાદ કેટરીના તથા વિકી વચ્ચેની નિકટતા ધીમે ધીમે વધતી જતી હતી. આ વાતની જાણ હરલીનને થઈ ગઈ હતી અને તેથી જ તેણે સો.મીડિયામાં વિકીને અનફોલો કરી દીધો હતો. બ્રેકઅપ બાદ વિકી કૌશલે કહ્યું હતું કે તે સિંગલ છે.

બ્રેકઅપ બાદ ભાંગી પડી હતી
વિકી કૌશલ સાથેના સંબંધો તૂટ્યા બાદ હરલીન એકદમ ભાંગી પડી હતી. સો.મીડિયામાં હરલીને કવિતા લખી હતી, 'મેં જ્યાંથી શરૂઆત કરી હતી અને આજે હું ત્યાં જ છું. આ રસ્તો મેં જાતે બનાવ્યો નથી. નીડર તથા એનર્જીથી ભરપૂર થઈને તેમની ઈચ્છાનું સ્વાગત કર્યું છે. મેં મારી જાતને એક મોટા તળાવમાં નાનકડી માછલી તરીકે જોઈ છે...બ્રેકઅપ મને તોડી શકે નહીં, જીત અને હારની મારા પર અસર થતી નતી. હું મારી જાતને સારી રીતે સમજું છું...મારો પોતાનો એક સ્વેગ છે, હું મારા માટે એક ટૅગ છું...'

માલવિકા સાથે વિકી
માલવિકા સાથે વિકી

માલવિકા સાથે પણ સંબંધો રહ્યાં હતાં
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિકી કૌશલ તથા એક્ટ્રેસ માલવિકા મોહનનનું નામ પણ એકબીજા સાથે જોડાયું હતું. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.

કોણ છે હરલીન સેઠી?
હરલીન સેઠીનો પરિવાર મૂળ પંજાબનો છે. હરલીનના પિતા બિઝનેસ અર્થે મુંબઈ આવ્યા હતા અને અહીંયા જ સેટલ થયા હતા. હરલીનનો જન્મ 23 જૂન, 1992માં મુંબઈમાં થયો છે. હરલીનને ભાઈ કરન સેઠી છે. કરન સેઠી પ્રોપર્ટી બ્રોકર છે. હરલીને મુંબઈની પબ્લિક સ્કૂલ જાનકીદેવી પબ્લિક સ્કૂલ આરડી નેશનલ એન્ડ ડબલ્યૂ એમાંથી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. હરલીન નાનપણથી જ બોલિવૂડમાં કરિયર બનાવવા માગતી હતી અને તેથી જ તે સ્કૂલ તથા કોલેજમાં નાટકોમાં ભાગ લેતી હતી.

ટીવી સિરિયલમાં પણ કામ કર્યું
હરલીને 2013માં 'કન્ટ્રી ઓફ બૉડીઝ' નામની શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત હરલીન 'ગબરુઃ હિપ હોપ કે શહઝાદે', 'બ્રોકન' જેવી સિરિયલમાં પણ જોવા મળી છે. હવે હરલીન સેઠી વેબ સિરીઝ 'ધ ટેસ્ટ કેસ 2'માં જોવા મળશે.

કેટ-વિકીના લગ્ન પર શું કહ્યું?
કેટરીના તથા વિકીના લગ્ન અંગે હરલીને મીડિયામાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે મિત્રોએ હરલીન સાથે કેટ-વિકીના લગ્ન અંગે વાત કરી તો તેણે એટલું જ કહ્યું હતું કે તે તે ઝોનમાં લઈ જવામાં ના આવે.