તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈરફાન ખાનના દીકરાનો નિર્ણય:બાબિલ ખાને અધવચ્ચે કોલેજ છોડી, કહ્યું- હવે હું મારું પૂરું ફોકસ એક્ટિંગ પર કરવા માગું છું

મુંબઈ3 મહિનો પહેલા
  • બાબિલ ખાને ડેબ્યૂ ફિલ્મ બાદ શૂજિત સરકારની ફિલ્મ સાઇન કરી

દિવંગત એક્ટર ઈરફાન ખાનના દીકરા બાબિલે અધવચ્ચે જ પોતાની કોલેજ છોડવાનો નિર્ણય કર્યો છે. તે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાંથી ફિલ્મનો કોર્સ કરતો હતો. બાબિલે ફિલ્મ સ્કૂલ છોડવા અંગેની માહિતી સો.મીડિયામાં આપી હતી. તેણે કહ્યું હતું કે હવે તે માત્ર એક્ટિંગ પર ફોકસ કરવા માગે છે. આથી જ તેણે ફિલ્મ કોર્સ અધવચ્ચે છોડવાનો નિર્ણય લીધો છે. બાબિલે પોતાના કોલેજના મિત્રોને પણ યાદ કર્યા હતા.

હું મારું ફિલ્મ BA વચ્ચે જ છોડી રહ્યો છું
બાબિલ ખાને કોલેજના દિવસોમાં વીડિયો કેમેરા હેન્ડલ કરતો હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મારા પ્રેમાળ મિત્રોની મને ઘણી જ યાદ આવશે. મુંબઈમાં મારે વધારે મિત્રો નથી. કુલ મળીને માંડ 2-3 હશે. તમે બધાએ મને હુંફ આપી, ઘર આપ્યું અને મને એ ફીલ કરાવ્યું કે હું તમારો જ છું. થેંક્યુ. લવ યુ. હું આજે મારું ફિલ્મ BA અધવચ્ચે જ છોડી રહ્યો છું. આના 120થી વધુ કારણો છે, તેમાંથી સૌથી મોટું કારણ એ કે હવે હું ભવિષ્યમાં મારું પૂરું ફોકસ એક્ટિંગ પર જ કરવા માગું છું. ગુડબાય યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર. હું તને ઘણો જ પ્રેમ કરું છું. મારા સૌથી પાક્કા મિત્રો.' ઉલ્લેખનીય છે કે બાબિલ અહીંયા ત્રણ વર્ષનો ફિલ્મ BAનો કોર્સ કરતો હતો.

સો.મીડિયામાં બાબિલ ખાનની પોસ્ટ
સો.મીડિયામાં બાબિલ ખાનની પોસ્ટ

અનુષ્કા શર્માની 'કાલા'થી ડેબ્યૂ કરશે
અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'કાલા'થી બાબિલ ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી જોવા મળશે. તૃપ્તિ આ પહેલાં 'લૈલા મજનૂ' સહિત ઘણી ફિલ્મમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે અનુષ્કાની ફિલ્મ 'બુલબુલ'માં પણ તૃપ્તિ મહત્ત્વના રોલમાં જોવા મળી હતી. 'કાલા'માં સ્વસ્તિકા મુખર્જી પણ લીડ રોલમાં જોવા મળશે.

શૂજિત સરકારની ફિલ્મ પણ કરશે
હાલમાં જ બાબિલે ડેબ્યૂ ફિલ્મ બાદ અન્ય એક ફિલ્મ સાઇન કરી હોવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મને શૂજિત સરકાર ડિરેક્ટ કરશે. ઉલ્લેખનીય છે કે શૂજિતે આ પહેલાં બાબિલના પિતા ઈરફાન ખાન સાથે 'પીકુ'માં કામ કર્યું હતું. ફિલ્મમાં દીપિકા તથા અમિતાભ મહત્ત્વના રોલમાં હતાં.

અન્ય સમાચારો પણ છે...