ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:લોકઅપમાં પિતાને જોતાં જ આર્યન ધ્રુસકે ધ્રુસકે રડ્યો; ગૌરી ખાન દીકરા માટે મેકડોનાલ્ડનાં બર્ગર લઈને આવી, પણ NCBએ ખાવા ના દીધા

મુંબઈ2 મહિનો પહેલા
 • આર્યન ખાનનો ફોન ગાંધીનગર ફોરેન્સિક લેબમાં, NCBને મોબાઇલમાંથી અનેક સુરાગ મળ્યા
 • 7 ઓક્ટોબર સુધી આર્યન ખાન NCBની કસ્ટડીમાં છે

આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ વધુ 8 લોકોની ધરપકડ કરી છે, જેમાં દિલ્હીની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 4 હાઇ પ્રોફાઇલ આયોજકો સામેલ છે. આ કંપનીને 2-4 ઓક્ટોબર સુધી ક્રૂઝમાં યોજાયેલી પાર્ટી કરવાની જવાબદારી સોંપી હતી. આ ઉપરાંત મંગળવાર (5 ઓક્ટોબર)ના રોજ અન્ય 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક આર્યનનો મિત્ર તથા એક ડ્રગ-પેડલર સામેલ છે.

શાહરુખને જોતાં જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો આર્યન
ન્યૂઝ એજન્સી ' IANS'ના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાને NCBની સ્પેશિયલ પરમિશન લઈને દીકરાને લોકઅપમાં મળ્યો હતો. પિતા શાહરુખને જોતાં જ આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. શાહરુખ થોડીક જ મિનિટ માટે દીકરાને મળી શક્યો હતો.

ગૌરી ખાન બર્ગર લઈને આવી
દીકરાની તબિયત અંગે ચિંતિત ગૌરી ખાન ગઈકાલ સવારે (પાંચ ઓક્ટોબર) દીકરા માટે મેકડોનાલ્ડનાં બર્ગર લઈને આવી હતી. જોકે NCB અધિકારીઓએ બર્ગરનાં પેકેટ્સ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આરોપીઓને ઘરનું ભોજન ખાવાની લકઝરી નથી.

NCBએ અત્યારસુધી 16 લોકોની ધરપકડ કરી છે. આજે (6 ઓક્ટોબર) આર્યનને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અન્ય લોકોની સામે પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના મતે, NCBને આર્યનના ફોનમાંથી મહત્ત્વના સુરાગ મળ્યા છે.

NCBએ આર્યનનો ફોન ફોરેન્સિકમાં મોકલ્યો
પુરાવા જમા કરાવવા માટે NCBએ આર્યનના ફોનનું ક્લોનિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. NCBના અધિકારીઓને વ્હોટ્સએપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની માહિતી મળી છે, જેમાં આપત્તિજનક તસવીરો છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં તપાસ બાદ આ ફોનમાંથી વધુ રહસ્યો ઉજાગર થાય એવી આશા છે. આર્યન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં છે.

આર્યન ખાનને અન્ય આરોપીઓની જેમ ભોજન આપ્યું
આર્યન હાલમાં NCB લોકઅપમાં છે. તેણે કેટલીક સાયન્સની બુક માગી હતી અને અધિકારીઓએ આપી હતી. આર્યન માટે NCB ઓફિસ પાસે બનેલી નેશનલ હિંદુ રેસ્ટોરાંમાંથી ભોજન લેવામાં આવ્યું છે.

મુંબઈના વર્સોવા વિસ્તારમાંથી વધુ એક ડ્રગ-પેડલરની ધરપકડ
NCBએ આજે (6 ઓક્ટોબર) સવારે મુંબઈના વર્સોવા વિસ્તારમાંથી વધુ એક ડ્રગ-પેડલરની ધરપકડ કરી છે. શ્રેયસ નાયરે આ અંગેની માહિતી આપી હતી.

આ 12 આરોપી NCBની કસ્ટડીમાં છે

 1. આર્યન ખાન
 2. મુનમુન ધામેચા
 3. અરબાઝ મર્ચન્ટ
 4. ઇસમીત સિંહ
 5. મોહત જયસ્વાલ
 6. ગોમિત ચોપરા
 7. વિક્રાંત છોકર
 8. નૂપુર સારિકા
 9. અબ્દુલ કાદિર શેખ
 10. શ્રેયસ નાયર
 11. મનીષ રાજગરિયા
 12. અવિન સાહુ

'મન્નત'ની બહાર ચાહકોએ પોસ્ટર્સ લગાવ્યાં

આર્યનની ધરપકડ બાદ માત્ર સો.મીડિયામાં જ નહીં, પરંતુ શાહરુખના બંગલે મન્નતની બહાર ચાહકો ઊમટ્યા હતા અને તેમણે બેનર્સ લગાવ્યાં હતાં. એક હોર્ડિંગમાં લખવામાં આવ્યું હતું, 'આ દુનિયાના દરેક ખૂણામાં રહેલા તમારા ચાહકો તમને કોઈપણ જાતની શરત વગર પ્રેમ કરે છે. આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ.'