વાઇરલ વીડિયો:'બાહુબલી' ફૅમ એક્ટ્રેસ તમન્ના ભાટિયાના બૉડીગાર્ડે રિપોર્ટર્સ પર હુમલો કર્યો

હૈદરાબાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ-સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલમાં ફિલ્મ 'બબલી બાઉન્સર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. હાલમાં જ એક્ટ્રેસ ફિલ્મના ડિરેક્ટર મધુર ભંડારકર સાથે હૈદરાબાદમાં ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. અહીંયા એક્ટ્રેસના બાઉન્સર્સે મીડિયા પ્રતિનિધિઓ પર હુમલો કર્યો હતો.

શું હતી ઘટના?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસ તથા મધુર ભંડારકર હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં આવી હતી. અહીંયા તેલુગુ મીડિયાના રિપોર્ટર્સ તથા ફોટો જર્નલિસ્ટ આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીત બાદ તમન્ના સ્ટૂડિયોમાંથી જતી હતી. આ સમયે કેટલાંક ફોટો જર્નલિસ્ટે તસવીરો લેવાનો તથા તેને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને તમન્ના સાથે આવેલા બાઉન્સર્સે જર્નલિસ્ટ પર હુમલો કર્યો હતો. બાઉન્સર્સે કચરાપેટી ઉપાડીને ફોટો જર્નલિસ્ટને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં બે કેમેરામેન ઘાયલ થયા છે. રિપોર્ટર્સ આ ઘટનાથી ગુસ્સે ભરાયા હતા.

ટીમે અંતે માફી માગી
આ ઘટના બાદ રિપોર્ટર્સ પોલીસ ફરિયાદ કરવાનું વિચારતા હતા. જોકે, સ્ટૂડિયોના સંચાલક તથા ફિલ્મની ટીમે માફી માગી હતી. ત્યારબાદ મીડિયા અને ફિલ્મની ટીમ વચ્ચે સમાધાન થયું હતું.

ફિલ્મ ત્રણ ભાષામાં રિલીઝ થશે
'બબલી બાઉન્સર' 23 સપ્ટેમ્બર, 2022ના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મમાં તમન્ના ભાટિયા, અભિષેક બજાજ. સાહિલ વૈદ્ય, સાનંદ વર્મા, સૌરભ શુક્લા છે. ફિલ્મમાં બબલી (તમન્ના ભાટિયા) નામની યુવતી ફતેહપુર નામના નાના શહેરમાંથી દિલ્હી નોકરી માટે આવે છે. અહીંયા તે બાઉન્સર બની જાય છે. ફિલ્મને મધુર ભંડારકરે ડિરેક્ટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...