50 કરોડનું એપાર્ટમેન્ટ, 2.17 કરોડની કાર:લગ્ન બાદ અથિયા-કેએલ રાહુલને મોંઘી ભેટ મળી, સલમાન ખાનથી લઈ વિરાટ કોહલીએ કરોડોની ગિફ્ટ્સ આપી

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલે 23 જાન્યુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મિત્રો તથા સંબંધીઓએ નવદંપતીને મોંઘી મોંઘી ગિફ્ટ્સ આપી છે. સુનીલ શેટ્ટીએ દીકરી-જમાઈ માટે મુંબઈમાં 50 કરોડનો ફ્લેટ લીધો છે.

સુનીલ શેટ્ટીના ખાસ મિત્ર સલમાન ખાને અથિયાને 1.64 કરોડની ઑડી કાર ગિફ્ટમાં આપી છે. જેકી શ્રોફ તથા અર્જુન કપૂરે પણ અથિયા-રાહુલને મોંઘી ભેટ આપી છે.

અર્જુને ડાયમંડ બ્રેસ્લેટ આપ્યું
સૂત્રોના મતે, અથિયાના ખાસ મિત્ર તથા એક્ટર અર્જુન કપૂરે 1.5 કરોડનું ડાયમંડ બ્રેસ્લેટ આપ્યું છે. જેકી શ્રોફે અથિયાને 30 લાખની વૉચ આપી છે.

વિરાટ-ધોનીએ કાર-બાઇક આપી
અથિયા ઉપરાંત રાહુલને પણ મોંઘી ગિફ્ટ્સ મળી છે. રાહુલના નિકટના મિત્ર વિરાટ કોહલીએ 2.17 કરોડની BMW કાર ગિફ્ટમાં આપી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 80 લાખની કાવાસાકી નિંજા બાઇક ભેટ કરી છે.

23 જાન્યુઆરીએ લગ્ન થયા
લગ્નમાં નિકટના પરિવારના સભ્યો તથા મિત્રો હાજર રહ્યા હતા. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર, અંશુલા કપૂર, જેકી શ્રોફની દીકરી ક્રિષ્ના શ્રોફ, અનુષ્કા રંજન, ક્રિકેટર ઈશાંત શર્મા, એક્ટ્રેસ ડિઆના પેન્ટી લગ્નમાં સામેલ થયાં હતાં. અથિયા તથા કેએલ રાહુલનાં લગ્ન પૂરાં થયાં એટલે તરત જ સુનીલ શેટ્ટી દીકરા અહાન સાથે મીઠાઈનાં બોક્સ લઈને બહાર આવ્યો હતો. અહીં સુનીલ શેટ્ટીએ ફોટોગ્રાફર્સ તથા મીડિયા પર્સનને મીઠાઈ વહેંચી હતી. મીડિયા સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે લગ્ન ઘણા જ સારી રીતે સંપન્ન થયા. તે હવે ઑફિશિયલી ફાધર ઇન લૉ બની ગયો છે.

IPL પછી રિસેપ્શન યોજાશે
બંનેનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. સૂત્રોના મતે, લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનને આમંત્રણ આપ્યું છે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.

દીકરી-જમાઈને આશીર્વાદ આપ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અથિયા અને કેએલ રાહુલના લગ્નની વિધિ શરૂ થઈ ત્યારે સુનીલ શેટ્ટી એકદમ ભાવુક થઈ ગયો હતો. જ્યારે બંનેએ ફેરા ફરવાની શરૂઆત કરી એ સમયે સુનીલ શેટ્ટી રડી પડ્યો હતો. સો.મીડિયામાં સુનીલ શેટ્ટીએ લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'પ્રેમ તથા વિશ્વાસની સાથે યોગ્ય વ્યક્તિનો હાથ પકડવો હંમેશાં યોગ્ય હોય છે. કોઈપણ સંબંધોને સાચવવા માટે પ્રેમ તથા વિશ્વાસ જરૂરી છે. તમને બંનેને અઢળક શુભેચ્છા. ભગવાન તમને આશીર્વાદ આપે.'

અન્ય સમાચારો પણ છે...