આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટ્વિસ્ટ:કેપી ગોસાવીના બૉડીગાર્ડનો દાવો- 18 કરોડમાં ડીલ થઈ હોવાની વાત સાંભળી હતી, NCBએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
NCBની ઓફિસમાં કિરણ ગોસાવી તથા આર્યન ખાન
  • કેપી ગોસાવીના બૉડીગાર્ડે કહ્યું, 'NCBએ કોરા 10 કાગળો પર સહી કરાવી હતી'
  • શિવસેના તથા NCPએ આ ઘટસ્ફોટ બાદ પ્રતિક્રિયા આપી છે
  • હંસલ મહેતાએ કહ્યું, સમીર વાનખેડે રાજીનામું આપે
  • સાક્ષીનો દાવો - કુલ 18 કરોડમાંથી 8 કરોડ રૂપિયા વાનખેડેને આપવાનું નક્કી થયું, 10 કોરા કાગળો પર સહી કરાવી હતી
  • ક્રૂઝ ડ્રગ્સ કેસ નોટરાઇઝ્ડ સોગંદનામા દ્વારા સાક્ષીએ આક્ષેપો કર્યા, પૈસા માટે સ્ટારપુત્રને ફસાવાયાનો આક્ષેપ

બહુચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો)ના સ્વતંત્ર સાક્ષીએ આવે દાવો કર્યો છે કે આર્યન ખાનને છોડવા માટે એનસીબીના જ અધિકારીઓે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની માગણી કરી હતી.

પ્રભાકર સેલ નામના આ સાક્ષીએ એવો આક્ષેપ કર્યો છે કે એનસીબીના એક અધિકારી અને કેટલાક અન્ય લોકોએ મળીને આર્યનના છુટકારા માટે 25 કરોડ માગ્યા હતા. પ્રભાકરના જણાવ્યા પ્રમાણે આ કેસના અન્ય એક સાક્ષી કે.પી.ગોસાવી અને સેમ ડિસુઝાને 25 કરોડની રકમ અંગે વાત કરતા સાંભળ્યા હતા. તેણે એવી પણ ચર્ચા સાંભળી હતી કે 18 કરોડ રૂપિયામાં સોદો નક્કી થઈ ગયો છે. જેમાંથી 8 કરોડ રૂપિયા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવાનું નક્કી થયું છે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન હાલ આર્થર રોડ જેલમાં છે.

પ્રભાકરે એક વીડિયો પણ રજૂ કર્યો છે. આ વીડિયોમાં ગોસાવી મોબાઇલ ફોન પર આર્યનની કોઈની સાથે વાત કરાવતો દેખાય છે. પ્રભાકરે એનસીબીના અધિકારીઓથી ખતરો હોવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ લોકો સાચી વાત છુપાવવા માટે મારી હત્યા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે છેતરપિંડીના કેસમાં ગોસાવી લાપતા છે. પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ક્રૂઝ ડ્રગ્સ કેસને બોગસ ગણાવી રહ્યા છે.

પ્રભાકરે શું કહ્યું?
'NDTV'ના અહેવાલ પ્રમાણે, પ્રભાકરે આરોપ મૂક્યો છે કે તેણે કેપી ગોસાવી તથા સેમે ડિસોઝા વચ્ચે 25 કરોડ રૂપિયાની વાત થતી સાંભળી હતી. તેણે એમ પણ સાંભળ્યું છે કે 18 કરોડમાં વાત ફાઇનલ થઈ છે. પ્રભાકરે એવો દાવો કર્યો છે કે કેપી ગોસાવી તથા સેમે કથિત રીતે 25 કરોડની ડિમાન્ડ કરી હતી. અંતે ડીલ 18 કરોડમાં ફાઇનલ થઈ હતી, જેમાં 8 કરોડ રૂપિયા NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આપવાની કરી હતી.

