સાઉથની નેશનલ અવૉર્ડ વિનિંગ ફિલ્મ 'સોરારઈ પોટરુ'માં જોવા મળેલી એક્ટ્રેસ અપર્ણા બાલામુરલીની સાથે એક ચાહકે અભદ્ર વર્તન કર્યું હતું. અપર્ણા નવી ફિલ્મ 'થેંકમ'ના પ્રમોશન માટે કેરળની લૉ કોલેજ આવી હતી. આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થશે.
અહીંયા એક વ્યક્તિ અપર્ણા પાસે ફોટો ક્લિક કરાવવા આવ્યો હતો. ફોટો ક્લિક કરાવતા સમયે તે વ્યક્તિએ અપર્ણાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ દરમિયાન એક્ટ્રેસ ઘણી જ અસહજ જોવા મળી હતી અને તરત જ તે વ્યક્તિથી દૂર ખસી ગઈ હતી.
અપર્ણાના ચહેરાના હાવભાવ બદલાયા
સો.મીડિયામાં અપર્ણાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે તે વ્યક્તિ જાણી જોઈને એક્ટ્રેસની નિકટ જવાનો પ્રયાસ કરે છે. અપર્ણા ઇવેન્ટમાં ખુરશીમાં બેઠી હોય છે અને તે વ્યક્તિ ચાલીને આવે છે અને ફોટો ક્લિક કરાવવાનું કહે છે. ફોટો ક્લિક કરાવતા સમયે તે વ્યક્તિ અપર્ણાના ખભા પર હાથ મૂકે છે અને પછી પીઠ પર હાથ ફેરાવવા લાગે છે. અપર્ણાને તે વ્યક્તિની હરકત સહેજ પણ ગમી નહોતી અને તે દૂર થવાનો પ્રયાસ કરે છે. જોકે, પછી તે વ્યક્તિ હાથ જોડીને માફી પણ માગે છે.
સો.મીડિયા યુઝર્સ ગુસ્સે થયા
સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં યુઝર્સ રોષે ભરાયા હતા અને તે વ્યક્તિની હરકત પર નારાજગી વ્યક્ત કરી હતી. તમામ યુઝર્સે કહ્યું હતું કે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ એક્ટ્રેસ સાથે કેવી રીતે વર્તન કરવું. ચાહકોએ ફોટો ક્લિક કરાવતી વખતે ક્યારેય પોતાની સીમાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં.
નેશનલ અવૉર્ડ વિનર છે
26 વર્ષીય અપર્ણા બાલામુરલીએ તમિળ, તેલુગુ તથા મલયાલમ ફિલ્મમાં કામ ક્રયું છે. 2020માં આવેલી તમિળ ફિલ્મ 'સોરારઈ પોટરુ' માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મ બાદ અપર્ણા આખા દેશમાં લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મમાં લીડ રોલમાં સૂર્યા હતો. નેશનલ અવૉર્ડની જીતને અપર્ણા પોતાના જીવનનો ટર્નિંગ પોઇન્ટ માને છે. અપર્ણા છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'કાપા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન હતો.
ડાન્સર તથા સિંગર પણ છે
એક્ટ્રેસ હોવાની સાથે સાથે અપર્ણા પ્લેબેક સિંગર પણ છે. આ ઉપરાંત તે ડાન્સિંગમાં પણ માહિર છે. તેણે અનેક ટ્રેડિશનલ ડાન્સ ફોર્મ્સમાં ટ્રેનિંગ લીધી છે. તેને ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટમ તથા કુચિપુડી જેવા ક્લાસિકલ ડાન્સ આવડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.