શેટ્ટી પરિવારમાં ઢોલ ઢબૂકશે:અથિયા-કેએલ રાહુલ લક્ઝુરિયસ હોટલને બદલે સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં ફેરા ફરશે

મુંબઈ25 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલનાં લગ્ન ટૉક ઑફ ધ ટાઉન છે. બંનેનાં લગ્નની ચર્ચા ખાસ્સા સમયથી થઈ રહી છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, અથિયા તથા રાહુલ કોઈ લક્ઝુરિયસ હોટલમાં લગ્ન કરવાનાં નથી, પરંતુ બંને સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલો જહાનમાં ફેરા ફરશે.

હાલમાં લિવ-ઇનમાં રહે છે
અથિયા તથા રાહુલ બાંદ્રાના દરિયાકિનારે આવેલા એપાર્ટમેન્ટમાં લિવ-ઇનમાં રહે છે. લગ્નની ફાઇનલ ડેટ કેએલ રાહુલના વર્ક શેડ્યૂલને આધારે નક્કી થશે. હાલમાં જ વેડિંગ ઓર્ગેનાઇઝર્સે બંગલાની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે અથિયા-રાહુલનું સી ફેસિંગ ઘર 4 BHKનું અને બિલ્ડિંગના આઠમા માળે છે. મહિને 10 લાખ રૂપિયા ભાડું છે.

સંબંધીઓ-મિત્રોને સમય ફાળવવાનું કહ્યું
અથિયા તથા રાહુલે પોતાના નિકટના મિત્રો તથા સંબંધીઓને ડિસેમ્બર એન્ડથી લઈ જાન્યુઆરીના ફર્સ્ટ વીક સુધીનો સમય ફાજલ રાખવાનું કહેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અથિયા તથા રાહુલ આ સમય દરમિયાન લગ્ન કરશે.

સંબંધો ઓફિશિયલ ક્યારે કર્યા?
રાહુલે અહાન શેટ્ટીની ફિલ્મ 'તડપ'ના પ્રીમિયર સમયે અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. બંને પ્રીમિયરમાં હાથોમાં હાથ નાખીને આવ્યા હતા. બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે.

અથિયા પ્રેમી રાહુલ સાથે જર્મની ગઈ હતી
થોડા સમય પહેલાં રાહુલ સર્જરી માટે જર્મની ગયો હતો. આ સમયે અથિયા પણ તેની સાથે ગઈ હતી. 30 વર્ષીય રાહુલે હર્નિયાની સર્જરી કરાવી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અથિયા છેલ્લે 2019માં ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી. ચર્ચા છે કે અથિયા શેટ્ટી હવે વેબસિરીઝમાં જોવા મળશે.