બચ્ચન પરિવાર વિવાદમાં:માત્ર પનામા જ નહીં, બોફોર્સ કૌભાંડમાં પણ બચ્ચન પરિવારનું નામ આવ્યું હતું, અમર સિંહ સાથેના વિખવાદની પણ ચર્ચા થઈ હતી

મુંબઈ5 મહિનો પહેલા
  • હાલમાં પનામા પેપર્સ કેસને કારણે બચ્ચન પરિવાર ચર્ચામાં છે

વિશ્વભરમાં ચર્ચિત પનામા પેપર્સ કેસમાં બચ્ચન પરિવારની મુશ્કેલી વધી ગઈ છે. ઐશ્વર્યા રાયની 20 ડિસેમ્બરના રોજ દિલ્હીના લોકનાયક ભવનમાં ED (ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ)એ પૂછપરછ કરી હતી. 2016માં બ્રિટનમાં પનામાની લૉ ફર્મના 1ય15 કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ્સ લીક થયા હતા. ભારતની વાત કરીએ તો અંદાજે 500 લોકોના નામ આવ્યા હતા, જેમાં બચ્ચન પરિવારનું નામ પણ સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે, એક રિપોર્ટ પ્રમાણે, અમિતાભને ચાર કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ બહામાસમાં હતી અને એક વર્જિન આઇલેન્ડ્સમાં હતી. તેમને 1993માં ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. કંપનીની મૂડી પાંચ હજારથી લઈ 50 હજાર ડૉલરની હતી, પરંતુ આ કંપનીઓ કરોડોની કિંમતના શિપ્સનો બિઝનેસ કરતી હતી. બચ્ચન પરિવાર આ પહેલાં પણ ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યો છે.

બોફોર્સ કૌભાંડમાં અમિતાભના ભાઈ અજિતાભનું નામ સામે આવ્યું હતું.
બોફોર્સ કૌભાંડમાં અમિતાભના ભાઈ અજિતાભનું નામ સામે આવ્યું હતું.

બોફોર્સ કૌભાંડમાં બિગ બીનું નામ
1987માં બોફોર્સ કૌભાંડ સામે આવ્યું હતું અને તેને કારણે બિગ બીની ઇમેજ ખરાબ થઈ હતી. બોફોર્સમાં નામ આવ્યા બાદ બિગ બીએ રાજકારણમાંથી સંન્યાસ લીધો હતો. અમિતાભને 25 વર્ષ બાદ આ કેસમાં ક્લીન ચિટ મળી હતી. બોફોર્સ કેસમાં ક્લીન ચિટ મળ્યા બાદ બિગ બીએ બ્લોગમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું હતું, 'જ્યારે બોફોર્સમાં મારા પરિવાર અને મારા પર આરોપો મૂકવામાં આવ્યા ત્યારે મારા જીવનના દરેક પાસાને કાળા રંગની શાહીથી રજૂ કરવામાં આવ્યા. 25 વર્ષ બાદ પ્રોસિક્યૂટર સત્યને બહાર લાવ્યા. ટેક્નોલોજીના આ સમયમાં આરોપ મુકવા સરળ છે. લોકો ફેક્ટ્સ ચેક કરવા માગતા નથી. આ પ્રકારનો વિવાદ પવનની જેમ ઝડપથી ફેલાય છે, પછી એવું તોફાન આવે છે કે કંઈ જ દેખાતું નથી. સ્વીડનના વ્હિસલ બ્લોઅરે મને 2012માં ક્લીન ચિટ આપી હતી.'

અમર સિંહ સાથેનો વિવાદ
અમિતાભ બચ્ચન તથા અમર સિંહ વચ્ચે એક સમયે સારા સંબંધો હતા. જોકે, પછી આ સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. 2012માં અનિલ અંબાણીની પાર્ટીમાં જયા બચ્ચન સાથે બોલવાનું થયું હતું અને પછી અમર સિંહ તથા બચ્ચન પરિવાર એકબીજાથી દૂર થઈ ગયા હતા.

