તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થલાઈવી:છ વાર મુખ્યમંત્રી બન્યાં, જયલલિતાની અભિનેત્રીથી અમ્મા બનવા સુધીની સફર

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે, કંગના રનૌત, જયલલિતા. - Divya Bhaskar
ડાબે, કંગના રનૌત, જયલલિતા.
  • જયલલિતાની માતા 'સંધ્યા' નામથી તમિળ ફિલ્મમાં કામ કરતાં હતાં
  • જયલલિતાએ 13 વર્ષની ઉંમરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

કંગના રનૌતની ફિલ્મ 'થલાઈવી' આજે (10 સપ્ટેમ્બર)એ રિલીઝ થઈ ગઈ છે. કંગનાની આ ફિલ્મ તામિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. જયલિલાતાએ જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયા હતા. એક સમયે તેઓ સિલ્વર સ્ક્રીનના સુપરસ્ટાર હતાં અને પછી રાજકારણમાં આવ્યાં હતાં.

પરિવાર અમ્મો કહીને બોલાવતા
જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી, 1949માં કર્ણાટકના મૈસૂરમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવાર તેમને લાડમાં અમ્મો કહીને બોલાવતા હતા. જ્યારે તેઓ 2 વર્ષના હતાં ત્યારે તેમના એડવોકેટ પિતાનું અવસાન થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તેમનાં માતા પોતાના પિયર આવી ગયાં હતાં. બેંગલુરમાં આવ્યા બાદ જયલલિતાની મમ્મીએ 'સંધ્યા'ના નામથી તમિળ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. દીકરીને ફિલ્મી માહોલથી દૂર રાખવા માટે તેને પેરન્ટ્સ પાસે બેંગલુરુ જ મૂકી હતી. જયલલિતાનું નાનપણ માતા વગર જ નાના-નાનીના ઘરે પસાર થયું હતું.

સ્કૂલ દરમિયાન જયલલિતા.
સ્કૂલ દરમિયાન જયલલિતા.

13 વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું
જ્યારે જયલલિતા 13 વર્ષનાં થયાં ત્યારે તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. માતાની એક ફિલ્મના પ્રોડ્યુસરની નજર જયલલિતા પર પડી હતી. તે પ્રોડ્યુસરે જયલલિતાને એક્ટ્રેસ બનવાની ઑફર કરી હતી. જયલલિતાની ઈચ્છા ના હોવા છતાંય તેમણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી અને તે એક્ટ્રેસ બની ગયાં. સીવી શ્રીધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'વેનનીરા'થી જયલલિતાની એક્ટિંગ કરિયર શરૂ થઈ હતી. જયલલિતાની કન્નડ, તમિળ, તેલુગુ, હિંદી, મલયાલમ તથા અંગ્રેજી ભાષા પર સારીએવી પકડ હતી.

15 વર્ષની ઉંમરમાં અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું
15 વર્ષની ઉંમરમાં જયલલિતાએ અંગ્રેજી ફિલ્મ 'એપિસલ'થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં જયલલિતાની સુંદરતા જોયા બાદ તેમની પાસે ફિલ્મની અઢળક ઑફર્સ આવવા લાગી હતી. તેમણે વિવિધ ફિલ્મમાં કામ કર્યું હતું. એકમાત્ર હિંદી ફિલ્મ 'ઈજ્જત'માં તેમણે ધર્મેન્દ્ર સાથે કામ કર્યું હતું.

તમિળ મેગેઝિનના કવરપેજ પર જયલલિતા.
તમિળ મેગેઝિનના કવરપેજ પર જયલલિતા.

MGR સાથે 28 ફિલ્મ કરી
1965-1972 સુધી જયલલિતા તથા MGR (એમજી રામચંદ્રન)એ ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, એમાંથી 28 ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. જયલલિતાએ પોતાના ફિલ્મી કરિયરમાં 140થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં તમિળ, તેલુગુ, કન્નડ, હિંદી, મલયાલમ તથા અંગ્રેજી ફિલ્મ સામેલ છે. એમજી રામચંદ્રન ફિલ્મથી દૂર જતા રહ્યા હતા. 1977માં તેઓ તામિળનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે અહીં 10 વર્ષ એટલે કે 1987 સુધી શાસન કર્યું હતું.