વાઇરલ થયેલાં એફિડેવિટના કેટલાંક પાનાં
વાઇરલ થયેલાં એફિડેવિટના કેટલાંક પાનાં

પ્રભાકરે એવો પણ દાવો કર્યો હતો કે ક્રૂઝ પર દરોડા બાદ શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીની સાથે કેપી ગોસાવી તથા સેમ બ્લૂ રંગની મર્સિડિઝ કારમાં એક સાથે 15 મિનિટ સુધી વાત કરતા હતા. ત્યારબાદ ગોસાવીએ તેને ફોન કર્યો હતો અને પંચ બનવા માટે કહ્યું હતું. પ્રભાકર આટલે જ અટક્યો નહોતો, તેણે એવો પણ દાવો કર્યો હતો કે NCBએ 10 સાદા કાગળ પર તેની સહી કરાવી હતી.

50 લાખ રોકડા આપ્યા
પ્રભાકરે વધુમાં કહ્યું હતું કે ગોસાવીએ તેને 50 લાખ રૂપિયા રોકડા ભરેલી બે બેગ આપી હતી. કેપી ગોસાવી 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી મુંબઈ ઇનોવામાં આવ્યો હતો. તેને વાશીમાં રહેવાનું કહ્યું હતું. 1 ઓક્ટોબરની રાત્રે 9.45 વાગે ગોસાવીએ તેને ફોન કરીને બીજી ઓક્ટોબરે સવારે સાડા સાત વાગે તૈયાર રહેવાનું કહ્યું હતું. બીજી ઓક્ટોબરે કેપી ગોસાવીએ 7.35 ફોન કરીને તેના અકાઉન્ટમાં ગૂગલપેથી 500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેણે વ્હોટ્સએપ પર લોકેશન મોકલ્યું હતું અને ત્યાં આવવાનું કહ્યું હતું.

પ્રભાકરના મતે, તે રાત્રે 8.45 વાગે CST (છત્રપતિ શિવાજી ટર્મિનસ) સ્ટેશન આવ્યો હતો અને જ્યારે તેણે વ્હોટ્સએપમાં લોકેશન જોયું તો તે NCBની ઓફિસનું હતું. તે ત્યાં ટેક્સીથી પહોંચ્યો અને તેણે વ્હાઇટ ઇનોવા ઓફિસની બહાર પાર્ક કરેલી જોઈ હતી. તેણે ડ્રાઇવર વિજય સૂર્યવંશીને પૂછ્યું હતું કે કેપી ગોસાવી ક્યાં છે? તો ડ્રાઇવરે જવાબ આપ્યો હતો કે કેપી ગોસાવી NCB ઓફિસની અંદર છે અને અધિકારીઓ સાથે મિટિંગ છે. કેપી ગોસાવી, ડ્રાઇવર તથા NCB સાથે જતા રહ્યા હતા અને તેને ત્યાં રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. પ્રભાકરે પોતાના જીવને જોખમ હોવાનો દાવો કર્યો છે અને તેથી જ તેણે એફિડેવિટ ફાઇલ કરી છે.

વાઇરલ થયેલાં એફિડેવિટના કેટલાંક પાનાં
વાઇરલ થયેલાં એફિડેવિટના કેટલાંક પાનાં

સમીર વાનખેડેએ શું કહ્યું?
એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ 18 કરોડમાં ડીલ થઈ હોવાના સાક્ષી પ્રભાકરના આક્ષેપો અંગે જણાવ્યું હતું કે આરોપો અંગે અમે કડક જવાબ આપીશું. વાનખેડેએ દાવો કર્યો હતો કે એનસીબીની છબી ખરાબ કરવા માટે આવા આક્ષેપો કરાયા છે. એજન્સીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે 2 ઓક્ટોબર પહેલા તેઓ પ્રભાકરને મળ્યા નહોતા. દરમિયાન એનસીબીને આ કેસમાં અન્ય રાજ્યોમાંથી પણ મહત્ત્વની કડીઓ મળી છે. તેથી કેસની તપાસ અન્ય રાજ્યમાં વિસ્તરી શકે છે.

