આર્યનને જામીન નહીં:શાહરુખનો દીકરો હજી 2 દિવસ જેલમાં જ રહેશે, NCBએ જવાબ દાખલ કરવા સમય માગ્યો, 13 ઓક્ટોબરે સુનાવણી

મુંબઈ5 દિવસ પહેલા
  • શાહરુખ ખાનનો દીકરો 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે

શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર આજે (11 ઓક્ટોબર) સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અને કોર્ટે સુનાવણી 13 ઓક્ટોબરના રોજ કરવાનો આદેશ આપ્યો છે, એટલે કે શાહરુખનો દીકરો આર્યન હજી બે દિવસ માટે જેલમાં જ રહેશે. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ 9 ઓક્ટોબરના રોજ શનિવારે જામીન અરજી દાખલ કરી હતી. સલમાનના હિટ એન્ડ રન કેસમાં સલમાનનો કેસ લડનારા સીનિયર વકીલ અમિત દેસાઈએ કોર્ટમાં આર્યન તરફથી દલીલો કરી હતી. નોંધનીય છે કે ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનનો દીકરો 2 ઓક્ટોબરથી આઠ ઓક્ટોબરની બપોર સુધી NCB લૉકઅપમાં હતો અને ત્યાર બાદથી તે આર્થર રોડ જેલમાં છે. 8 ઓક્ટોબરે કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી.

કોર્ટ રૂમમાં શું થયું?
કોર્ટમાં દેસાઈએ કહ્યું હતું કે આ કેસમાં આર્યન એક માત્ર એવી વ્યક્તિ છે, જેની પાસેથી કોઈ રિકવરી થઈ નથી. દેસાઈની આ દલીલ બાદ NCBએ કોર્ટમાં જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો છે. NCBના વકીલ ચિમેલકરે કહ્યું હતું, સામાન્ય રીતે NCBને જવાબ દાખલ કરવામાં એક અઠવાડિયાનો સમય લાગે છે. દેસાઈ જે તથ્યોની વાત કરે છે, તે સાચા નથી. અમે તપાસના ડોક્યુમેન્ટ્સ રેકોર્ડમાં મૂકીશું. મને ઓછામાં ઓછા 2-3 દિવસનો સમય આપો.

આર્યન તથા NCBના વકીલ વચ્ચે ઉગ્ર દલીલો
આર્યનના વકીલ દેસાઈએ દલીલ કરી હતી કે શુક્રવારે જે જામીન અરજી દાખલ થયા બાદ NCB પાસે જવાબ આપવા માટે 2 દિવસનો સમય હતો. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં જોઈ શકાય છે કે તે સતત ધરપકડ કરે છે. આના પર NCBના બીજા વકીલ સેતનાએ કહ્યું હતું કે આ કેસમાં કોઈ એજન્સી નથી. અમને જામીન અરજી ગઈ કાલે જ મળી હતી. આથી અમે 2 દિવસનો સમય માગ્યો છે. તે યોગ્ય છે. સામન્ય રીતે અમે 7 દિવસનો સમય માગતા હોઈએ છીએ.

આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આ નોર્મલ કેસ નથી, પરંતુ કોર્ટે આગામી સુનાવણી 13 ઓક્ટબોરના રોજ બપોરે 2.45 વાગે કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટમાં સતીશ માનશિંદે શાહરુખની મેનેજર પૂજા સાથે
કોર્ટમાં સતીશ માનશિંદે શાહરુખની મેનેજર પૂજા સાથે

10 ઓક્ટોબર, રવિવારે આ કેસમાં 20મી ધરપકડ થઈ
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBએ ગોરેગાંવથી બીજા વિદેશ નાગરિકની ધરપરડ કરી હતી. તપાસ એજન્સીને તેની પાસેથી મોટા પ્રમાણમાં કોકેન મળી આવ્યું હતું. આ નાગરિક નાઇજીરિયાનો છે. તેનું નામ ઓકારો ઔઝામા છે. અત્યાર સુધી આ કેસમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.​​

આર્યનને જામીન આપી દેવા જોઈએઃ વકીલ રિઝવાન મર્ચન્ટ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સંજય દત્ત તથા કંગનાના વકીલ રહી ચૂકેલા રિઝવાન મર્ચન્ટે કહ્યું હતું કે આર્યનને જામીન આપી દેવા જોઈએ, કારણ કે તપાસ ચાલુ રહી શકે તેમ છે અને આર્યન તપાસ માટે હંમેશાં હાજર રહી શકે છે. NCBની રચના ડ્રગ્સની નાની-નાની પડીકીઓ પકડવા માટે કરવામાં આવી નહોતી, પરંતુ હજાર-હજાર કિલોના કસાઇનમેન્ટ પકડવા માટે થઈ છે. NCBમાં હિંમત નથી કે તે ડ્રગ્સના મગરમચ્છની પાછળ બેઠેલા હાથીઓને જુએ.

આર્યન પરની કલમો બિન જામીન પાત્ર છેઃ વકીલ ચંગેઝ ખાન
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં દીવાન લૉ ફર્મના વકીલ ચંગેઝ ખાનના મતે, આર્યન પર બિન જામીનપાત્ર કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે, કારણ કે કેસ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ) સ્પેશ્યિલ એક્ટનો છે અને આ બિન જામીનપાત્ર છે. આ કેસમાં ભલે ડ્રગ્સની કમર્શિયલ ક્વૉન્ટિટી ના મળી હોય, પરંતુ જામીન રદ્દ થઈ શકે છે, જે રીતે રિયા ચક્રવર્તીના કેસમાં થયું હતું. આમ તો જામીન એક જ દિવસમાં મળી જાય છે, પરંતુ જ્યારે જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવે છે તો કોર્ટ તપાસ એજન્સી પાસે રિપોર્ટ માગી શકે છે. તપાસ એજન્સી કોર્ટને રિપોર્ટ આપવા બંધાયેલી છે અને તે માટે NCB સમય માગી શકે છે. જોકે, NCB વધુ દિવસ સુધી આ રિપોર્ટ ટાળી શકે નહીં. જ્યાં સુધી NCB કોર્ટમાં આ રિપોર્ટ ફાઇલ કરતી નથી, ત્યાં સુધી આરોપીને જામીન મળી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે આર્યન ખાન પર NDPSની કલમ 8 (c), 20 (b), 27, 28, 29 તથા 35 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

2 ઓક્ટોબરે અટકાયત કરવામાં આવી હતી
NCBએ ક્રૂઝ પર 2 ઓક્ટોબરે દરોડા પાડીને આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરી હતી. કલાકોની પૂછપરછ બાદ ત્રીજી ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી અને હોલીડે કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. ચોથી ઓક્ટોબરે કોર્ટે આર્યન સહિત 8 આરોપીના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી વધારી આપ્યા હતા. 7 ઓક્ટોબરના રોજ આઠેય આરોપીઓને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી પર મોકલવામાં આવ્યા હતા. 8 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી પર ચીફ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ આર એમ નેર્લિકરે જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જામીન માત્ર સેશન્સ કોર્ટ આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...