અમર સિંહે કહ્યું હતું, 'અમિતાભે તે ઝઘડામાં જયાનો સાથ આપ્યો હતો, ત્યારથી જ અમારી વચ્ચે કડવાશ આવી ગઈ હતી. અમિતાભ અનેક ક્રિમિનલ કેસમાં જોડાયેલા છે. પનામા પેપર્સ વિવાદમાં પણ તેમનું નામ આવ્યું છે.' જોકે, પછીથી અમર સિંહે એક વીડિયો શૅર કરીને બચ્ચન પરિવારની માફી માગી હતી.

અમર સિંહે માફી માગીને કહ્યું હતું, 'મારા પિતાજીની પુણ્યતિથિ છે અને અમિતાભે મેસેજ મોકલ્યો છે. જીવનના એક એવા તબક્કે છું, જ્યાં હું જીવન અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છું. હું અમિતજી તથા તેમના પરિવાર પ્રત્યે કારણ વગરના નિવેદનોને કરવા બદલ ખેદ પ્રગટ કરું છું. ભગવાન તેમની રક્ષા કરે.'

શત્રુધ્ન સિંહ સાથે પણ અણબનાવ બન્યો હતો
એક સમયે અમિતાભ તથા શત્રુધ્ન સારા મિત્રો હતા. 70ના દાયકામાં આ મિત્રતામાં તિરાડ પડી હતી. શત્રુધ્ન સિંહાએ પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું કે 70ના દાયકામાં બોલિવૂડમાં તેમનું સ્ટારડમ બિગ બી કરતાં મોટું હતું અને આ જ કારણે મિત્રતા તૂટી હતી.

શત્રુધ્ને પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું, 'ફિલ્મમાં અમિતાભ બચ્ચન જે લોકપ્રિયતા ઈચ્છતા હતા તે મને મળતી હતી. આ જ કારણે બિગ બી નારાજ થઈ જતાં હતાં. આથી જ મેં અનેક ફિલ્મ છોડી અને સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી હતી. તે સમયે લોકો કહેતા કે અમિતાભ અને મારી જોડી સ્ક્રીન પર સુપરહિટ છે, પણ તે મારી સાથે કામ કરવા માગતા નહોતા. તેમને લાગતું કે 'નસીબ', 'કાલા પથ્થર', 'શાન' તથા 'દોસ્તાના'માં શત્રુધ્ન સિંહા તેમના પર હાવી થઈ ગયા છે,પરંતુ મને આનાથી કોઈ ફેર પડતો નહીં. 'કાલા પથ્થર'ના સેટ પર મને ક્યારેય અમિતાભની બાજુમાં બેસવાની ઑફર કરવામાં આવી નહોતી. શૂટિંગ બાદ અમિતાભ ક્યારેય મને હોટલ સુધી કારમાં સાથે લઈ ગયા નહોતા. મને એ જોઈને નવાઈ લાગતી કે આખરે આમ કેમ થઈ રહ્યું છે, પરંતુ મેં ક્યારેય ફરિયાદ કરી નહોતી.'

જયા બચ્ચન પણ વિવાદમાં રહી ચૂક્યા છે
ભાજપ સાંસદ રવિ કિશને 14 સપ્ટેમ્બર, 2020ના રોજ કહ્યું હતું કે પાકિસ્તાન તથા ચીનમાંથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. ફિલ્મ ઉદ્યોગમાં પણ આ જોવા મળી રહ્યું છે અને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) તપાસ કરી રહ્યો છે અને તે આ કેસમાં કડક કાર્યવાહીની માગ કરે છે.

બીજા જ દિવસે સંસદમાં સપા સાંસદ જયા બચ્ચને કહ્યું હતું કે કેટલાંક લોકોને કારણે તમે આખી ઇન્ડસ્ટ્રીની ઇમેજને ખરાબ કરી શકો નહીં. તેમને શરમ આવે છે કે લોકસભામાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક સભ્યે આના વિરુદ્ધ વાત કરી. તમે જે થાળીમાં ખાતા હો તેમાં થૂંકી શકો નહીં. આ નિવેદન પર ખાસ્સો વિવાદ થયો હતો.