તપાસ એજન્સીની ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ
સૂત્રોએ આરોપ મૂક્યો છે કે માત્ર તપાસ એજન્સીની ઇમેજ ખરાબ કરવા માટે આવા દાવા કરવામાં આવ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે NCB ઓફિસની બહાર CCTV (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન) લાગેલા છે અને ત્યાં આવું કંઈ જ બન્યું નથી.

વાઇરલ થયેલાં એફિડેવિટના કેટલાંક પાનાં
વાઇરલ થયેલાં એફિડેવિટના કેટલાંક પાનાં

ઓફ ધ રેકોર્ડ અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ 2 ઓક્ટોબર પહેલાં પ્રભાકરને ક્યારેય મળ્યા નથી અને તેમને ખ્યાલ નથી કે આ કોણ છે. પ્રભાકરની એફિડેવિટને NDPS (નાર્કોટિક્સ કંટ્રોલ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ, 1985) કોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યાં તેનો જવાબ આપવામાં આવશે.

'આજ તક'ના અહેવાલ પ્રમાણે, પ્રભાકરે કહ્યું હતું કે તેને આ ધરપકડ અંગે કોઈ જ માહિતી નહોતી. જ્યારથી કેપી ગોસાવી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે, ત્યારથી તેને સમીર વાનથેડેથી જીવનું જોખમ છે.

પ્રભાકરના ફોનમાં તસવીરો-વીડિયો
પ્રભાકરે દરોડા દરમિયાન વીડિયો બનાવ્યા હતા અને તસવીરો પણ ક્લિક કરી હતી, જેમાંથી એક વીડિયોમાં ગોસાવીના હાથમાં ફોન છે અને તે સ્પીકર પર છે. તેણે આર્યનની વાત કોઈની સાથે કરાવી હતી. પ્રભાકરના આરોપો બાદ ત્રણ મોટા સવાલો ઊભા થયા છે.

  1. NCBએ કહ્યું છે કે ગોસાવી એક સ્વતંત્ર પંચ છે. તો સ્વતંત્ર પંચ દરોડા તથા ધરપકડમાં કેવી રીતે સાથે જઈ શકે?
  2. ગોસાવીના ફોન પર આર્યને કોની સાથે વાત કરી? બંને વચ્ચે શું વાતચીત થઈ?
  3. સેમ ડિસોઝા કોણ છે?

સંજય રાઉતે કહ્યું, સાક્ષીની વાત ચોંકાવનારી
શિવસેનાના લીડર સંજય રાઉતે કહ્યું હતું, 'આર્યન ખાન કેસમાં સાક્ષી પાસે NCB કોરા કાગળ પર સહી કરાવે તે ખરેખેર શોકિંગ છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે મોટી રકમ માગવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલેથી જ કહ્યું હતું કે આ કેસ મહારાષ્ટ્રની ઇમેજ ખરાબ કરવા માટે ઊભો કરવામાં આવ્યો છે. હવે આ વાત સાચી સાબિત થઈ રહી છે. સંજય રાઉતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે તથા મહારાષ્ટ્ર પોલીસને ટૅગ કરીને આ કેસમાં પોલીસે જાતે સુઓ મોટોની અરજી કરવી જોઈએ તેમ કહ્યું હતું.

નવાબ મલિકે કહ્યું, સત્યની જીત થશે
મહારાષ્ટ્રના મંત્રી તથા NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા નવાબ મલિકે કહ્યું હતું, 'સત્યનો વિજય થશે, સત્યમેવ જયતે.'

હંસલ મહેતાએ કહ્યું, સમીર વાનખેડે રાજીનામું આપે

બોલિવૂડ ડિરેક્ટર હંસલ મહેતાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'સમીર વાનખેડેએ જ્યાં સુધી ગંભીર આરોપો ફગાવવામાં નથી આવતા ત્યાં સુધી રાજીનામું આપી દેવું જોઈએ. નિર્દોષ સાબિત કરવાની જવાબદારી જેની ધરપકડ કરવામાં આવે માત્ર તેમની જ કેમ છે?'

અન્ય સમાચારો પણ છે...