હિરોઈનની હત્યા પતિએ જ કરી:બાંગ્લાદેશી એક્ટ્રેસ રાયમા ઈસ્લામની બંધ કોથળામાંથી ટુકડા કરાયેલી લાશ મળી હતી, પારિવારિક ઝઘડો જીવલેણ બન્યો

ઢાકા4 મહિનો પહેલા
  • બાંગ્લાદેશી એક્ટ્રેસ શૂટિંગ માટે ગઈ હતી અને પછી બે ટુકડામાં લાશ મળી હતી

બાંગ્લાદેશી અભિનેત્રી રાયમા ઈસ્લામ શિમુની લાશ સોમવાર, 17 જાન્યુઆરીના રોજ સવારે કોથળામાંથી મળી આવી હતી. શિમુની લાશ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના કેરાનીગંજમાં હઝરતપુર બ્રિજની પાસેથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાયમાની લાશને આલિયાપુર વિસ્તારમાં રસ્તાના કિનારે ફેંકવામાં આવી હતી.એક્ટ્રેસની ગરદન પર નિશાન હતાં, આથી જ આ મર્ડર હોવાનું માનવામાં આવતું હતું. પોલીસે આ કેસમાં એક્ટ્રેસના પતિ તથા તેના મિત્ર ફરહાદ સહિત છ લોકોની શિમુની હત્યાના શંકમદ તરીકે ધરપકડ કરી હતી. હવે પોલીસે એક્ટ્રેસની હત્યા તેના પતિએ જ કરી હોવાનું કહ્યું છે.

એક્ટ્રેસના ભાઈએ પોલીસમાં બહેનના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
એક્ટ્રેસના ભાઈએ પોલીસમાં બહેનના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

પતિએ ગુનો કબૂલ કર્યો
ઢાકા પોલીસે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે અભિનેત્રીની હત્યા પાછળનું કારણ પારિવારિક ઝઘડો હતું. તેના પતિએ હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી છે. ઢાકાના વરિષ્ઠ ન્યાયિક મેજિસ્ટ્રેટ રાબેયા બેગમે શિમુના પતિ શખાવત અમીન નોબલ તથા તેના મિત્ર ફરહાદને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.

એક્ટ્રેસ શૂટિંગ માટે નીકળી હતી
રાયમા બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગ્રીન રોડ વિસ્તારમાં પતિ ને બે બાળકો સાથે રહેતી હતી. શિમુ રવિવાર, 16 જાન્યુઆરીના રોજ સવારે શૂટિંગ માટે નીકળી હતી. ત્યાર બાદ તેનો ફોન પર અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. બાળકોએ વિચાર્યું માતા શૂટિંગમાં બિઝી હશે. જોકે સાંજ સુધી તે ઘરે પરત ના ફરતાં પરિવારે કાલાબાગાન પોલીસ સ્ટેશનમાં એક જનરલ ફરિયાદ કરી હતી.

પતિ સાથે રાયમા
પતિ સાથે રાયમા

પોલીસને પછી રાયમાના શરીરના બે હિસ્સા હઝરતપુર બ્રિજના રસ્તા પાસેથી મળ્યા હતા. રાયમાની બૉડીને પોસ્ટમોર્ટમ માટે મિડફોર્ડ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ભાઈએ બહેનના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી
શિમુના ભાઈ શાહિદુલ ઈસ્લામ ખોકોને શિમુના પતિ સખાવત અમીન વિરુદ્ધ કેસ કર્યો હતો. ઢાકાના જિલ્લા પોલીસ મારુફ હુસૈન સરદારે કહ્યું હતું કે પતિ તથા તેના મિત્ર ફરહાદ સહિત છ લોકોની શિમુની હત્યાના શંકમદ તરીકે ધરપકડ કરવામાં આવી હતી. આટલું જ નહીં, એક કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ કારની પાછળની સીટ પર લોહીના ડાઘા મળ્યા હતા.

પતિ શખાવતે મિત્રની મદદથી એક્ટ્રેસની હત્યા કરી હતી અને પછી લાશ કોથળામાં નાખીને ફેંકી દીધી હતી
પતિ શખાવતે મિત્રની મદદથી એક્ટ્રેસની હત્યા કરી હતી અને પછી લાશ કોથળામાં નાખીને ફેંકી દીધી હતી

ઝાયદ ખાન સાથે વિવાદ હતો
એક્ટર ઝાયદ ખાન પણ ખોકોન સાથે પોલીસ સ્ટેશન આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શિમુનો બાંગ્લાદેશ ફિલ્મ આર્ટિસ્ટ એસોસિયેશનમાં સભ્યતા અંગે ઝાયદ ખાન સાથે ઝઘડો ચાલતો હતો. જોકે ઝાયદે તમામ આરોપોને નકારીને કહ્યું હતું કે તેણે છેલ્લાં બે વર્ષમાં ક્યારેય શિમુ સાથે ફોન પર વાત કરી નથી. તેની વિરુદ્ધ આ ષડયંત્ર કરવામાં આવ્યું છે.

શિમુની કારકિર્દી
શિમુએ એક્ટિંગ કરિયરની શરૂઆત કાઝી હયાતની 'પ્રેઝન્ટ'થી કરી હતી. ત્યારબાદ તેણે દેલવર ઝહાં, ચાશી નઝરુલ ઈસ્લામ, શરીફ ઉદ્દીન ખાન સહિત વિવિધ ડિરેક્ટર્સની ફિલ્મમાં કામ કર્યું છે. 1996થી 2004 સુધી શિમુએ અંદાજે 25 ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે 50થી વધુ નાટકમાં કામ કર્યું હતું. તેણે પ્રાઇવેટ ટીવી ચેનલના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું હતું. શિમુનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ હતું.