ડેડીની હરકત પર દીકરાનો ગુસ્સો:અબ્બુજાનને ફોટો પડાવવો હતો, આર્યન ખાનના મિત્ર અરબાઝે ફોટોગ્રાફર્સની સામે માથું કૂટ્યું

મુંબઈ6 મહિનો પહેલા
  • NCB ઓફિસમાં હાજરી પૂરાવીને બહાર આવતા અરબાઝ મર્ચન્ટનો વીડિયો વાઇરલ

ડ્રગ્સ કેસને કારણે આર્યન ખાનની સાથે સાથે તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ પણ ચર્ચામાં આવ્યો છે. બંનેને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. બોમ્બે હાઇકોર્ટે જામીન આપતી વખતે આદેશ આપ્યો હતો કે તેઓ દર શુક્રવારે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસમાં 11થી 2ની વચ્ચે હાજરી પૂરાવશે. હાલમાં જ અરબાઝ મર્ચન્ટ પિતા અસલમ મર્ચન્ટ સાથે NCBની ઓફિસ આવ્યો હતો. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે અરબાઝના પિતા અસલમ મર્ચન્ટ વકીલ છે.

NCB ઓફિસની બહારનો વીડિયો
NCBની ઓફિસમાં આર્યન ખાન આવવાનો હોવાથી મીડિયાની ભીડ જોવા મળી હતી. અરબાઝ પિતા સાથે NCBની ઓફિસમાંથી બહાર આવ્યો હતો. આ દરમિયાન ફોટોગ્રાફર્સ અરબાઝનો ફોટો ક્લિક કરવા માગતા હતા. અરબાઝના પિતા પહેલેથી જ બહાર ઊભા હતા. આ દરમિયાન જ્યારે અરબાઝ ઓફિસની બહાર આવે છે તો તેના પિતા તેને અટકાવે છે અને ફોટો ક્લિક કરાવવાનો આગ્રહ કરે છે.

અરબાઝ ગુસ્સે થઈ જાય છે
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પિતાની આ વાત સાંભળીને અરબાઝ થોડો સ્ટ્રેસમાં આવી જાય છે. તે કારમાં બેસવા જાય છે, પરંતુ પિતા વારંવાર પોઝ આપવાની વિનંતી કરતા હોવાથી તેમની વાત માની લે છે. તે થોડીક સેકન્ડ માટે ઊભો પણ રહે છે, પરંતુ તેને આ ઘણું જ ઓકવર્ડ લાગે છે. તે આનો વિરોધ કરે છે અને તરત જ પિતા અસલમ ખાનને ગુસ્સામાં આવીને કહે છે, 'સ્ટોપ ઇટ ડેડ.' ફોટોગ્રાફર્સની સામે અરબાઝ માથું પણ પકડી લે છે.

વીડિયો વાઇરલ
સો.મીડિયામાં અરબાઝનો આ વીડિયો ઘણો વાઇરલ થયો છે. મોટાભાગના યુઝર્સને આ વીડિયો ઘણો જ ફની લાગ્યો છે. કેટલાંક યુઝર્સ માની રહ્યા છે કે અરબાઝે પિતાનું માન જાળવવું જોઈએ. અસલમ મર્ચન્ટનો અંદાજ યુઝર્સને ગમી ગયો હતો. તમામે તેમને કૂલ ડેડ કહ્યાં હતાં. એક યુઝરે કહ્યું હતું, 'ડેડી કૂલનો અવોર્ડ તો આમને જ મળવો જોઈએ.' કેટલાંક યુઝર્સે તેમને ચિલ ફાધર કહ્યા તો કેટલાંકે એમ કહ્યું કે દેસી ઇન્ડિયન પેરેન્ટ્સ આવા જ હોય છે. કેટલાંક યુઝર્સે અરબાઝ મર્ચન્ટના પોઇન્ટ ઓફ વ્યૂની વાત કરી હતી અને પિતાની હરકતને ઇરિટેટિંગ ગણાવી હતી.

આર્યન ખાન પણ આવ્યો હતો
અરબાઝ કારમાં બેસીને ગયો તેની થોડીક જ મિનિટ બાદ આર્યન ખાન NCBની ઓફિસમાં હાજરી પૂરાવવા માટે આવ્યો હતો. નોંધનીય છે કે આર્યન ખાન 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતાં કૉર્ડેલિયા શિપમાં મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. અહીંયા NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ આર્યન ખાન-અરબાઝ મર્ચન્ટ સહિત 8 લોકોની અટકાયત કરી હતી. 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનની જામીન અરજી મંજૂર કરી હતી અને તે 30 ઓક્ટોબરે જેલની બહાર આવ્યો હતો.