એમજી રામચંદ્રનને કારણે રાજકારણમાં આવ્યાં
જયલલિતા એમજી રામચંદ્રનને કારણે જ રાજકારણમાં આવ્યાં હતાં. 1982માં જયલલિતા AIADMK (ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડા મુન્નેત્રા કઝગમ)માં જોડાઈ ગયાં હતાં. આ રાજકીય પાર્ટીની સ્થાપના એમજી રામચંદ્રને કરી હતી. જયલલિતાના સમર્થકો તેમને અમ્મા કહીને બોલાવતા હતા.

તેલુગુ એક્ટ શોભન બાબુ સાથે જયલલિતા.
તેલુગુ એક્ટ શોભન બાબુ સાથે જયલલિતા.

પાર્ટીના પ્રચારનું કામ કર્યું
1983માં એમજી રામચંદ્રને જયલલિતાને પાર્ટીના પ્રચાર સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. જયલલિતાના અંગ્રેજી ભાષણથી લોકો પ્રભાવિત થયા હતા. આ દરમિયાન બંને વચ્ચે વિખવાદની વાતો પણ ચાલતી હતી. જોકે 1984માં જ્યારે એમજી રામચંદ્રન બીમાર પડ્યા ત્યારે તેમણે પાર્ટીના પ્રચારના અભિયાનનું નેતૃત્વ જયલલિતાના હાથમાં આપ્યું હતું. આ દરમિયાન એમજીઆરની સારવાર અમેરિકામાં ચાલતી હતી.

1987માં જયલલિતા સર્વેસર્વા બન્યાં
ડિસેમ્બર, 1987માં એમજીઆરના અવસાન બાદ જયલલિતા પૂરી રીતે પાર્ટીના સર્વેસર્વા બની ગયાં હતાં. જોકે એમજીઆરની અંતિમયાત્રામાં એમજીઆરનાં પત્ની જાનકીના સમર્થકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, આથી જ પાર્ટીના બે ભાગ પડી ગયા હતા. એક ભાગ જયલલિતાના સમર્થકનો હતો અને એક ભાગ જાનકીના સમર્થકનો હતો.

જયલલિતા ફિલ્મ તથા રાજકારણમાં સફળ રહ્યાં હતાં.
જયલલિતા ફિલ્મ તથા રાજકારણમાં સફળ રહ્યાં હતાં.

1989માં વિજય
1989માં જયલલિતા પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી પામ્યા. 25 માર્ચ, 1989માં વિધાનસભા ગૃહમાં સત્તારૂઢ પાર્ટી દ્રમુકના ધારાસભ્યોએ જયલલિતા તથા તેમના ધારાસભ્યો પર હુમલો કર્યો હતો. ગૃહમાં આ ઘટના તામિળનાડુના સ્પીકર એમ તમિળ કુદીમગનની હાજરીમાં બની હતી. આ હુમલામાં જયલલિતાની સાડી ફાટી ગઈ હતી. તેઓ આ જ હાલતમાં ગૃહની બહાર નીકળ્યા હતા અને તેમણે સોગન લીધા હતા કે હવે તે મુખ્યમંત્રી બનીને જ આ ગૃહમાં આવશે.

છ વાર મુખ્યમંત્રી બન્યા
જયલલિતા પોતાના રાજકીય કરિયરમાં છ વાર મુખ્યમંત્રી બન્યા હતા. સૌ પહેલાં 1991માં પછી, બીજીવાર 2001માં, ત્રીજીવાર 2002માં, ચોથીવાર 2011માં, પાંચમીવાર 2015માં તથા છઠ્ઠીવાર 2016માં બન્યા હતા.

જયલલિતાના રાજકીય કરિયર ચઢાવ-ઉતારવાળું રહ્યું હતું.
જયલલિતાના રાજકીય કરિયર ચઢાવ-ઉતારવાળું રહ્યું હતું.

68 વર્ષની ઉંમરે નિધન
5 ડિસેમ્બર, 2016માં અપોલો હોસ્પિટલમાં જયલલિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે લગ્ન કર્યા નહોતા.