ટીઝર રિલીઝ થતાં જ વિવાદ:અનુષ્કાની 'ચકડા એક્સપ્રેસ'નું ટીઝર રિલીઝ થતાં જ નેટફ્લિક્સ પર પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા સહિત યુઝર્સ રોષે ભરાયા

મુંબઈ12 દિવસ પહેલા
  • અનુષ્કા શર્માની આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'ની જાહેરાત આજે, 6 જાન્યુઆરીના રોજ કરવામાં આવી છે. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં ફિલ્મનું પહેલું ટીઝર શૅર કર્યો છે. 'ચકડા એક્સપ્રેસ' ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન તથા ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. આ ફિલ્મથી અનુષ્કા ત્રણ વર્ષ બાદ કમબેક કરી રહી છે.

નેટફ્લિક્સે ઝૂલનને ટૅગ ના કરી
નેટફ્લિક્સે પોતાના ઑફિશિયલ સો.મીડિયા અકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. કેપ્શનમાં લખ્યું હતું, 'HOWZZTની બૂમો પાડવાનો સમય આવી ગયો છે, કારણ કે અમે અનુષ્કા શર્માને 'ચકડા એક્સપ્રેસ'માં ઝૂલન ગોસ્વામીની જેમ વિકેટ પાડતાં જોવા માટે ઉત્સાહી છીએ.' આ ફિલ્મને પ્રોસિત રોયે ડિરેક્ટ કરી છે અને અનુષ્કા શર્મા તથા ભાઈ કર્નેશ શર્માએ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં અનુષ્કાની સાથે અભિષેક બેનર્જી પણ જોવા મળશે.

યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું
આ પોસ્ટમાં અનુષ્કા શર્મા, ફિલ્મના પ્રોડ્યૂસર્સ, ડિરેક્ટરને ટૅગ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ ઝૂલન ગોસ્વામી પર આધારિત છે અને નેટફ્લિક્સે તેને જ ટૅગ કરી નહોતી. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા સહિત સો.મીડિયા યુઝર્સે નેટફ્લિક્સને ખરું-ખોટું સંભળાવ્યું હતું.

ક્રિકેટર આકાશ ચોપરાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરતાં કહ્યું હતું, 'ડિયર નેટફ્લિક્સ, ઝૂલન ગોસ્વામીનું ટ્વિટર હેન્ડલ @jhulanG10 છે. તેને ટૅગ કરવા માટે તમે પૂરી રીતે ફ્રી છો. આ ફિલ્મ તેના પર જ આધારિત હોય તેમ લાગે છે.'

એક યુઝરે કહ્યું હતું, 'ઝૂલન ગોસ્વામીને ટૅગ કરવામાં મોત આવે છે કે શું?' અન્ય એકે કહ્યું હતું, 'અસલી ઝૂલનને ટૅગ કરી દો.'

ઝૂલનની કરિયરની વાત કરીએ તો તેણે 192 વનડે મેચમાં 240 વિકેટ લીધી છે, જ્યારે 12 ટેસ્ટ મેચમાં 44 વિકેટ ઝડપી છે. ઝૂલને 56 ટી-20 ઇન્ટરનેશનલ વિકેટ પણ લીધી છે.